ત્રણ દિવસના અવિરત વરસાદથી જૂનાગઢ જિલ્લાના આ ડેમો થયાં ઓવરફ્લો, જાણો વિગતવાર માહિતી…

છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજાએ જૂનાગઢમાં મંડાણ કર્યું છે. મેઘરાજાના આગમનથી જુનાગઢવાસીઓમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે. સતત પડી રહેલી ગરમીથી ચારે તરફ ઉકળાટથી મુક્તિ મળતાં લોકોએ રાહતના શ્વાસ લીધા છે. આ ઉપરાંત ગિરનારની વનરાય પણ લીલીછમ થઈ ગઈ છે, જેને લઈને વન્ય જીવસૃષ્ટિ પણ આનંદિત બની ગઈ છે.સામાન્ય રીતે 15મી જુનથી સતાવાર ચોમાસુ બેસે છે, પરંતુ જૂનાગઢ જિલ્લામાં જુન માસની શરૂઆતથી વરસાદ પડવાનું શરૂ થયુ હતું. જોકે જુન માસનાં પ્રથમ બે અઠવાડિયામાં સામાન્ય વરસાદ પડ્યો હતો. બાદમાં 15મી જુનથી વરસાદે જોર પકડ્યું હતું. ગત રવિવારે તા.5મી જુલાઈના રોજ રાત્રે જિલ્લામાં ધોધમાર વરસાદ થયો હતો. જ્યારે જૂનાગઢ શહેરમાં રવિવારની રાત્રી થી સોમવાર સુધી ધીમીધારે વરસાદ વરસ્યો, ત્યારે ગિરનાર જંગલમાં ભારે વરસાદ થયો હતો. જેના કારણે ગિરનારમાંથી નીકળતી નદીઓમાં પુર આવ્યા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે, ગત રવિવારે રાત્રે ગિરનારમાં ધોધમાર વરસાદ વરસવાને કારણે સોનરખ, કાળવા અને લોલ નદીમાં પુર આવ્યું હતું. આ ઉપરાંત દાતાર પર્વતની તળેટીમાં આવેલા વિલીંગ્ડન ડેમમાં પાણીની આવક શરૂ થઇ હતી. તા.6ઠ્ઠી જુલાઈ, સોમવારના રોજ સવારે 6:30 વાગ્યાની આજુબાજુ વિલીંગ્ડન ડેમ ઓવરફ્લો થયો હતો. જ્યારે રવિવારની રાત્રે 2:30 વાગ્યે આણંદપુર ડેમ ઓવરફ્લો થયો હતો.વિલીંગ્ડન ડેમ ઓવરફ્લો થતાની સાથે જ જૂનાગઢવાસીઓ પ્રકૃતિના ખોળે આવેલા ડેમનો નજારો માણવા ઉમટી પડ્યાં હતાં. ગિરનાર જંગલમાં વરસાદનાં કારણે ઝરણાંઓ પણ વહેવા લાગ્યા હતાં, જેમાં આહલાદક દ્રશ્યો જોઈને લોકો પ્રફુલ્લિત બન્યાં હતા.જૂનાગઢ જિલ્લામાં અત્યાર સુધીમાં પડેલા વરસાદથી વિલીંગ્ડન ડેમ, આણંદપુર ડેમ, બાંટવા ખારો, ઓઝત શાપુર-વંથલી, સાબલી ડેમ ઓવરફ્લો થઈ ગયાં છે. જ્યારે આ સહિતનાં 11 ડેમમાં નવાનીરની આવક થઇ હતી. જૂનાગઢ જિલ્લામાં સિઝનનો 46.58%, જયારે જૂનાગઢ શહેરમાં 32.9% વરસાદ વરસી ચુક્યો છે.

#TeamAapduJunagadh