40 હજાર જેટલા વૃક્ષોના ઉછેરમાં સહયોગ કરી સંસ્કૃત વિષયના આ આદર્શવાદી શિક્ષકે પોતાનું જીવન પ્રકૃતિને સમર્પિત કરી દીધું

માંગરોળ તાલુકાનાં લોએજ ગામમાં રહેતાં અને એસ.ડી.બી હાઈસ્કૂલ- લોએજમાં સંસ્કૃત વિષય શિક્ષક શ્રી રામ જાદવ નંદાણિયા સ્વભાવે ખૂબજ શાંત અને સાદગીમાંગાંધીજીના વારસદાર જ સમજો. પરિવાર અને સરકારી નોકરીની જવાબદારી સાથે કોઈપણ સ્થિતિમાં સમય બચાવી, તેઓ પોતાની સાયકલ, તેમાં બે કૅન અને એક સિંચણીયાવાળી ગાગર અને એક ડોલ ચારવડની વાવ તરફ દરરોજ નીકળી જતાં. કોઈની મદદ લેવી કે યશ મેળવવો એ પોતાના સ્વભાવમાં જ નથી કારણ કે તેમનો સિદ્ધાંત જ એવો કે,’માણસ પાસે જેટલી અપેક્ષા રાખશો તેઓ તેટલાં જ દુઃખ આપશે, યશ મેળવવા કરતાં કામોનો સમય ખૂબ ઓછો હોય છે.’

લોએજ ગામમાં પોતાના ઘરથી નજીકમાં શીથરડી ગામનું સરકારી મેદાન, ચારવડવાળો સળંગ  રસ્તો અને નવા પ્લૉટમાં આ શિક્ષકે આજે એકલાં હાથે 550 જેટલાં વૃક્ષો ઊછેરીને ઉજ્જડતા ભરેલા વિસ્તારમાં હરિયાળીની લીલી વનરાય પાથરી દીધી છે. આ ઉછેરેલા વૃક્ષો પૈકી અંદાજિત 200 જેટલા વૃક્ષોને તેઓએ પોતાની નજરે કપાતા પણ જોયા છે. ત્યારે તેઓ કોઈ ઉત્પાત મચાવ્યા વગર એટલું જ કહેતા કે,”માણસ એની પ્રકૃતિથી કામ કરે, હું મારી પ્રકૃતિથી કામ કરું છું.”

ગામડાના વાતાવરણમાં તથા રસ્તા પર ઉગાડેલા નાનાં નાનાં રોપા ક્યારેક બકરાંના ટોળાં કે રસ્તે નીકળતા ઢોર ચરી જતાં, બીજી બાજુ કોઈ વિઘ્ન સંતોષીઓ આ પોતાનો ત્રાસ વરતાવવા આ બાબતને પણ ન છોડતા! પરંતુ ક્યારેય આ સેવાકાર્ય માટે  હૈયાની હિંમત હાર્યા વગર,“ઈશ્વર બધુ જુએ છે” એ ન્યાયે જ પોતાના સેવાકર્મમાં 58 વર્ષ વટાવી ચુક્યા, તો પણ છેલ્લા 25 વર્ષથી પોતાના આ કર્મમાં મશગૂલ છે.

ચોમાસાનો પહેલો વરસાદ આવે એટલે રામભાઈ નર્સરીમાંથી રોપા મંગાવે. દર ચોમાસામાં 2000 થી વધુ રોપા મંગાવીને વિદ્યાર્થીઓને વૃક્ષ ઉછેર માટે પ્રેરણા આપી અને રોપા ઊછેરવા માટે આપે. જો એક હિસાબ કરીએ તો, આજે આજુબાજુના પંદરેક ગામડામાં અંદાજે 40 હજાર ઉગેલા વૃક્ષો ઊગાડવામાં પણ તેઓ મદદરૂપ બનેલાં છે. ક્યારેક માંગરોળ-પોરબંદર હાઇવે પર જવાનું થાય તો, એસ.ડી.બી. હાઈસ્કૂલ -લોએજની હરિયાળી જોવાનું ચૂકતા નહીં. આ બધુજ રામભાઇને આભારી છે.

