જૂનાગઢ મહાનગરપાલિકા ની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયો, 60 બેઠક પર વ્યક્તિદીઠ 4 વખત મતદાન થશે!

જૂનાગઢમાં મહાનગરપાલિકા

જૂનાગઢ મહાનગરપાલિકા : ઐતિહાસિક નગરી જૂનાગઢમાં મહાનગરપાલિકાના ચૂંટણી કાર્યક્રમને જાહેર કરી દેવામાં આવ્યો છે. ચૂંટણી કાર્યક્રમ જાહેર થતાં જ શહેરમાં આદર્શ આચારસંહિતા લાગુ કરી દેવામાં આવી છે. જૂનાગઢ મનપાની ચૂંટણી અંગે ગઈકાલે ચૂંટણીપંચે સાંજના જાહેરાત કરી છે. આવો જાણીએ…

જૂનાગઢ મહાનગરપાલિકા

જૂનાગઢમાં મહાનગરપાલિકાનું અસ્તિત્વ વર્ષ 2002માં આવ્યું હતું. પ્રથમ બે વર્ષ વહિવટી શાસન રહ્યું હતું. બાદ જૂનાગઢ મનપાની પ્રથમ સામાન્ય ચૂંટણી વર્ષ 2004માં યોજાઇ હતી. જૂનાગઢ મનપાની હવે ચોથી ચૂંટણી યોજાશે. મનપાની સામાન્ય ચૂંટણીનું 24મી જૂનને સોમવારે જાહેરનામું પ્રસિધ્ધ થયું છે. મનપાની ચૂંટણીને લઇ તા. 21મી જૂલાઇનાં મતદાન થશે. જેનો સમય સવારનાં 8 વાગ્યાથી સાંજનાં 5 વાગ્યા સુધીનો રહેશે.

જૂનાગઢ મહાનગરપાલિકા

જૂનાગઢમાં કુલ 2,38,024 મતદારો મતદાન કરશે. તેમજ 6 જૂલાઇ સુધી ઉમેદવારો પોતાનાં ઉમેદવારી ફોર્મ રજુ કરી શકશે. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઇવીએમનો ઉપયોગ થશે. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર થતાની સાથે શહેરમાં આચારસંહિતા લાગુ પડી ગઇ છે. શહેરમાં હવે નવા વિકાસનાં કામો થશે નહીં. જૂનાગઢ મહાનગરપાલિકાની ગત સામાન્ય ચૂંટણીમાં એક મતદારે 3 મત આપ્યા હતાં. જ્યારે 21 જૂલાઇનાં યોજાનારી ચૂંટણીમાં એક મતદારે 4 મત આપવાનાં રહેશે. મહાનગરપાલિકાની ચૂંટણીમાં મતદારે મતદાનનાં સમયે ચૂંટણી પંચે આપેલું ઓળખપત્ર રજુ કરવાનું રહેશે.

ગત વર્ષોની સત્તા પર નજર કરવામાં આવે તો; વર્ષ 2004 થી 2009 સુધી ભાજપ, વર્ષ 2009થી 2014 સુધી કોંગ્રેસ અને  2014 થી 2019 સુધી ભાજપએ મનપાનું સુકાન સંભાળ્યું હતું. વર્ષ 2014ની સામાન્ય ચૂંટણીમાં જૂનાગઢમાં કુલ 20 વોર્ડ હતાં. 2019માં યોજાનારી ચૂંટણીમાં 15 વોર્ડ રહેશે. પરંતુ સભ્યોની સંખ્યામાં કોઇ ફેરફાર થયો નથી. કોર્પોરેશનની ચૂંટણીમાં 60 સભ્યો રહેશે.

ચૂંટણીલક્ષી કેટલીક મહત્વની તારીખો:

  • ચૂંટણીની જાહેરાતની તારીખ- 24 જુન
  • જાહેરનામા પ્રસિધ્ધ કરવાની તારીખ- 1 જૂલાઇ
  • નોટિસ પ્રસિધ્ધ કરવાની તારીખ- 1 જૂલાઇ
  • ઉમેદવારી પત્ર રજુ કરવાની છેલ્લી તારીખ- 6 જૂલાઇ
  • ઉમેદવારી પત્ર ચકાસણીની તારીખ- 8 જૂલાઇ
  • ઉમેદવારી પત્ર પરત ખેંચવાની તારીખ- 9 જૂલાઇ
  • મતદાનની તારીખ- 21 જૂલાઇ
  • પુન: મતદાનની તારીખ(જરૂરી જણાય તો)- 22 જૂલાઇ
  • મતગણતરીની તારીખ-23 જૂલાઇ

લોકસભા, વિધાનસભાની ચૂંટણીમાં નોટાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. મનપાની ચૂંટણીમાં પણ નોટાનો અમલ કરવામાં આવશે. મતદારને કોઇપણ ઉમેદવાર પસંદ ન આવે તો નોટામાં મત આપી શકશે.

Also Read : દિવાળી એ તમારાં ઘરને સજાવવા માટે કેટલાક સરળ ઉપાયો