ભવનાથ મહાદેવ : ગિરનાર ક્ષેત્રમાં બિરાજતા સ્વયંભૂ મહાદેવ

ભવનાથ મહાદેવ

ભવનાથ મહાદેવ : ગિરનારની તળેટીમાંલિંગ સ્વરૂપે બિરાજતાં સ્વયંભૂ મહાદેવ. ભવનાથને લોકભાષામાં ભવેશ્વર તરીકે પણ ઓળખવામાં આવે છે. ભવનાથ મહાદેવના દર્શન માત્રની અનેક પ્રકારના પાપનો નાશ થાય છે અને અનેક ફળની પ્રાપ્તિ થાય છે, તેવી શ્રદ્ધા છે. ભવના પાપનો નાશ કરનારા ભવનાથ મહાદેવ ગિરનાર ક્ષેત્રમાં કેવી રીતે બિરાજ્યા તેના વિશેની પણ પૌરાણિક કથાઓ છે, આવો તે જાણીએ…

ભવનાથ મહાદેવ

એક વખત પાર્વતીજીએ ભવનાથ મહાદેવના ઇતિહાસ વિશે શિવજીને પૂછ્યું, ત્યારે શિવજીએ સ્વમુખે ભવનાથનો ઇતિહાસ જણાવતાં કહ્યું કે;સૌરાષ્ટ્ર પ્રદેશમાં વસ્ત્રાપથ નામક વિશાળ ક્ષેત્ર છે. તે ક્ષેત્રના ઉત્તર ભાગમાં એક મોટા બિલ્વના વૃક્ષની ઘાટી નીચે, ઝાડીની મધ્યમાં મારૂં લિંગ છે, જેની પૂજા એક પારધી દ્વારા અજાણતાં કરવામાં આવી. જે દિવસ મહાશિવરાત્રીનો હતો. પારધીએ મહાશિવરાત્રિના દિવસે કરેલી સેવાપૂજાના પ્રતાપે સ્વર્ગલોકથી વિમાન તેને લઈ જવા માટે આવ્યું.

ભવનાથ મહાદેવ

સ્વર્ગલોકમાં વસતા ઇન્દ્રએ પારઘીને તેને મળેલાં આ સન્માન વિશે પૂછ્યું ત્યારે, પારધીએ બધી વાત જણાવી. ઇન્દ્રએ પોતાના પાપનો નાશ કરવા, ભવનાથ મહાદેવની પૂજા કરવાનું નક્કી કર્યું અને વસ્ત્રાપથ ક્ષેત્રમાં બિરાજતાં શિવલિંગની હોંશેહોંશે પૂજા કરી સંતોષ માન્યો. માધમાસની કૃષ્ણપક્ષની ચતુર્દશીએ એટલે કે મહાશિવરાત્રીના દિવસે ભવનાથ મહાદેવની પૂજા થઈ હોવાથી તેનું મહત્વ વિશેષ માનવામાં આવે છે.

બીજી કથા અનુસાર, એક વખત શિવજી કૈલાસમાંથી ગિરનાર ક્ષેત્રમાં આવ્યા, ત્યાં તેઓએ તપ જમાવ્યું. બીજીબાજુ માતા પાર્વતીએ શિવજીની શોધમાં આખું કૈલાસ ફરી લીધું, પરંતુ શિવજી ગિરનાર ક્ષેત્રમાં તપસ્યામાં લિન હતા. ત્યારે પાર્વતીજી અકળાયા અને નારદજીને શિવજીને શોધ માટે મોકલ્યા. ભોળાનાથ ગિરનારમાં હોવાનું માલૂમ પડતા માઁ પાર્વતી પણ અહીં પધાર્યા અને શિવજી સાથે નિવાસ કર્યો, તેની સાથે 33 કોટી દેવતાઓએ પણ ગિરનાર ક્ષેત્રમાં વિવિધ જગ્યાઓએ સ્થાન લીધું. આમ, શિવજીએ જ્યારે માતા પાર્વતીજી સાથે ભવનાથમાં નિવાસ કર્યો તે દિવસ મહાશિવરાત્રીનો હોવાથી મહાશિવરાત્રિએ ભવનાથ દર્શનનું વિશેષ મહાત્મ્ય રહેલું છે.

ભવનાથ મહાદેવ

ભવનાથ મંદિરમાં બે શિવલિંગના દર્શન થાય છે. નાનું શિવલિંગ સ્વયંભૂ છે. જ્યારે મોટા શિવલિંગની સ્થાપના અશ્વત્થામાએ કરી હોવાની માન્યતા છે.આ શિવલિંગ પર રુદ્રાક્ષના પારા પર ઉપસેલા દાણાઓ જેવી ભાત જોવા મળે છે. આ શિવલિંગને ઝીણવટપૂર્વક જોવામાં આવે તો, ઉપસેલા દાણા પર ‘ૐ’ લખેલું પ્રતીત થાય છે. દ્રોણાચાર્યના પૂત્ર અશ્વત્થામાએ મહાભારતના યુદ્ધમાં જીત મેળવવા આ જગ્યામાં શિવલિંગની સ્થાપના કરી તપશ્વર્યા કરી હતી. મહાભારતનું યુદ્ધ થયું તેને 5000 વર્ષ થયા હોવાનું મનાઇ રહ્યું છે. આમ, આ જગ્યા 5000 વર્ષથી પણ જૂની હોવાનું માનવામાં આવી રહ્યું છે.

પ્રાચીન અને પૌરાણિક કાળથી વિશેષ મહાત્મ્ય ધરાવતા ભવનાથ મહાદેવ મંદિરમાં લોકવાયકા પ્રમાણે ચિરંજીવી એવા અશ્વત્થામા અને ભર્તૃહરિ જેવા સિદ્ધ પુરુષો આજે પણ કોઈને કોઈ સ્વરૂપે ભવનાથ મહાદેવના દર્શન કરવા ગિરનાર ક્ષેત્રમાં આવે છે. મહાશિવરાત્રીના દિવસે જે ભવનાથ મહાદેવના દર્શન કરે છે, તેના સાત જન્મોના પાપ ધોવાય જાય છે, તેવી માન્યતા છે.

મહાવદ નોમના દિવસે ભવનાથ શિવાલયને બાવન ગજની ધજા ચઢાવવામાં આવે છે, ત્યારથી મહાશિવરાત્રીના મેળાનો પ્રારંભ થાય છે. મહાશિવરાત્રીએ રાત્રીએ નીકળતી નાગા સાધુઓની રવાડી, ભવનાથ શિવાલયની બાજુમાં આવેલ મૃગીકુંડમાં શાહી સ્નાન કરે છે. હરહર મહાદેવના ગગનભેદી નાદ સાથે શાહી સ્નાન કરી સાધુઓ ભવનાથ મહાદેવની પૂજા-અર્ચના કરે છે. આમ, ભવનાથ મંદિર પ્રાચીન કાળથી અસ્તિત્વ ધરાવે છે, તેમજ મહાશિવરાત્રી નિમિત્તે ભવનાથ મહાદેવને વિશેષ શ્રદ્ધા અને આસ્થાનું પ્રતીક માનવામાં આવે છે.

Also Read : Science and Nature Camp