રામભાઈનો એ સિદ્ધાંત આજે પણ તેના વિદ્યાર્થીઓને એટલો જ ગમે છે. તેઓ વર્ગમાં આવે એટલે કહેતા કે,”જેને ક્લાસ ન ભરવો હોય, તે બહાર ઝાડવાં પાવા જાય.” એવું કહી શિક્ષક રામભાઈ સહજ સ્મિત આપે, ત્યાં તો બે-ચાર વિદ્યાર્થી નીકળી પણ ગયા હોય. વિદ્યાર્થીઓ ખરેખર ઝાડવા પાય છે કે તેવું જોવા માટે તેઓ ક્યારેય જાસૂસ બન્યા નથી, કારણ કે તેમની પ્રકૃતિ જ સાધુઓને શરમાવે તેવી છે.

એક વખત સંકુલમાં નવું બિલ્ડીંગ નિર્માણ કરવા માટે આશરે 100 જેટલા વૃક્ષો કાપવા પડે તેમ હતા. વૃક્ષો કાપનારા આવ્યાં ત્યારે ખોટો કોઈ વિરોધ દર્શાવ્યા વિના જ રામભાઇએ તે દિવસે રજા મૂકી દીધી હતી. તે દિવસ તેઓએ કેમ વિતાવ્યો હશે એ તો કોઈ પર્યાવરણને જતન કરનાર સમજી શકે! બાકી ઇમારત ઊભી કરનારને વૃક્ષછેદનની શું સમજ પડે!

રામભાઈ પોતાના કાર્યકાળમાં ક્યારેય કોઈ મિત્રો સાથે ખોટા ગપાટા મારીને સમય બગાડયો નથી. ચાલીસ જેટલા કર્મચારીઓના સ્ટાફમાં અને હજારથી વધુ વિદ્યાર્થીઓની સંખ્યા ધરાવતાં સંકુલમાં રામભાઇને ખોટી કાનાફૂસી કે મજાક કરતાં ક્યારેય કોઈ વિદ્યાર્થીએ નથી જોયાં. રામભાઇને બધાં રામભાઈ સંસ્કૃતવાળા તરીકે ઓળખે છે. રામભાઈનો એક મજાનો સંદેશ એ છે કે,” જો માણસ વૃક્ષો વાવે તો તો સારી જ વાત છે, પણ જે નથી વાવતા તેઓ  વૃક્ષ કાપવાનું બંધ કરે એટલે એણે જતન કર્યું એમ જ હું સમજું છું.”

સંસ્કૃત વિષયની સાથે સંસ્કૃતિ અને પ્રકૃતિનું જતન કરતાં આવા આદર્શવાદી શિક્ષકને કોટિ કોટિ વંદન…

આભાર: કિશોરભાઇ વાળા (ભૂતપૂર્વ વિદ્યાર્થી- લોએજ)

અમે પણ જૂનાગઢને એટલો જ પ્રેમ કરીએ છીએ જેટલો તમે! જૂનાગઢ પ્રત્યેના આ પ્રેમને વધુ ગાઢ બનાવવા Aapdu Junagadh આપને જરૂરથી ઉપયોગી થશે. આ એક એવું માધ્યમ છે, જેના દ્વારા તમે આપણાં જૂનાગઢમાં બનતી રોજબરોજની સકારાત્મક ઘટનાઓ, નગરજનોને ઉપયોગી માહિતી, જૂનાગઢ શહેર અને તેની આજુબાજુ આવેલા સ્થળો, ધાર્મિકતા, ઐતિહાસિક સ્મારકો, વ્યક્તિ વિશેષ વિશેની માહિતી મેળવી શકશો. જો તમને ઉપરનો લેખ ગમ્યો હોય તો, શેર કરીને વધુને વધુ લોકો સુધી પહોંચાડો તથા તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્સમાં જણાવો.
જો આપની પાસે જૂનાગઢ વિશેની વિશેષ માહિતી હોય તો અમારા સુધી ઇમેઈલ દ્વારા પહોંચાડી શકો છો.

Email Id: aapdujunagadh@gmail.com