Dr. John Wainer : ગિરનાર એટલે સંત અને સત્તની ધરતી. ભારતની કમરે કટારની માફક ચમકતા ગુજરાતની એક ઓળખસમા ગિરનારની ભૂમિને આધ્યાત્મિક ધરતી પણ કહેવાય છે. ગિરનારની અનેક ગુફાઓમાં સત્તના આરાધકો એવા સાધુ, સંતો અને અઘોરીઓ બિરાજમાન છે, અને તેઓ ઈશ્વરની ભક્તિ કરે છે. આ એક એવી જગ્યા છે, જ્યાં નરસિંહ મહેતાએ 52 વખત ભગવાન શ્રીકૃષ્ણને બોલાવ્યાં હતાં.Dr. John Wainer
ગિરનારની સુંદરતા, સત્ત અને શીતળતા જોઈને અનેક વિદેશીઓ અહીંયા આકર્ષિત થાય છે. વિદેશી લોકો અહીંયા આવીને હરવું ફરવું તો ઠીક પરંતુ ગિરનારની ધરતીને પોતાનું માધ્યમ બનાવી અનેક સંશોધનો પણ કરે છે. ત્યારે ગિરનારના જંગલની કેડીએ કેડીએ ફરીને એક ઓસ્ટ્રેલિયન વૈજ્ઞાનિકે 300 પાનાનું એક ચેપ્ટર એવા 35 ચેપ્ટરો સાથેનું અને 10,500 પાનાનું એક પુસ્તક તૈયાર કર્યું છે. આ ઓસ્ટ્રેલિયન વૈજ્ઞાનિકનું નામ ડો.જ્હોન છે. ડો.જ્હોને કહ્યું કે “જૂનાગઢના અદ્દભૂત તરંગો મને તેના તરફ આકર્ષિત કરે છે. હું સતત વીસ વર્ષથી ગિરનાર આવું છે. મને અહીંયા બધું જ વિશિષ્ટ લાગે છે અને ગિરનારના પ્રભાવક વાઈબ્રેશનોએ મને અહીં સંશોધન કરવા પ્રેરિત કર્યો છે.”
Dr. John Wainer ઓસ્ટ્રેલિયાના મેલબર્ન શહેરના વતની છે. તેઓ પ્રથમવાર વર્ષ 1989માં જૂનાગઢ આવ્યા હતા અને ગિરનાર વિસ્તારમાં ફર્યા હતા. બસ ત્યારથી લઈ આજ સુધી આ ઓસ્ટ્રેલિયન વૈજ્ઞાનિક ગિરનાર અને જૂનાગઢ શહેરથી એટલી હદે પ્રભાવિત થયાં છે કે ગિરનાર તળેટી ખાતે યોજાતા શિવરાત્રી મેળા વખતે તેઓ અચૂક હાજર રહે છે.
ઓસ્ટ્રેલિયન સરકારમાં વૈજ્ઞાનિક જેવો મોભાદાર હોદ્દો ધરાવતા Dr. John Wainer ગુજરાતી ભાષા સમજી અને ઠીક ઠીક પ્રમાણમાં બોલતાં પણ થઈ ગયા છે. ગિરનાર જંગલ વિસ્તારના વૃક્ષોથી લઈ કિટકો જેવા જીવજંતુઓનું પણ તલસ્પર્શી સંશોધન કરી, ઝીણામાં ઝીણી વિગતો સાથે તેમણે ૩૦૦ પાનાનું એક ચેપ્ટર એવા 35 ચેપ્ટર સાથેનું દળદાર પુસ્તક પ્રસિદ્ધ કર્યુ છે.
ગિરનાર અને જૂનાગઢ માટે એન્સાઈક્લોપિડીયા ગણાવી શકાય તેવું આ પુસ્તક રચવા માટે તેમણે ગિરનારના તમામ ધાર્મિક સ્થાનો અને જગ્યાઓમાં ફરીફરીને વિગતો એકત્ર કરી છે અને અહીંથી તેમને જે કાંઈ મળ્યું તેનું ઊંડુ રીસર્ચ કરી 10,500 પાનાનું દળદાર પુસ્તક તૈયાર કરી, ભારત જ નહીં પરંતુ વિશ્વને અમૂલ્ય ભેટ આપી છે. આગામી તા.27 થી ગિરનાર તળેટી ખાતે યોજાનાર ભવનાથ મહાશિવરાત્રી મિનીકુંભ મેળા અંતર્ગત આ ઓસ્ટ્રેલિયન વૈજ્ઞાનિક જૂનાગઢ આવી પહોચ્યાં છે.
#TeamAapduJunagadh
Also Read : દયાબેન એ દીકરી સ્તુતિની શેર કરી ક્યૂટનેશ તસવીર , મા-દીકરીની તસવીર જોઇને થઈ જશો આશ્ચય…જુઓ તસવીરો