Junagadh News : જૂનાગઢ કૃષિ યુનિ. ખાતે ત્રિ-દિવસીય ગ્રાઉન્ડનટ વર્કશોપ-2023નો પ્રારંભ; 150 થી વધુ વૈજ્ઞાનિકો ભાગ લઈને માહિતીનું આદાન-પ્રદાન કરશે!
– જૂનાગઢ જિલ્લો અને સૌરાષ્ટ્ર વિસ્તાર મગફળીના ધરખમ ઉત્પાદન માટે દેશભરમાં જાણીતો છે, ત્યારે આ ઉત્પાદનને વધુ વેગ આપવા માટે અને નવા સંશોધનના માધ્યમથી ખેડૂતોની આવક વધારવા માટે જૂનાગઢ કૃષિ યુનિ. ખાતે ત્રિ-દિવસીય એન્યુઅલ ગ્રાઉન્ડનટ વર્કશોપ-2023 નો પ્રારંભ થયો છે.
– આ વર્કશોપમાં દેશભરના 150થી વધુ વૈજ્ઞાનિકો ભાગ લઈ રહ્યા છે; જે મગફળીના પાકના જુદાજુદા પરિબળોના સંદર્ભે વિચારોની આપ-લે કરશે.
– આ તકે જાણવા મળેલી માહિતી અનુસાર; આઈસીએઆર, ડીજીઆર વગેરે સંસ્થાઓના સંશોધન અને ટેક્નોલોજીના માધ્યમથી મગફળીમાં અફલાટોક્સિનના લેવલને ઘટાડવામાં સફળતા મળી છે; જેથી રૂ.4 હજાર કરોડથી વધુની મગફળીના નિકાસમાં વધારો થયો છે.
– આ ઉપરાંત ભારતમાં અદ્યતન શોધ-સંશોધનના કારણે મગફળીનું ડબલ ઉત્પાદન કરવામાં સફળતા મળી છે.
– જે અન્વયે ભારતમાં વર્ષ 1970 પહેલાં મગફળીની પ્રતિ હેક્ટર ઉત્પાદકતા 6 થી 7 હજાર કિલો હતી, જે વર્ષ 2021-22 માં વધીને 18 હજાર કિલોગ્રામે પહોંચી છે.
– ઉપરાંત તેલીબીયા પાકોમાં 25 થી 30 ટકા યોગદાન મગફળીનું છે, જેથી ભારતના સંદર્ભમાં મહત્તમ તેલની ટકાવારી ધરાવતા મગફળીના પાકનો કોઈ વિકલ્પ નથી.
– મગફળી સૌરાષ્ટ્ર–ગુજરાતનો ઓળખરૂપ પાક છે, રાજ્યમાં 20 લાખ હેક્ટરમાં તેનુ ઉત્પાદન કરવામાં આવે છે, ત્યારે આ પાકના માધ્યમથી ખેડૂતોને આવકમાં વૃદ્ધિ થાય અને ઓછા ખર્ચે ખેડૂતોને શ્રેષ્ઠ ટેક્નોલોજી મળી રહે તે માટે દિશામાં પણ ભાર આપવામાં આવી રહ્યો છે અને આ વર્કશોપના માધ્યમથી પ્રયાસો કરવામાં આવશે.
– આ તકે મગફળીની સંશોધિત જાતો, દેશભરમાં મગફળીના પાકનો ઝોન વાર ચિતાર સહિતની આંકડાકીય માહિતી સાથેનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું.