ભક્તરાજ વિપ્રને પ્રસન્ન થઈ સ્વયંભૂ બીરાજીત થયેલા: માઁ વાઘેશ્વરી

વિશ્વંભરી અખિલ વિશ્વ તણી જનેતા, વિદ્યા ધરી વદનમાં વસજો વિધાતા
દુર્બુદ્ધિને દૂર કરી સદબુદ્ધિ આપો, મામપાહી ઓમ ભગવતી ભવ દુ:ખ કાપો…

ગિરનાર દરવાજાથી થોડે આગળ જતાં, જમણી બાજુએ માંવાઘેશ્વરીનું પૌરાણિક મંદિર આવેલું છે. જૂનાગઢવાસીઓ માટે પરમ આસ્થાનું કેન્દ્ર આ વાઘેશ્વરી મંદિર પૂરાણ પ્રસિદ્ધ હોવાની લોકવાયકા છે. અહિયાં માં વાઘેશ્વરીના બે મંદિરો આવેલા છે, જેમાં એક ઉપલા વાઘેશ્વરી જે એક ટેકરી ઉપર બિરાજમાન છે, જ્યારે બીજું નીચલા વાઘેશ્વરી મંદિર જે એ ટેકરીની તળેટીમાં સ્થિત છે. આવો જાણીએ માં વાઘેશ્વરીની અલૌકિક લોકવાયકા…

સૌપ્રથમ વાત કરીએ ઉપલા વાઘેશ્વરી મંદિરની. આ મંદિરમાં બિરાજમાન માં વાઘેશ્વરીના દર્શન આપણને પત્થરમાં જડાયેલી સિંદૂરી પ્રતિમારૂપે થાય છે. આ મંદિર અંગે કોઈ સ્પષ્ટ ઈતિહાસ તો નથી, પરંતુ અહિયાં બિરાજમાન માં વાઘેશ્વરીની સ્થાપના આજથી કેટલાય વર્ષો પૂર્વે કોઈ ચારણ દેવ-દેવીઓના હસ્તે થઇ હોવાની માન્યતા છે. આ ગિરનારના જંગલમાં અનેક ચારણ પરિવારો પોતાના નેસડા બનાવીને નિવાસ કરતાં. જે દરમિયાન તેમણે અહિયાં ગોખ સ્વરૂપ નિવાસસ્થાન જોઈ માતાજીનું ત્રિશુળ સ્વરૂપ સ્થાપિત કર્યું હોવાની માન્યતા છે. કાળક્રમે અહીંયાથી એ ચારણ પરિવારે વિદાય લીધી હશે, પરંતુ તેમણે કરેલી માતાજીની સ્થાપના આજે પણ હાજરાહજૂર હોવાની માન્યતા પ્રવર્તે છે.

નીચલા વાઘેશ્વરી મંદિરના પ્રવેશદ્વારમાં પ્રવેશ કરતાં પહેલા ડાબી બાજુએ આપણને ઉપલા વાઘેશ્વરી જવાની સીડી નજરે પડે છે. ત્યાંથી અંદાજે 200 પગથિયાં ચડીને માં વાઘેશ્વરીના દર્શને પહોંચી શકાય છે.

નીચલા વાઘેશ્વરી મંદિરની સ્થાપના ક્યારે થઈ તેનો કોઈ ચોક્કસ સમયગાળો નથી, પરંતુ અહિયાં વાઘેશ્વરી માતાજી સ્વયંભૂ બિરાજમાન થયા હોવાની માન્યતા છે. એક લોકવાયકા પ્રમાણે હજારો વર્ષ પૂર્વે એક ભક્તરાજ વિપ્ર ઉપલા વાઘેશ્વરી મંદિર પ્રત્યે અતૂટ શ્રદ્ધા ધરાવતા હતા. વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તમાં ડુંગર ઉપર બિરાજતા માતાજીને સાકરવાળું  દૂધ ધરાવવા જવાનો તેમનો નિત્યક્ર્મ હતો. એક વખત થયું એવું કે એ વિપ્ર દૂધનું પાત્ર લઈને માતાજીનાં ગોખ તરફ જતાં હતા, ત્યારે તેઓને ઓચિંતાની સિંહની ત્રાડ સંભળાઇ. ભયભીત થયેલા વિપ્રના હાથમાંથી દૂધનું પાત્ર નીચે પડી ગયું અને તેમની ટેક તૂટવાને કારણે તેઓ અફસોસ કરવા લાગ્યા. એ સમયે તેમણે માતાજીને પોતે લીધેલી ટેકની લાજ રાખવા વિનંતી કરી.

