જૂનાગઢ જિલ્લામાં થઈ રહ્યો છે વૃક્ષ વાવેતરનો અનોખો યજ્ઞ, 25 હજાર જેટલાં વૃક્ષો વાવી અપાશે આહુતિ!

જૂનાગઢ

જૂનાગઢ : આઝાદી મળ્યા પછીના 50 વર્ષ દરમિયાન ભારતની વસ્તી 36 કરોડમાંથી વધીને 100 કરોડ જેટલી થઈ ગઈ છે. વસ્તીવધારાને લીધે આપણા દેશમાં અનેક ગંભીર સમસ્યાઓ સર્જાઈ છે. વધતી વસ્તીને વસાવવા માટે વધુ જમીનની જરૂર પડી છે, જેથી આ જમીન ઉપરથી વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવ્યું છે. એ ઉપરાંત હવા, પાણી અને અવાજનું પ્રદૂષણ પણ ભયજનક હદે વધ્યું છે. આ ભયજનક પ્રદૂષણને નાથવાના આપણા દેશમાં અનેક ઉપાયો થઈ રહ્યા છે. જેમાંથી એક મહત્વનો ઉપાય છે વૃક્ષારોપણ.

જૂનાગઢ

આપણાં જૂનાગઢમાં કાર્યરત એગ્રો ડીલર દ્વારા ચાલતી સંસ્થા કિસાન મિત્ર દ્વારા ગતવર્ષે ગામડે ગામડે લીંબોડીના 12 લાખ બીજનો છંટકાવ કરાયા બાદ આ વર્ષે વિવિધ ઉપયોગી વૃક્ષોના 10 હજાર રોપા નર્સરીમાંથી ખરીદીને લોકોને વિનામૂલ્યે વિતરણ કરવાનું આયોજન કરાયું છે. તાજેતરમાં જ જૂનાગઢના ટાઉનહોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં 400 રોપાનું વિતરણ કરાયું હતું.

એગ્રો એગ્રો ડીલર્સ એસોસિએશન અને કિસાન મિત્ર ક્લબ દ્વારા જૂનાગઢ જિલ્લાના વિવિધ ગામડામાં વિનામૂલ્યે રોપાઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જેમાં રાવણા, લીમડા, સરગવા, સપ્તપર્ણી, વડ સહિતના વૃક્ષોનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ગામડે ગામડે ફરીને આ રોપાઓનું નિઃશુલ્ક વિતરણ કરવા માટે “વૃક્ષરથ” નામનું ખાસ વાહન તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં ક્લબના સભ્યો દ્વારા રોજના 500 વૃક્ષનું ગામડે ગામડે જઈને વિતરણ કરવામાં આવે છે.

છેલ્લાં વીસેક દિવસથી શરૂ થયેલા આ ભગીરથ કાર્યમાં અત્યાર સુધીમાં 11500 વૃક્ષનું વિતરણ થઈ ચૂક્યું છે. વૃક્ષ વાવવાનું જેટલું મહત્વ છે, એટલુંજ મહત્વનું છે તેનો ઉછેર કરવો. આ બાબતની પણ નોંધ લેવા માટે કિસાન મિત્ર ક્લબના સભ્યો જ્યાં વૃક્ષ વિતરણ કરે છે, તે વૃક્ષનો રિપોર્ટ પણ મંગાવે છે. જે દરમિયાન જો વૃક્ષ મૃત થયું હોય તો, નવું વૃક્ષ આપવામાં આવે છે. જો વૃક્ષ જીવિત હોય તો, તેની સાથે ફોટોગ્રાફ મોકલવાનું કહેવામાં આવે છે. આ રીતે માત્ર વૃક્ષ વિતરણ જ નહીં, પરંતુ તેના ઉછેરની પણ પુરી કાળજી લેવામાં આવે છે.

વાત જો કેશોદના અજાબ ગામની કરવામાં આવે તો, ત્યાં જ્યારે વૃક્ષરથનું આગમન થયું ત્યારે ગ્રામજનોએ સામૈયું લઈને તેનું સ્વાગત કર્યું અને તમામ સભ્યોનું કુમકુમ તિલક લગાવી સન્માન કરવામાં આવ્યું. જે બાદ અગાઉ વિતરણ કરેલાં વૃક્ષોના દર્શન કરાવવામાં આવ્યાં અને વાજતે ગાજતે વૃક્ષરથને ગામની શેરીઓમાં પરિભ્રમણ કરાવવામાં આવ્યું અને 1200 જેટલા વૃક્ષોનું વિતરણ કરવામાં આવ્યું. જો પ્રત્યેક લોકો વૃક્ષનું સન્માન કરે અને તેને પણ એક જીવ સમજીને તેનો જતનથી ઉછેર કરે તો, ક્યારેય ગ્લોબલ વોર્મિંગ જેવી વિકટ પરિસ્થિતિનો સામનો જ ન કરવો પડે!

જૂનાગઢ

આગામી સમયમાં જૂનાગઢ જિલ્લાના અંદાજીત 200 ગામડામાં આ વૃક્ષરથ પરિભ્રમણ કરશે અને 25 હજાર જેટલાં વૃક્ષ રોપાનું વિતરણ કરવામાં આવશે. જો કોઈ ગામના સરપંચ અનુમતિ આપીને 2 થી 3 વીઘા જેટલી જમીન વૃક્ષ વાવેતર માટે આપે તો, ક્લબના સભ્યો આવીને વૃક્ષોનું વાવેતર કરી જશે. જો કોઈ વ્યક્તિ ગ્રામ્ય વિસ્તારમાં, ખેતરમાં કે ઘરઆંગણે વૃક્ષ વાવવા ઇચ્છતા હોય તો, નીચે આપેલા નંબર પર વોટ્સએપ કે કોલ કરશે તો ટીમના સભ્યો આવીને નિઃશુલ્ક વૃક્ષનું વાવેતર કરી જશે.

સંપર્ક સૂત્ર: 9879527375

Also Read : Girnar Ropeway project has arrived in Junagadh