વિશ્વ વસ્તી પખવાડિયાની થઈ રહી છે ઉજવણી, નસબંધી કરનારને અપાય છે આ ઈનામ!

વિશ્વ વસ્તી

વિશ્વ વસ્તી : વસ્તી વૃદ્ધી એ સમગ્ર વિશ્વની સાથે ભારત માટે પણ ખૂબ ગંભીર સમસ્યા છે. વિશ્વ જનસંખ્યા દિન એ એક વાર્ષિક ઉજવણી છે, જે દર વર્ષે 11 જુલાઇના રોજ ઉજવવામાં આવે છે, આ ઉજવણી વિશ્વમાં વસ્તીવધારાની સમસ્યા પ્રત્યે લોકજાગૃતી આવે તે માટે કરાય છે. આ ઉજવણીની શરૂઆત સંયુક્ત રાષ્ટ્રસંઘનાં “સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ”ની સંચાલન પરિષદ દ્વારા 1989માં કરવામાં આવેલ. લગભગ 11 જુલાઇ 1987નાં દિવસે વિશ્વની જન સંખ્યા 5 અબજને પાર કરી ગયેલ, જે દિવસ “પાંચ અબજ દિન” તરીકે ઓળખાવાયો અને આ દિવસથી પ્રેરીત થઇ જનહીતમાં આ ઉજવણી કરવામાં આવે છે.

યુનાઈટેડ નેશન્સના એક અહેવાલ મુજબ છેલ્લા પચાસ વર્ષોમાં વિશ્વની વસ્તી બમણી થઈ ગઈ છે. વસ્તી વિસ્ફોટ એ આજે એશિયાના દેશો માટે મુખ્ય સમસ્યા બની ગઈ છે. એક ગણતરી પ્રમાણે વિશ્વભરમાં દર એક સેકન્ડમાં લગભગ ચાર બાળકો જન્મે છે. આ કારણે વસ્તી વધારાનો આંકડો દિવસે દિવસે વધી રહ્યો છે.

જનસંખ્યાના ક્રમાંકમાં ભારત ચીન પછી બીજા ક્રમે છે. આ વાત આપણે સૌ જાણીએ છીએ. કુદકે-ભુસકે વધતી જનસંખ્યા પર ખરેખર નિયંત્રણની જરૂર છે. જેનાથી ભવિષ્યમા સર્જાનારી મૂશ્કેલીઓને આપણે દૂર રાખી શકીએ. વસ્તી વધારાનું પ્રચંડ પૂર તેની સાથે અનેક મુશ્કેલીઓ લઈને આવે છે, અનેક પ્રશ્નો લઈને આવે છે. વધતી જનસંખ્યાથી દેશનો આર્થિક વિકાસ રૂંધાઈ રહ્યો છે, ગરીબી વધી રહી છે, પર્યાવરણની સમતુલા ખોરવાઈ રહી છે.

જૂનાગઢ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા તા.11 થી 24 જુલાઇ સુધીમાં વિશ્વ વસ્તી પખવાડિયાની ઉજવણી કરવામાં આવશે. આ વર્ષની ઉજવણીનું સૂત્ર કુટુંબ નિયોજનથી નિભાવીએ જવાબદારી, માતા-બાળકના સ્વાસ્થ્યની પુરી તૈયારી રાખવામાં આવી છે. આ પખવાડિયા દરમિયાન જૂનાગઢ જિલ્લાના તમામ આરોગ્ય કેન્દ્રમાં દંપતિઓની યાદી અપડેટ કરાશે અને કુટુંબ નિયોજનની પદ્ધતિઓ જેવીકે; સ્ત્રી નસબંધી, પુરુષ નસબંધી, આંકડી તથા પીપીઆઈયુસીડીનો ઉપયોગ, ગર્ભધારણ અને બે ગર્ભ વચ્ચેના ગાળાને બાળકોના સ્વાસ્થ્ય અંગે માર્ગદર્શન અપાશે. ખાસ કરીને પીપીઆઈયુસીડી 380 અંતર્ગત લાભાર્થીને 10 વર્ષ સુધી પ્રોટેક્શન મળે છે તથા કુટુંબમાં પુરુષ તથા સ્ત્રી એક દીકરી અથવા બે દિકરી બાદ નસબંધી અપનાવે તો અનુક્રમે છ હજાર અને પાંચ હજાર રૂપિયા ઇનામ આપવામાં આવશે.

બેફામ વસ્તી વધવાના કારણે સમગ્ર વિશ્વ જાણે કે ભયાનક વિસ્ફોટ બોમ્બ પર ઊભું છે. વસ્તી વધારાને કારણે જીવનજરૂરિયાતની વસ્તુઓ, ભોજન અને રહેઠાણ જેવી સુવિધાઓના અભાવની સમસ્યાઓ સર્જાય છે, સરકાર દ્વારા આવી સમસ્યાઓના નિવારણ માટેની અનેક યોજનાઓ અમલમાં મૂકાય છે પરંતુ વધતી જતી વસ્તીને પરિણામે તેનું કોઈ નોંધનીય કે હકારાત્મક પરિણામ મેળવી શકાતું નથી. વસ્તીવધારાનું આ પ્રચંડ પૂર તેની સાથે બેરોજગારી, ગરીબી, પ્રદૂષણ, કુપોષણ, જીવન જરૂરી વસ્તુઓની અછત વગેરે જેવી અનેક સમસ્યાઓ અને પ્રશ્નો સાથે લઈને આવે છે. આ સિવાય બેરોજગારી,ગુનાખોરી જેવી સમસ્યાઓ પણ વધી રહી છે. જો માત્ર ભારતની જ વાત કરીએ તો, અહીં વસ્તી ઘટાડવા માટે વહેલામાં વહેલી તકે નક્કર પગલાં લેવામાં ન આવ્યા તો 2030 સુધી ભારત વિશ્વનો સૌથી વધુ વસ્તીવાળો દેશ બની જશે.

Author: Urvashi Deshani #TeamAapduJunagadh

Also Read : ઉપરકોટ : એક મુલાકાત રાજાશાહી સ્થાપત્યની