ત્યાં અચાનક બન્યું એવું કે, ત્યાં એક ગૌમાતા આવ્યા અને નીચે પડેલું દૂધનું પાત્ર છલોછલ ભરી દીધું. ભક્તરાજ વિપ્ર આ બધું જોઈને અચંબિત થઈ ગયા. એ હજુ વિચારે ન વિચારે ત્યાં ગૌમાતા ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયા. વિપ્રને માતાજીની અલૌકિક લીલાનું જ્ઞાન થયું. ભક્તરાજ જલ્દીથી એ પાત્ર લઈને ગોખ તરફ આગળ વધ્યા અને ત્યાં જઈને ચોધાર આંસુએ રડવા લાગ્યા. તેઓએ માતાજીનાં દર્શન કરવાની ઈચ્છા વ્યક્ત કરી, ત્યારે ગોખમાંથી એક દિવ્ય તેજ બહાર આવ્યું અને અવાજ સંભળાયો,”હે ભક્તરાજ! હું આપની ભક્તિથી પ્રસન્ન છું,બોલો તમારે શું વરદાન જોઈએ છે?” ત્યારે વિપ્રએ માતાજીને તેમના ઘરે બિરાજમાન થવાની અરજ કરી. ત્યારે ભગવતીએ વરદાન આપતા કહ્યું કે,”હે ભક્તરાજ, મારા ઝાંઝરનો રણકાર આપની પાછળ પાછળ ચાલ્યો આવશે, જો તમે પાછું ફરીને જોશો તો હું એ જ જગ્યાએ સ્થાપિત થઈ જઈશ.”

ભક્તરાજ આગળ ચાલ્યા, માતાજીના ઝાંઝરનો રણકાર એમની પાછળ પાછળ ચાલ્યો આવે. માતાજીની લીલા કહો તો એમ, પરંતુ વિપ્રને એવું લાગ્યું કે માતાજી ઊભા રહી ગયા કે શું? કેમ ઝાંઝરનો અવાજ આવતો બંધ થઈ ગયો? ત્યારે તેઓએ સહેજ ત્રાસી નજર કરી પાછળ જોવાનો પ્રયત્ન કર્યો. ત્યારે માતાજી “ભક્તરાજ તમારું કલ્યાણ થાઓ.” એમ કહીને અંતર્ધ્યાન થયા અને ત્યાંજ બિરાજમાન થઈ ગયા. જે જગ્યાએ માતાજી સ્વયંભૂ બિરાજમાન થયા એ જગ્યા એટલે નીચલા વાઘેશ્વરી મંદિર…

વર્ષમાં આવતી બે મુખ્ય નવરાત્રિ દરમિયાન અહિયાં ભક્તોનું ભારે ઘોડાપૂર ઉમટે છે. નવરાત્રિ દરમિયાન સાંજના સમયે અહિયાં બેઠા ગરબાનું પણ આયોજન થાય છે. આઠમના દિવસે માતાજીની સન્મુખ યજ્ઞ કરવામાં આવે છે. માતાજીની મંગળા આરતી સવારે 7.15 વાગ્યે તથા સાયં આરતી સાંજે 7.15 વાગ્યે કરવામાં આવે છે. જૂનાગઢવાસીઓમાં શ્રદ્ધાનું પ્રતિક થઈને બિરાજતા માં વાઘેશ્વરીના ચરણોમાં કોટિ કોટિ વંદન…

આભાર: મહંતશ્રી (વાઘેશ્વરી મંદિર-જૂનાગઢ)

સૌને જય માતાજી…

Author: Sumit Jani(શિવાય) #TeamAapduJunagadh