ગિરનારની ગોદમાં શ્રીજી મહારાજની હૈયાતીમાં નિર્માણ થયેલ સ્વામિનારાયણ મંદિરના ઇતિહાસને જાણીએ

શ્રીજી મહારાજની હૈયાતીમાં બન્યું હતું, શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર!
આવો જાણીએ રોચક ઇતિહાસ…

જૂનાગઢ નવાબી કાળ અને સ્વામિનારાયણ સંપ્રદાયને ઘણો ગાઢ સંબંધ રહ્યો છે. નવાબ સાહેબો અને દીવાનોએ સ્વામિનારાયણ સંપ્રદાયના વિકાસ માટે ઘણું યોગદાન આપ્યું છે. આ જ ભૂમિ પર સર્વોપરી અવતારી શ્રીજી મહારાજે પોતાના સ્વહસ્તે કઈ રીતે મંદિરનું નિર્માણ કરાવીને દેવોને પધરાવ્યા, એ વિશે કેટલીક રોચક વાતો જાણીએ…

આ વાત છે વિક્રમ સંવત 1882ની, જ્યારે સોરઠના ભક્તોએ શ્રીજી મહારાજને પ્રાર્થના કરી,‘‘હે મહારાજ ! આપે અમદાવાદ, ભુજ અને વડતાલમાં મંદિરો કરી દેવો પધરાવ્યા છે, તો અમારા જૂનાગઢમાં પણ આપ મંદિર કરો એવી સોરઠ દેશના ભક્તોની ઇચ્છા છે.’’ શ્રીજી મહારાજે કહ્યું કે,‘‘દરબાર, મંદિર તો કરીએ પણ જગ્યા?”

ઝીણાભગતે પોતાની જમીન મંદિર માટે કૃષ્ણાર્પણ કરી. બ્રહ્માનંદ સ્વામીએ ઝીણાભાઇના ઉતારાની જગ્યામાં મંદિર કરવાનું નક્કી કર્યું. ઝીણાભાઇના ભાઇ દાદાભાઇએ પણ પોતાની વાડી મંદિર માટે આપી હતી. સંવત 1882ના વૈશાખ સુદ ત્રીજના દિવસે સદ્‌ગુરુ ગોપાળાનંદ સ્વામીના વરદ્દ હસ્તે દાદાભાઇની વાડીની વાવ પાસે જૂનાગઢ મંદિરનું ખાતમૂહુર્ત થયું. ગિરનારની પથરાળ ધરતી હોવાથી બહુ ઊંડો પાયો ખોદવાની જરૂર ન હતી. પથરાળ જમીન ઉપર જ ચણતર કામ શરૂ થયું. પાસેના ડુંગરાઓમાંથી પથ્થરો કઢાવી, ચૂનાની ભઠ્ઠીઓ પણ ત્યાં કરાવી મંદિરનું કામકાજ શરૂ થયું.

મંદિરના નિર્માણમાં અનેક વિઘ્નો આવ્યાં, પરંતુ પૂર્ણ પુરુષોત્તમની લીલાઓના લીધે જૂનાણાંની ધરતી પર આખરે સદ્‌ગુરુશ્રી ગોપાળાનંદ સ્વામી, કવિરાજ બ્રહ્માનંદ સ્વામી અને અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીની અથાગ મહેનતના પરિણામે બે વર્ષના ટૂંકા સમયગાળામાં મંદિરનું કામ પૂર્ણ થવાને આરે પહોંચ્યું. પ્રતિષ્ઠા માટે બ્રહ્માનંદ સ્વામીએ ગગાભાઇને પત્ર લખીને ગઢપુર મોકલ્યા.

પત્ર વાંચી શ્રીજી મહારાજે રામચંદ્ર જોષી પાસે દેવોની પ્રતિષ્ઠા માટેનું શુભ મૂહુર્ત કઢાવ્યું. મૂહુર્ત જોતાં મંગલ દિવસ આવ્યો. વિક્રમ સંવત 1884ના વૈશાખ વદી બીજને ગુરુવારે શ્રીજી મહારાજે પોતાના હસ્તે પ્રતિષ્ઠાની પ્રારંભિક વિધિ પૂર્ણ કરી. દેવોને નિજમંદિરમાં પધરાવવામાં આવ્યા. મંદિરના મધ્યખંડમાં શ્રી રણછોડરાય અને ત્રિકમરાય વિરાજ્યા. (જૂનાગઢના રણછોડરાય 24 વ્યૂહ સ્વરુપોમાંથી ‘કૃષ્ણ’ સ્વરૂપ અને ત્રિકમરાય ‘ગોવિંદ’ ભગવાનનું સ્વરૂપ છે.) પૂર્વ ખંડમાં રાધારમણ દેવ અને પશ્ચિમ ખંડમાં સિદ્ધેશ્વર મહાદેવ સતી પાર્વતીની સાથે વિરાજમાન થયા. ભગવાન શંકરની આગળ નંદી અને બાજુના ગોખમાં ગણપતિજી પધરાવવામાં આવ્યા.

દેવ અને ઘુમ્મટની વચ્ચેની ઓસરી જે મંદિરની ‘કોળી’ તરીકે ઓળખાય, તેમાં હનુમાનજી મહારાજ અને પશ્ચિમ બાજુ દેરીમાં શિવલીંગની સ્થાપના કરવામાં આવી. સાથે સાથે ડોળીમાં ગરુડજી પધરાવ્યાં. સવારના નવ વાગ્યાના શુભ મૂહુર્તમાં શ્રીજી મહારાજે બધી મૂર્તિઓના અંગન્યાસ કર્યા. દેવોની છાતીમાં અંગૂઠો રાખી પ્રાણનું આહ્‌વાન કર્યુ. નેત્રમાં સોનાની સળીથી મધનું અંજન કર્યુ. કાનમાં મંત્ર બોલી પોતાનું ઐશ્વર્ય મૂર્તિઓમાં સ્થાપ્યું.

અને કઈંક આ રીતે શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિરની સ્થાપના શ્રીજી મહારાજની હૈયાતીમાં થઇ…