37 વર્ષ પહેલાં શાપુર ગામે આવેલાં હોનારતની યાદ આજે પણ રૂંવાળા ઉભા કરી દે છે!

શાપુર

22મી જૂન, 1983નો એ ગોઝારો દિવસ આજે પણ હૈયાને હચમચાવી દે છે! જૂનાગઢની બાજુમાં આવેલું વંથલી તાલુકાનું શાપુર ગામ; જ્યાં આ દિવસે એક ભયંકર જળપ્રકોપની સ્થિતિ સર્જાઈ હતી, જેને લોકો આજે’ય ભૂલી શકતાં નથી. જેની યાદ પ્રત્યેક સોરઠવાસીના રૂંવાળા બેઠાં કરી દે છે…

શાપુર

આજથી 37 વર્ષ પહેલાંની આ વાત છે. સોરઠ પર આભ ફાટ્યું. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી! 22મી જુન, 1983નો એ દિવસ જાણે સોરઠ માથે કાળ બનીને ભમી રહ્યો હતો. સોરઠ માથે અંદાજે 70 ઇંચ જેવો વરસાદ ખાબક્યો. સોરઠની મુખ્ય જીવાદોરી ઓઝત સહિત કાળવો, ઊબેણ અને મઘુવંતી ગાંડીતુર બની! પાણીનો કોઈ તાગ ન્હોતો આવતો, જેને લઈને શાપુર ગામ પાણીમાં ગરકાવ થયું.

શાપુર ગામે થયેલો આ વિનાશક જળપ્રલય સમગ્ર સોરઠ માટે કાળ બનીને આવ્યો હતો. આખુંય ગામ પાણીમાં ગરક થઈ જવાથી ગામના ઘરો પાણીમાં બુડ્યાં! નિરાધાર લોકોએ ઘરના છાપરે અને વૃક્ષ પર ચડીને બે દિવસ વિતાવ્યા. શાપુર ગામની રેલ્વે લાઈન સંપૂર્ણ નાશ પામી હતી. એટલું જ નહીં! સંદેશા વ્યવહાર તથા વીજ વ્યવહાર પણ સંપૂર્ણપણે ખોરવાઈ ગયો. ગામના રસ્તાઓ મૂળમાંથી ઉખડી ગયાં’તા…

શાપુર

એકબાજુ લોકોનો ત્રાહિમામ પોકાર અને બીજી બાજુ વરસાદનો માર! એકજ દિવસમાં 70 ઇંચ જેટલાં વરસાદે શાપુર ગામમાં આવેલી ગઢની રાંગ સુધી પાણી ભરી દીધા’તાં. આખાય ગામમાં અંદાજે 48 કલાક સુધી પાણી ભરાયેલું રહ્યું હતું. આ ગોઝારી ઘટનામાં સેંકડો લોકો અને અબોલ જીવોએ પોતાના જીવ ગુમાવ્યાં…

સેવાભાવી યુવાનોએ તરત બચાવ કામગીરી શરૂ કરી દીધી. પુરમાં ફસાયેલા લોકોને દોરડા વડે બહાર કાઢી સલામત સ્થળે પહોંચાડવામાં આવ્યા. હોનારતની જાણ કરવા બે તરવૈયા યુવાનોને ચીઠ્ઠી લઇને જૂનાગઢ મોકલવામાં આવ્યા. જે બાદ તંત્ર મદદ માટે આવી પહોંચ્યું.

હોનારતને ચોથા દિવસે એ સમયના વડાપ્રધાનશ્રી ઇન્દિરા ગાંધીએ શાપુરની રૂબરૂ મુલાકાત લીધી. સોરઠમાં આવેલી આ તારાજી જોઈને ઘડીકભર તો એ પણ નિઃશબ્દ બની ગયાં, ગામ અને ગ્રામવાસીઓની હાલતે તેઓને હચમચાવી દીધાં હતાં. એમની સાથે મુખ્યમંત્રીશ્રી માધવસિંહ સોલંકી, બીજા અગ્રણીઓ અને સેવાભાવી સંસ્થાઓ શાપુર ગામે દોડી આવ્યા હતાં.

હોનારતની ઘટનાના માત્ર સાત જ દિવસમાં આખાય પંથકને ફરી બેઠો કરવામાં આવ્યો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકરોએ મુખ્ય પ્રચારક એવાં સ્વ.સવજીભાઈ કોરાટની આગેવાની હેઠળ પશુના કોહવાયેલા મૃતદેહોને એકઠા કરીને બાળ્યા હતાં. આ ઉપરાંત સાવરણાં લઈને ગામમાં થયેલા કિચડની સફાઈ કરવામાં આવી હતી.

સોરઠ પંથકમાં 37 વર્ષ પૂર્વે થયેલી આ ગોઝારી ઘટનાની યાદ, આજે પણ રૂંવાળા બેઠાં કરી દે છે!

સંદર્ભ: ઈન્ટરનેટ
સંયોજક: Sumit Jani (Shivay)
#TeamAapduJunagadh

Also Read : A guide to the new changes in the rates of GST