Lion Railway Crossing : આપણે અવારનવાર સિંહોના મૃત્યુ અંગે સમાચાર સાંભળતા હોઈએ છીએ. સિંહોના મૃત્યુ પાછળ ઘણા બધા કારણો સામે આવે છે. જેમાનું એક કારણ બૃહદ ગીરમાંથી પસાર થતી રેલ્વે લાઇન પણ છે. આ રેલ્વે લાઇન પરથી વન્ય પશુઓની અવરજવર રહેતી હોય છે, જેને કારણે ટ્રેનની અડફેટે આવી જતાં આ વન્ય પ્રાણીઓના મૃત્યુ થતાં હોય છે, જે બાબત પ્રકૃતિપ્રેમીઓ માટે એક ચિંતાનો વિષય બની ગઈ છે.
વિશ્વના પ્રખ્યાત ગીર અભ્યારણ્ય અને તેની આજુબાજુ આવેલા વન વિસ્તારમાંથી રેલ્વે ટ્રેક પસાર થાય છે. આ રેલ્વે ટ્રેક પરથી પસાર થતી ટ્રેનની અડફેટના કારણે થતા સિંહના મોતને અટકાવવા માટે એક ખાસ પ્રયોગ હાથ ધરાયો છે. ગીર મોનીટીરીંગ કમીટીએ રેલ્વે ટ્રેક પર ફાઇબર બ્રેક્સ લગાવવા માટેનો નિર્ણય કર્યો છે.
જેના કારણે ટ્રેન પર સિંહ કે કોઇ જંગલી પ્રાણી પસાર થાય તો તરત એલાર્મ વાગશે અને ત્યાંથી પસાર થતી ટ્રેનના ચાલકને તેની જાણ થશે. ગીર અભ્યારણમાં રેલ્વે ટ્રેક પર આ નવતર પ્રયોગ શરુ થવાથી સિંહના મોતનો આંકડો નીચો આવે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.
જૂનાગઢ રેન્જ આઈ.જીની અધ્યક્ષતામાં એક મોનિટરીંગ કમિટીની બેઠક મળી હતી. જેમાં વનતંત્ર, રેલ્વે સહિતનાં અનેક અધિકારીઓની હાજરીમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રેલ્વે ટ્રેક ઉપર સિંહોના મોતને અટકાવવા ફાઇબર બ્રેક્સ ટેકનૉલોજીનો ઉપયોગ કરાશે. ટ્રેન અડફેટે સિંહોના મોતને લઇને આજે જૂનાગઢમાં મોનીટર કમિટીની બેઠકમાં નિર્ણય લેવાયો હતો.
વન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, સિંહોના કુદરતી મોત થાય છે, પરંતુ તે સાથે અકુદરતી મોત પણ વધતા જાય છે. સરકાર તરફથી લેવામાં આવેલા પગલાંના કારણે મૃત્યુઆંકને નિયંત્રણમાં રાખી શકાયો છે, તેમ છતાં કુવામાં પડી જતાં, રેલ્વે ટ્રેકમાં કપાઇ જતાં, વાહન અકસ્માત અને ખેતરમાં ઇલેક્ટ્રિક કરંટના કારણે સિંહોના મોત થાય છે. એ ઉપરાંત ઇનફાઇટમાં અને કુદરતી બિમારીના કારણે પણ સિંહો મૃત્યુને ભેટે છે.
અકુદરતી મૃત્યુમાં રેલ્વેટ્રેક પર સિંહના અપમૃત્યુના કિસ્સા વધતા હોવાથી અગાઉ ગુડ્સ ટ્રેનની ઝડપને ઓછી કરી દેવામાં આવી હતી. જેના પછી હવે રેલ્વે ટ્રેક પર ફાઈબર બ્રેક્સ લગાવીને સિંહ તથા બીજા વન્ય પ્રાણીઓના જીવ બચાવવા માટે આ સિસ્ટમ બેસાડવાનું કામ હાથ ધરાશે.
અમે પણ જૂનાગઢને એટલો જ પ્રેમ કરીએ છીએ જેટલો તમે! જૂનાગઢ પ્રત્યેના આ પ્રેમને વધુ ગાઢ બનાવવા Aapdu Junagadh આપને જરૂરથી ઉપયોગી થશે. આ એક એવું માધ્યમ છે, જેના દ્વારા તમે આપણાં જૂનાગઢમાં બનતી રોજબરોજની સકારાત્મક ઘટનાઓ, નગરજનોને ઉપયોગી માહિતી, જૂનાગઢ શહેર અને તેની આજુબાજુ આવેલા સ્થળો, ધાર્મિકતા, ઐતિહાસિક સ્મારકો, વ્યક્તિ વિશેષ વિશેની માહિતી મેળવી શકશો. જો તમને ઉપરનો લેખ ગમ્યો હોય તો, શેર કરીને વધુને વધુ લોકો સુધી પહોંચાડો તથા તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્સમાં જણાવો.
જો આપની પાસે જૂનાગઢ વિશેની વિશેષ માહિતી હોય તો અમારા સુધી ઇમેઈલ દ્વારા પહોંચાડી શકો છો.
Email Id: aapdujunagadh@gmail.com
Also Read : Lokshahi : શબ્દ નાનો, અર્થ છે વિશાળ; જાણો લોકસભા વિશેના કેટલાક રોચક તથ્યો…