જૂનાગઢના આ સ્થળે થાય છે, સૌથી ઊંચાઈ પર હોલિકાદહન! ચાલો જાણીએ આ જગ્યાના હોલિકાદહનનું મહાત્મ્ય..

હોલિકાદહન

હોલિકાદહન : ભારતને એક તહેવારપ્રિય દેશ ગણવામાં આવે છે. જો કે, ખરેખર ભારતમાં તહેવાર અને પર્વનું મહત્વ અનેરું છે, તેમજ ભારતીય પરંપરાના તહેવારો કોમી એકતા અને કોઈને કોઈ સંદેશાઓનું દર્શન કરાવનારા જ હોય છે. આવો જ એક પર્વ એટલે હોળી, જે હિન્દુ ધર્મનો એક એવો તહેવાર છે જેમાં અસત્ય પર સત્યનો વિજય દર્શાવવામાં આવે છે.હોલિકાદહન

આપણે જાણીએ છીએ કે, પોતાના અભિમાનમાં પ્રચુર થયેલા હિરણ્યકશ્યપે પોતાના સગા દીકરા પ્રહલાદને અગ્નિમાં હોમી દેવા માટે પોતાની બહેન હોલિકાને મનાવી હતી કે, જેની પાસે એવી ઓઢણી હતી જેના કારણે તે આગની જ્વાળાઓથી બચી શકતી હતી. તેથી તેણે પોતાના ભાઈના દીકરા પ્રહલાદને ખોળામાં બેસાડયો અને લાકડાઓનું દહન કરીને તેમાં બેઠી, પરંતુ “ભગવાનની ગતિ ન્યારી” એટલે તેમણે ભક્ત પ્રહલાદને આગની જ્વાળાઓથી બચાવી લીધો અને અધર્મના કાર્યમાં ભાઇનો સહકાર આપનારી હોલિકાને તે જ આગની લપેટોમાં દહન કરી નાખી. આમ, હોલિકા-દહન એ અસત્ય પર સત્યના વિજયનો પર્વ ગણવામાં આવે છે.

હોલિકાદહન

હવે આપણે વાત કરીએ ગુજરાતનાં એવા સ્થળની કે જ્યાં સૌથી ઊંચાઈ પર હોળી પ્રગટાવવામાં આવે છે! તેમજ સૌથી પહેલી હોળી પણ ત્યાં જ પ્રગટાવવામાં આવે છે, ત્યારબાદ જુનાગઢ શહેરની અન્ય જગ્યાઓએ હોળી પ્રગટે છે. આ સ્થળ એટલે ગિરનાર પર્વત પર આવેલું અંબાજી મંદિર. ગિરનારના પર્વત પર આશરે 5000 પગથિયાં પર ચડીએ એટલે અંબાજી મંદિર આવે છે. અંબાજી મંદિરના પટાંગણમાં શ્રીફળ, છાણાં અને લાકડાઓ ગોઠવીને હોળી તૈયાર કરવામાં આવે છે. સાંજની આરતી પૂર્ણ થયા બાદ તે આરતીની વાટથી જ હોળી પ્રગટાવવામાં આવે છે. આ હોળીની ઝાળ સૌથી ઊચી હોવાના કારણે જૂનાગઢ શહેર અને આસપાસના ગામડાના લોકો આ જ્યોતના દર્શન કર્યા બાદ જ જે તે સ્થળની હોળી પ્રગટાવવાની શરૂઆત કરે છે. આમ, પૌરાણિક સમયથી જ ગિરનાર પરની હોળી એ સમગ્ર સોરઠ પ્રદેશ માટે અનેરું મહત્વ ધરાવે છે.

હોળીનો તહેવાર માત્ર જૂની રૂઢીઓને આધીન જ નથી, પરંતુ તેમાં વૈજ્ઞાનિક સાબિતીઓ પણ સમાયેલી છે. ભારતીય પરંપરાના કોઈ પણ તહેવાર પાછળ કોઈને કોઈ ચોક્કસ કારણો રહેલા હોય છે, જે સામાન્ય જનજીવન માટે ફાયદાકારક હોય છે. હોળીના તહેવારમાં પણ આવી સાબિતીઓ સમાયેલી છે. હોળીનું દહન એટલા માટે પણ કરવામાં આવે છે કે, શિયાળાની ઋતુ પૂરી થતાં તેમજ ખેતરમાં જૂના પાકોની લણણી કરી લીધા બાદ જે કોઈ જીવાણુઓ વાતાવરણમાં પ્રસરે છે, તેમાથી જો કોઈ જીવાણુ કે વીજાણુ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય તો તેમનો આ હોળીની ઝાળ થકી નાશ થાય છે, આ કારણથી જ હોળી પ્રગટાવવા સમયે તેમાં કપૂરની ગોળી હોમવાનું મહાત્મય રહેલું છે અને એટલા માટે જ નાના બાળકોને પણ હોલિકા દહનના દર્શન કરવવામાં આવે છે. જેથી તેઓનું સ્વસ્થ્ય તરોતાજા રહી શકે.

આપણે જાણ્યું કે સૌથી ઊચાઇ પર તો ગિરનાર પર્વત ખાતે હોળી પ્રગટાવવામાં આવે છે, ત્યારે ચાલો જાણીએ કે જૂનાગઢનાં ક્યાં વિસ્તારમાં સૌથી મોટી હોળી પ્રગટાવવામાં આવે છે?  તો વાત કરીએ એ જગ્યાની જ્યાં સૌથી મોટી હોળી પ્રગટાવવામાં આવે છે. જૂનાગઢના ગાંધીગ્રામ ખાતે શહેરની સૌથી મોટી હોળી પ્રગટાવવામાં આવે છે, જેમાં 51,000 જેટલા છાણાં લાવીને હોલિકાદહન કરવામાં આવે છે. આ છાણાં લાવવા માટે 2 દિવસ પહેલા જ ટ્રેક્ટરનો સહયોગ લેવામાં આવે છે. આ 51,000 છાણાંવાળી હોળી સમગ્ર શહેરના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર છે.

આમ, હોલિકાદહન એ એક વિશિષ્ટ તહેવાર છે. જેનો પૌરાણિક માન્યતાઓ, જીવનવ્યવહાર અને સામાન્ય જનજીવનના સ્વાસ્થ્ય સાથે અનેરો નાતો રહેલો છે. ભારતીય સંસ્કૃતિમાં આવા તો કેટલાય તહેવાર છે, જે પોતાનામાં જ અદભૂત મહત્વ ધરાવતા હોય છે અને વર્ષોથી પોતાની પરંપરા જાળવીને ઉજવાતા રહ્યા છે. બીજી વખત આપની સમક્ષ આવા જ કોઈ બીજા તહેવાર વિષેના રોચકતથ્યો લઈને આવતા રહીશું…

Author: Hardika Nimavat  #TeamAapduJunagadh

Also Read : Herbal Mawa Recipe and importance.