ગીર માં ખેડૂતો માટે સોલાર પંપ સિંચાઇ વ્યવસ્થા બની આશીર્વાદરૂપ

ગીર

ગીર : રાજ્ય સરકારે ખેડૂતોને માંગણી મુજબના વીજ કનેક્શન આપી દેવા ઝુંબેશ હાથ ધરી છે, ત્યારે આપણાં જૂનાગઢ જિલ્લામાં ખેડૂતોની સમૃદ્ધિ માટે જિલ્લા તંત્ર, ગેડા, અને પીજીવીસીએલના સંકલન હેઠળ ખેડૂતોને ફેબ્રુઆરી 2020 સુધીની સ્થિતિના વીજ કનેક્શનના કોટેશન આપી દેવામાં આવ્યા છે.

ગીર વિસ્તારના ખેડૂતોને પણ સિંચાઈનો લાભ મળે અને વીજ કનેક્શનના અભાવે તેમને પણ કોઈ મુશ્કેલી ન પડે તે માટે ગીરના ખેડૂતો માટે સોલાર પંપ યોજના આશીર્વાદ સમાન બની છે. વર્ષ 2016માં ખેડૂતો માટેની સોલાર પંપ યોજનામાં જેણે લાભ લીધો છે, તેવા મેંદરડા સાત વડલા વિસ્તારના લાભાર્થી ખેડૂત શ્રી દિલીપભાઈ ગોવાળિયાએ જણાવ્યું કે, અગાઉ તે તેના ખેતરમાં પૂરેપૂરી સિંચાઈ કરી શકતા ન હતા, પરંતુ સરકારશ્રીની યોજના અંતર્ગત પીજીવીસીએલના માર્ગદર્શન હેઠળ માત્ર રૂ.25000 ભરીને તેઓએ પાંચ હોર્સ પાવર સોલાર પંપ કનેક્શન મેળવતા આજે તેઓને તેના સારા પરિણામો મળ્યા છે.

આ સોલાર પંપને લીધે તેની દસથી બાર વિઘા જમીનમાં પિયત વિસ્તાર વધ્યો છે. વીજ બીલમાંથી કાયમી છુટકારો મળ્યો છે. પીજીવીસીએલની યોજના અંતર્ગત પાંચ વર્ષની મેન્ટેન્સ ગેરંટી પણ હોવાથી કોઈ મુશ્કેલી થાય કે, તરત જ કંપની દ્વારા રીપેર કરી આપવામાં આવે છે. રાત્રે વન્યપ્રાણીઓની અવર-જવર હોય તો ખેતી કરવામાં મુશ્કેલી આવતી, પરંતુ સોલાર પંપ આવ્યા પછી દિવસે સિંચાઈ થઈ શકે છે. 13 થી 15 મિનિટમાં પાંચ હજાર લિટર પાણી બહાર નીકળે છે.

રાત્રે ખેતરે કામ કરવું પડતું ન હોવાથી અને દિવસે સિંચાઈ થઈ શકતી હોવાથી પરિવાર સાથે આનંદથી રહી શકીએ છીએ. તેઓએ તાજેતરમાં શરૂ થયેલી સૂર્યશક્તિ કિસાન યોજના તથા સ્કાય યોજનામાં પણ ખેડૂતોને જોડાવા અપીલ કરી હતી.

જુનાગઢ ગ્રામ્ય વિસ્તારના પી.જી.વી.સી.એલ.ના કાર્યપાલક ઇજનેરશ્રી પી.પી. વોરાએ જણાવ્યું હતું કે, સ્કાય યોજનામાં ખેડૂતો વધુ જોડાય તે માટે અમે અભિયાન ચલાવી રહ્યા છીએ. મેંદરડા અને આસપાસના ગીર વિસ્તાર કે, જ્યાં રેવન્યુ વિસ્તારમાં ખેતરો આવેલા છે. તે ખેડૂતોના ખેતરો આ યોજનામાં આવરી લેવાય તે માટે તેના લાભ અમે જણાવી રહ્યા છીએ. મેંદરડા નજીક બે ફીડર સ્કાય યોજના અંતર્ગત શરૂ થવામાં છે. અમે આ વિસ્તારમાં રાજ્ય સરકારની તત્કાલ વીજ જોડાણ આપી દેવાની સૂચના અંતર્ગત ફેબ્રુઆરી 2019 સુધીના કોટેશન પણ આપી દીધા છે.

ખેડૂતોની આવક બમણી કરવાનો રાજ્ય અને કેન્દ્ર સરકારનો નિર્ધાર છે, ત્યારે પીજીવીસીએલની આ ખેડૂત લક્ષી યોજના સાકાર થયે એ વધુ સારા પરિણામો મળશે તે નિશ્ચિત છે. ખેડૂતો પણ આ યોજનામાં જોડાવા ઉત્સુક છે.

Author: Naresh Maheta

અમે પણ જૂનાગઢને એટલો જ પ્રેમ કરીએ છીએ જેટલો તમે! જૂનાગઢ પ્રત્યેના આ પ્રેમને વધુ ગાઢ બનાવવા Aapdu Junagadh આપને જરૂરથી ઉપયોગી થશે. આ એક એવું માધ્યમ છે, જેના દ્વારા તમે આપણાં જૂનાગઢમાં બનતી રોજબરોજની સકારાત્મક ઘટનાઓ, નગરજનોને ઉપયોગી માહિતી, જૂનાગઢ શહેર અને તેની આજુબાજુ આવેલા સ્થળો, ધાર્મિકતા, ઐતિહાસિક સ્મારકો, વ્યક્તિ વિશેષ વિશેની માહિતી મેળવી શકશો. જો તમને ઉપરનો લેખ ગમ્યો હોય તો, શેર કરીને વધુને વધુ લોકો સુધી પહોંચાડો તથા તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્સમાં જણાવો.
જો આપની પાસે જૂનાગઢ વિશેની વિશેષ માહિતી હોય તો અમારા સુધી ઇમેઈલ દ્વારા પહોંચાડી શકો છો.

Email Id: aapdujunagadh@gmail.com

Also Read : જાણો ઝાંઝરડા ગામની પાંજરાપોળ સંચાલિત ગૌશાળાની ગાયોની વાસ્તવિક સ્થિતિ