Mahant Bharatdas Bapu : ગીર સોમનાથ જિલ્લાના બાણેજ (ગીર) કે જે ગીર જંગલની મધ્યમાં આવેલ છે ત્યાં રહેતા એવા એકમાત્ર મતદાર અને બાણેશ્વર મહાદેવ ના પૂજારી મહંત ભરતદાસ બાપુનું રાજકોટ હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું છે.
લોકશાહીમાં ચૂંટણી અને મતદાન કરવાનો અધિકાર દરેક લાયક વ્યક્તિ ને છે જ એ વાતને યથાર્થ સાબિત કરવા ચૂંટણીપંચ સતત કાર્યરત હોય છે. તેનું સૌથી મોટું ઉદાહરણ એટલે બાણેજ (ગીર), સમગ્ર દેશમાં માત્ર એક જ મતદાર હોવા છતાં ચૂંટણી પંચ દ્વારા મતદાન માટે પોલિંગ બૂથ ઉભું કરવામાં આવે છે.Mahant Bharatdas Bapu
અહીં આવેલ બાણેશ્વર મહાદેવ ના પૂજારી મહંત ભરતદાસ વર્ષોથી અહીં એકલા જ રહેતા હતા અને વર્ષ ૨00૨થી લોકસભા તેમજ વિધાનસભા ની દરેક ચૂંટણી વખતે મતદાન કરતા હતા તેમના એક મત માટે ૧૮ કે તેથી વધુ લોકોના સ્ટાફ ફરજ પર રહેતો હતો.
આ મતદાન મથક અને એક મતદારની નોંધ દેશના મુખ્ય ચૂંટણી કમિશનરે પણ એક વખત તેમના વક્તવ્યમાં કરી હતી.
મહંત શ્રી ભરતદાસબાપુ ના નિધન સાથે જ લોકશાહી સાથે જોડાયેલ એવા ગૌરવપૂર્ણ અધ્યાય નો અંત આવ્યો. ચૂંટણી પંચની કામગીરી માટે પણ તેમને બિરદાવવા જોઈએ કારણ કે આવા જંગલમાં પહોંચવું અને સાંજ સુધી પોતાની ફરજ નિભાવવી એ સહેલું નથી હોતું . ભરતદાસબાપુ ની પણ દેશ માટે એક જાગૃત નાગરિક તરીકેની ઓળખ હંમેશા યાદગાર રહેશે.
ભારતનું કદાચ આ એક જ મતદાન મથક હશે જ્યાં ૧૦૦ % મતદાન થતું હશે. ભરતદાસબાપુ એ એક વાર કહ્યું પણ હતું કે હું જે રીતે જંગલ વચ્ચે રહીને પણ મારો મત આપું છું તેમ સમગ્ર દેશમાં બધા મતદારો મત આપે અને દરેક ચૂંટણીમાં ૧૦૦ ટકા મતદાન થાય. આશા રાખીએ કે આજની પેઢીને ભરતદાસબાપુ ના આ શબ્દોમાંથી શીખ લેય અને પોતાની ફરજ પણ નિભાવે.
મતદાન કરવું એ દેશના દરેક જવાબદાર વ્યક્તિ ની સર્વોચ્ચ ફરજ છે. બાણેજ મતદાન મથક ભલે મતદાર વિનાનું થઈ ગયું હોય પણ મહંત શ્રી ભરતદાસબાપુ પૂજારી તરીકેની ફરજ ની સાથે સાથે દેશ માટેની ફરજ પણ બજાવતા તે વાતને લઇ હંમેશા માટે યાદ રહેશે.
સંદર્ભ : ઇન્ટરનેટ
Author: Kalpit Chandpa (“કસુંબી”) #TeamAapduJunagadh