મહાશિવરાત્રી : જૂનાગઢમાં ગિરનાર ખાતે આગામીતા.27 ફેબ્રુઆરીથી યોજાનાર શિવરાત્રી કુંભમેળાનો વિધિવત રીતે પ્રારંભ થશે. આ મેળાને રાષ્ટ્રવ્યાપી બનાવવા માટે રાજ્ય સરકારે મહાશિવરાત્રીના પર્વે યોજાતા ભવનાથના મેળાને મીનીકુંભ મેળાનો દરજ્જો આપ્યો છે. ત્યારે આ વર્ષે આ મેળો તા.26 ફેબ્રુઆરી થી 4 માર્ચ સુધી યોજાનાર છે. તે ઉપલક્ષે તંત્ર આ મેળાની ઉજવણીની તૈયારીને આખરી ઓપ આપી રહ્યું છે. ત્યારે આવો જાણીએ શિવરાત્રીના મેળા પૂર્વે યોજાનાર સંભવિત કાર્યક્રમો વિશે… Mahashivratri Bhavnath
જૂનાગઢ ખાતે યોજાયેલી અધિકારીઓની એક બેઠકમાં છ દિવસ ચાલનારા ગિરનાર શિવરાત્રી કુંભમેળાના રોજે રોજના કાર્યક્રમની એક સંભવિત રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી. જેમાં મેળાની વિધિવત શરૂઆતના આગલા દિવસથી લઈને પૂર્ણાહુતિ સુધીની રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી. ત્યારે આ મેળાની શરૂઆત થશે તેના આગલા દિવસે એક ખાસ કાર્યક્રમનું આયોજન થશે.
શિવરાત્રીના મેળાનો વિધિવત પ્રારંભ થાય તેની આગળના દિવસે એટલે કે તા.26, ફેબ્રુઆરીના રોજ સવારે જૂનાગઢ શહેરથી ભવનાથ સુધી એક મેરેથોન દોડનું આયોજન કરવામાં આવશે. આ મેરેથોન દોડમાં જાહેર જનતા ભાગ લઈ શકશે. આ મેરેથોન દોડનું પ્રારંભ સ્થળ ટુંકજ સમયમાં જાહેર કરવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે.
જૂનાગઢ શહેરમાંથી શરૂ થયેલી આ મેરેથોન દોડ ભવનાથ સુધી આવી પહોંચશે, અને ત્યાં વિરામ લેશે. આ મેરેથોન દોડના દોડવીરોનું ભવનાથ મુકામે સાધુ સંતો દ્વારા સન્માન કરવામાં આવશે. આ દિવસે મેરેથોન દોડ ઉપરાંત ભવનાથ મુકામે એક ફોટો ગેલેરીનું પણ આયોજન કરવામાં આવશે. જેને જાહેર જનતા માટે ખુલ્લું મુકવામાં આવશે.
તો આ હતી મહાશિવરાત્રીના મેળા પૂર્વે યોજાનાર કાર્યક્રમની એક સંભવિત યાદી…