શહેરના રસ્તાઓ પર રહેશે ત્રીજી આંખની બાજ નજર, ટ્રાફિક નિયમો તોડનારની ઘરે આવશે ઇ-મેમો

કોઈ નથી ઊભું, જવા દે જવા દે! આવું કહેનારાઓ એ હવે ચેતીને રહેવું પડશે, કેમકે આપણાં જૂનાગઢ શહેરમાં ટ્રાફિકના નિયમનો હવે કડક બનવા જય રહ્યાં છે. ટ્રાફિક પોલીસ હોય કે ન હોય, ત્રીજી આંખ કહેવાતા સીસીટીવી કેમેરાની હવે ટ્રાફિક નિયમન પર બાજ નજર રહેશે. ફક્ત એટલું જ નહીં પરંતુ જેવો ટ્રાફિકનો નિયમ તોડ્યો કે સીધો ઇ-મેમો આપણી ઘરે જ આવશે. જૂનાગઢ મહાનગરમાં ટ્રાફિક નિયમન તંત્ર હવે જૂનાગઢવાસીઓને ટ્રાફિકના નિયમો સાથે ચલાવવામાં કોઈ કસર છોડવા નથી માંગતી.

આપણાં જૂનાગઢ શહેરમાં વિવિધ 53 જેટલી જગ્યાઓએ વાહનચાલકો પર સીસીટીવી કેમેરાની સતત નિગરાની રહેશે. ગૃહ વિભાગ ગાંધીનગરની સુચના મુજબ શહેરમાં કુલ 311 જેટલા સીસીટીવી કેમેરા કાર્યરત થશે, આ કેમેરા વાહનચાલકની તેમજ ગુનેગારોની તમામ હરકત પર નજર રાખશે.

શહેરમાં ખૂબ સારી રીતે ટ્રાફિક નિયમન થાય, અકસ્માતોનું પ્રમાણ ઘટે તેમજ ગુનેગારોની તમામ ગતિવિધિથી પોલીસ વાકેફ થઇ શકે તે માટે આ ખાસ આયોજન કરવામાં આવ્યું છે. સીસીટીવી કેમેરા લગાવવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. ટૂંક સમયમાં જ કામગીરી પૂર્ણ થયા બાદ ઇ-મેમો ઘરે પહોંચતો થઈ જશે. આ સંપૂર્ણ કામગીરી માટે 10 જિલ્લાના કર્મીઓની જૂનાગઢ પોલીસ ટ્રેનિંગ સેન્ટર ખાતે ટ્રેનિંગ ચાલી રહી છે.

જૂનાગઢ શહેરમાં વિવિધ જગ્યાએ કુલ 311 કેમેરા લગાવવામાં આવશે, જેની અંદર રાત્રીના સમયે થતી ગેરકાનૂની પ્રવૃત્તિ પણ કેમેરામાં કેદ થાય તે માટે ફોર કે નાઇટ વિઝનવાળા અંદાજિત 70 કેમેરા લગાવવામાં આવશે.આ કેમેરાની ક્લિયારિટી વધુ હોવાથી રાત્રીના સમયે ચોરી-લૂંટફાટ, મારામારી જેવા બનાવો પોલીસ વધુ આસાનીથી ઉકેલી શકશે. સૂત્રોનું માનીએ તો, આ કામગીરી 1લી મે, 2019થી શરૂ થઈ શકે છે.

ઇ-મેમોમાં નીચેની બાબતો સમાવિષ્ટ હશે…  

 • વાહનચાલક માલિકનું નામ
 • સરનામું,
 • વાહન નંબર,
 • શું ગુનો કર્યો છે?,
 • કઈ જગ્યાએ નિયમનું ઉલ્લંઘન થયું છે તે જગ્યાનું નામ,
 • તારીખ,
 • સમય,
 • કઈ કલમ હેઠળ દંડ,
 • કેટલા સમયમાં દંડ ભરવો તે
 • સમય મર્યાદામાં દંડની ભરપાઈ ન કરે તો શું કાર્યવાહી થશે તે
 • નિયમનો ભંગ કરનાર અંગેનો ફોટોગ્રાફ વગેરે બાબતો ઇ-મેમોમાં સામેલ હશે.

 

કઈ-કઈ બાબતો ટ્રાફિકના નિયમનોના ઉલંઘન અંતર્ગત આવશે?  

 • રોંગ સાઈડમાંથી વાહનચાલક ઘૂસશે,
 • નો એન્ટ્રીના નિયમનો ભંગ કરશે,
 • હેલ્મેટ નહીં પહેર્યું હોય,
 • ચાલુ વાહને મોબાઈલ પર વાતચીત કરતા હશે,
 • સીટ બેલ્ટ બાંધ્યો નહીં હોય,
 • ફોરવ્હીલમાં કાળા કાચ હશે

વગેરે જેવી બાબતોમાં વાહનચાલકોને ઘરે ઇ-મેમો મોકલવામાં આવશે.

આ ઉપરાંત શિવરાત્રી જેવા મેળામાં લાખોની જનમેદની એકઠી થતી હોય છે, ત્યારે શંકાસ્પદ હિલચાલ પર દેખરેખ રાખી શકાશે અને કોઈ દુર્ઘટના ઘટે તે પહેલા રોકી શકાશે આમ લોકોની સલામતી જાળવવા માટે પણ સીસીટીવી કેમેરા ઉપયોગી સાબિત થશે.

અમે પણ જૂનાગઢને એટલો જ પ્રેમ કરીએ છીએ જેટલો તમે! જૂનાગઢ પ્રત્યેના આ પ્રેમને વધુ ગાઢ બનાવવા Aapdu Junagadh તમને જરૂરથી ઉપયોગી થશે. આ એક એવું માધ્યમ છે, જેના દ્વારા તમે આપણાં જૂનાગઢમાં બનતી રોજબરોજની સકારાત્મક ઘટનાઓ, નગરજનોને ઉપયોગી માહિતી, જૂનાગઢ શહેર અને તેની આજુબાજુ આવેલા સ્થળો, ધાર્મિકતા, ઐતિહાસિક સ્મારકો, વ્યક્તિ વિશેષ વિશેની માહિતી મેળવી શકશો.

 

તમે જે લેખ વાંચી રહ્યાં હતાં, તે Aapdu Junagadh ના માધ્યમથી પ્રસારિત થયો છે. આ લેખ વાંચવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરીને વધુને વધુ લોકો સુધી પહોંચાડો તથા તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્સમાં જણાવો.

 

જો આપની પાસે જૂનાગઢ વિશેની વિશેષ માહિતી હોય તો અમારા સુધી ઇમેઈલ દ્વારા પહોંચાડી શકો છો.

Email Id: aapdujunagadh@gmail.com

સંદર્ભ: દિવ્યભાસ્કર