જૂનાગઢવાસીઓ માટે જૂનાગઢ એટલે સ્વર્ગ સમાન છે, કારણ કે અહી જે કૃતિ, સંસ્કૃતિ અને સ્થાપત્યનો ખજાનો સચવાયેલો છે, તે અન્ય કોઈ જ્ગ્યાએ મળવો મુશ્કેલ છે. આવો ખજાનો બીજે ક્યાય મળે કે ન મળે પણ હા, વિશ્વમાં બીજે ક્યાક એક જૂનાગઢ તો અસ્તિત્વ ધરાવે જ છે. તમને થશે કે જૂનાગઢ જેવી અજોડ ભૂમિ બીજે ક્યાં જોવા મળે? તો તમને જણાવી દઈએ કે, જૂનાગઢ તો હમેશા બેજોડ જ રહેવાનુ છે, પરંતુ વિશ્વમાં એક બીજી જગ્યાએ પણ જે જૂનાગઢ આવેલું છે, તે હકીકતમાં “જૂનાગઢ હાઉસ”ના નામથી ઓળખાઈ છે, તો ચાલો જાણીએ જૂનાગઢ હાઉસ વિષે…
જૂનાગઢ હાઉસનો સીધો સંબંધ જૂનાગઢના અંતિમ નવાબ મહાબત ખાનજી ત્રીજા સાથે જોડાયેલ છે. આપણે સૌ જાણીએ છીએ કે, ભારતની આઝાદી સમયે જૂનાગઢના નવાબને જૂનાગઢને પાકિસ્તાન સાથે જોડવાનો મનસૂબો હતો, પરંતુ આરઝી હકૂમત, તત્કાલિન કોંગ્રેસ પાર્ટીના પ્રયાસો, સરદાર વલ્લભભાઈ પટેલના ભાષણો જેવી વિવિધ પ્રવૃતિઓના કારણે જૂનાગઢનાં 80%થી વધુ લોકોએ જૂનાગઢને ભારત સાથે જોડવાના સમર્થનમાં જ મત આપ્યા હતા.
જૂનાગઢની જનતાએ આપેલા મતના કારણે જૂનાગઢ તા.9મી નવેમ્બર 1947ના રોજ ભારત સાથે જોડાઈ જવા માટે સક્ષમ થઈ ગયું અને એ સાથે જ જૂનાગઢનાં અંતિમ નવાબ મહાબત ખાનજી ત્રીજાએ પાકિસ્તાન તરફ ઉચાળા ભર્યા. જો કે પાકિસ્તાન ગયા બાદ પણ તેમનો જૂનાગઢ મોહ છૂટ્યો ન હતો અને જૂનાગઢ તો છે જ એવું જેનો મોહ સ્વર્ગ પણ ન છોડાવી શકે.
નવાબ મહાબત ખાનજી ત્રીજાને પાકિસ્તાન સરકાર તરફથી કરાચી ખાતેનું એક ભવ્ય મકાન રહેવા માટે આપ્યું, જે કરાચીમાથી ભારત આવતા રહેલા હિન્દુ પરિવારોનું એક નિવાસ સ્થાન હતું. આ મકાનને નવાબ મહાબત ખાનજીએ જૂનાગઢની યાદમાં “જૂનાગઢ હાઉસ” નામ આપી દીધું. હાલમાં નવાબ મહાબત ખાનજી તો હયાત નથી, પરંતુ તેમના પુત્ર-પૌત્રાદી અનેક લોકો આજે પણ જૂનાગઢ હાઉસમાં રહે છે.
પાકિસ્તાનનાં કરાચીમાં ફાતિમા જીન્નાહ રોડ ખાતે આવેલ જૂનાગઢ હાઉસનો અમુક ભાગ લગ્ન સમારંભ અને બીજી અમુક મીઝબાની માટે ઉપયોગમાં આપવામાં આવે છે. આમ, જૂનાગઢથી આટલી દૂર જઈને પણ નવાબ મહાબત ખાનજી ત્રીજાએ જૂનાગઢને જ યાદ કર્યું અને પોતાના રહેણાંકને જૂનાગઢનું નામ આપી દીધું. વિશ્વમાં ભાગ્યે જ કોઈ એવું શહેર હશે જેના માટે દરેક લોકોને આટલી માયા અને લાગણી જોડાયેલી હોય.