Junagadh News – 94 વર્ષ પહેલાં આજના દિવસે આપણાં જૂનાગઢ શહેરમાં ફાનસ યુગનો અંત આવ્યો હતો અને આખુંય શહેર વીજળીના ગોળાથી પ્રકાશિત થયું હતું!

Junagadh News – 94 વર્ષ પહેલાં આજના દિવસે આપણાં જૂનાગઢ શહેરમાં ફાનસ યુગનો અંત આવ્યો હતો અને આખુંય શહેર વીજળીના ગોળાથી પ્રકાશિત થયું હતું! આવો જાણીએ એ દિવસ સાથે જોડાયેલી રોચક કહાની..

આજથી 94 વર્ષ પહેલાં જૂનાગઢ
વીજળીના ગોળાથી પ્રકાશિત થયું હતું!

એ સમયે જૂનાગઢના લોકોએ
ચંદ્રયાન-3 ની સફળતા જેવી ખુશી મનાવી હતી!

વર્ષ 1929ની આ વાત છે; જે પહેલાં જૂનાગઢમાં વીજળીનું આગમન જ ન્હોતું થયું! એ સમયે જૂનાગઢના લોકો રાત્રિ દરમિયાન પ્રકાશ મેળવવા ફાનસ પેટાવતા કે પતરાંના નાના ડબલામાં ઘાસલેટ ભરી તેમાં સુતરની વાટ મુકી પ્રકાશ મેળવતાં. દરરોજ સાંજે મહિલાઓ એ ફાનસના કાચના પોટાઓને રાખથી સાફ કરતી અને કપડાંના કટકાથી લુછી-લુછી મેશ દૂર કરી ફાનસની વાટનો મોગરો કાપી સપ્રમાણ કરી ફરીથી એ ફાનસ પ્રજ્વલિત કરતી! એ વખતે લગભગ દરેક ઘરે ફાનસ ટાંગવા માટે લોખંડના એંગલ કે કડી લગાવેલી જોવા મળતી!

પરંતુ 26 ઓગસ્ટ, 1929 નો એ દિવસ આજે પણ જૂનાગઢના લોકો યાદ કરે છે; કેમકે એ દિવસે જૂનાગઢમાં ફાનસ યુગનો અંત આવ્યો અને તે દિવસથી આખુંય શહેર વીજળીના ગોળાઓના દિવ્ય પ્રકાશથી ઝળહળતું બન્યું હતું! અંધકારના એ યુગમાં વિજ્ઞાાનની એ શોધને જૂનાગઢ સુધી પહોંચાડવાનો શ્રેય તે સમયના જૂનાગઢ નગર શેઠ રૂગનાથ રાજા (માજી સાંસદ સ્વ.બચુભાઈ રાજાના પિતાશ્રી)ને ફાળે જાય છે. તેઓએ પોતાની માલિકીની જમીનમાં જૂનાગઢમાં હાલ જ્યાં જી.ઈ.બી. ઓફિસ છે, ત્યાં ઇલેક્ટ્રીક પાવર હાઉસ શરૂ કરાવ્યું! જેના નિર્માણ માટે એ સમયે અંદાજે રૂપિયા સાત લાખ જેવો ખર્ચ થયો હતો.

જૂનાગઢના ઈતિહાસકાર પરિમલ રૂપાણી જણાવે છે કે; 13 જાન્યુઆરી, 1925ના રોજ દિવાન શેખ મહંમદે મીટિંગ બોલાવી અને આ માસ્ટર પ્લાન મુંબઈના કન્સ્લટીગ ઇજનેરને જૂનાગઢ ખાતે બતાવ્યો! એ પછી 06 જૂન, 1925 ના સરક્યુલરથી દિવાને વિચાર ગોષ્ટી ચાલુ રાખી અને 20 ઓગસ્ટ, 1928 ના રોજ ધી અમીર શેખ મહમદભાઈ ઇલેક્ટ્રિક પાવર હાઉસનો પાયા નાખવા માટે ફરાસખાના(હાલનું નગરપાલિકા બિલ્ડિંગ)માં ભવ્ય સમીયાણો બાંધ્યો.

એ સમયના શેઠ-શાહુકારો-અમીર, ઉમરાવોની ઉપસ્થિતિમાં નવાબ મહાબતખાન ત્રીજાએ ચાંદીના પાત્રમાં રહેલ ચુના ફેલ વડે શાસ્ત્રોક્ત વિધિથી ખાતમુહૂર્ત કર્યું. જે બાદ 14 માસમાં પાવર હાઉસનું કામ પૂર્ણ થયું અને 26 ઓગસ્ટ, 1929 ના રોજ એજન્ટ ટુ ધી ગવર્નર જનરલ વેસ્ટર્ન ઇન્ડિયા સ્ટેટ એજન્સી કર્નલ ફ્રીઝ હાથે પાવર હાઉસનું ઉદ્ઘાટન થયું.

ઉદ્ઘાટનના ત્રણ માસમાં જ વધુ વીજ માંગ ઉભી થતાં વધારાનો રૂ.50,000નો ખર્ચ થયો અને તબક્કાવાર રૂ.6.15 લાખ ખર્ચે વિસ્તરણ થયું. જે પછી 31 માર્ચ, 1930 ના રોજ નવાનગર મહારાજા જામસાહેબે પાવર હાઉસની મુલાકાત લીધી હતી. ફેબ્રુઆરી-1932 માં દિવાન પદે કેડલની નિમણુંક થઈ અને નોટિસ આપી પાવર હાઉસનો કબજો લીધો. સ્ટેટ ઇલે. સપ્લાય વર્ક્સ દ્વારા નીતિ-નિયમો નક્કી કરાયા, જેમાં લાઈટ યુનિટ એકના પા આના, બે આના, મીટર લાઈટીંગ એક માસના આઠ આના, થ્રી ફેસ મીટરનો એક રૂપિયો અને 40 કે.વી. એ ઉપરાંત ત્રણ ફેસ મીટરના રૂપિયા બે મિનિમમ, 100 ફૂટ સુધી ઘરે ફ્રી વાયરીંગ કનેક્શન કરી અપાતું. રૂગનાથભાઈ રાજા દ્વારા સમર્પિત આ પાવર હાઉસમાં મૂળ જૂનાગઢના વતની અને પાકિસ્તાનના ક્રિકેટરો હનીફ મહમદ, મુસ્તાક મહમદ, વજીર મહમદ અને સાદીક મહમદના પિતાશ્રીએ જૂનાગઢ સ્ટેટના આ પાવર હાઉસમાં ઇલેક્ટ્રીશ્યન તરીકે ફરજ બજાવી હતી. વીજળીઘરના ઉદ્ઘાટન સમયે તે સમયની એ નવીનતા હોય લોકો તે જોવા ટોળે-ટોળાં ઉમટ્યા હતાં અને રસ્તા ઉપર નાચી ઉઠ્યા હતાં.

Also Read : ચંદ્રયાન-3 ની સફળતા બદલ જૂનાગઢની 1100 વિદ્યાર્થિનીઓએ ઇસરોને ટપાલ લખી શુભકામનાઓ પાઠવી