વાયુ શું ફરી આવશે? પલટાય ગઈ છે દિશા, જાણો વિગતો…

વાયુ

વાયુ : સૌરાષ્ટ્ર પરથી વાયુનો ખતરો ટળી ગયો છે. પરંતુ, વાવાઝોડું હજુ પણ પોરબંદરથી 200 કિલોમીટર દૂર દરિયામાં સ્થિર થયું છે. હવામાન વિભાગના ઉચ્ચાધિકારીઓના જણાવ્યા મુજબ આગામી 48 કલાક જેટલો સમય દરિયામાં ઘૂમરાયા બાદ વાયુ જામનગર નજીક વાડીનાર અને કચ્છ તરફ ધીમીગતિએ આગળ વધશે. 17મી જૂનની રાત્રિ બાદ જમીન પર આવશે. આ સમયે અંદાજે 50 થી 70 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. વાયુની અસર સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારોને પણ થશે અને આગામી ચાર દિવસ સુધી અહિંયા પણ વરસાદ પડતો રહેશે.

વાયુ

હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યાં અનુસાર, વાયુની તીવ્રતા ઓછી થઈ ગઈ છે. હાલ 50 નોટ એટલે કે 80 થી 90 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. જેમ જેમ સમય વિતતો જશે તેમ તેમ વાયુનું જોર ઓછું થતું જશે. 17 જૂનની રાત સુધીમાં કચ્છની ખાડી પાસેથી પસાર થશે અને આગળ જઈને વિખેરાઈ જશે.

વાયુ

ત્રણ દિવસ પહેલાં 12મી જૂને વાયુ અત્યંત શક્તિશાળી બન્યું ત્યારે ભેજ શોષી લીધો હતો. આથી નૈઋત્યનું ચોમાસુ 15 થી 25 દિવસ મોડું થવાની શકયતા ઊભી થઈ હતી. હવે 17મી જૂન સુધીમાં વાયુ જામનગર અને કચ્છના દરિયા વિસ્તારમાં ત્રાટકીને વિખેરાઈ જવાનું છે, ત્યારે 18મી જૂન બાદ નવી સિસ્ટમ બન્યા બાદ નૈઋત્યનું ચોમાસું આગળ ધપશે.

વાયુ

હાલના તબક્કે પોરબંદરથી 200 કિલોમીટરની દૂરી પર સ્થિર થયેલા વાયુના કારણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના શહેરોમાં ચાર દિવસ સુધી વરસાદી માહોલ રહેશે અને 1 થી 5 ઈંચ સુધીનો વરસાદ પડતો રહેશે. વાવાઝોડું સંપૂર્ણપણે વિખેરાઈ ગયા બાદ ચોમાસું દૂર જવાના જે ચિંતાના વાદળો ઘેરાયા છે તે પણ દૂર થશે, એટલે 18મી જૂન સુધીમાં શું થાય છે તેના પર હવામાન વિભાગના અધિકારીઓની નજર છે.

“વાયુ”નામનું વાવાઝોડું સૌરાષ્ટ્રના દરિયાકિનારેથી પસાર થઈ ગયું છે. આ વાવાઝોડું સૌરાષ્ટ્રમાં વરસાદ લઈને આવ્યું છે, ત્યારે આપણાં જૂનાગઢમાં ગુરુવારની મધ્યરાત્રિથી મેઘરાજે આગમન કર્યું હતું. ગિરનારમાં ધોધમાર વરસાદ પડવાથી પગથિયાં પર પાણી વહેવા લાગ્યું હતું. કાળઝાળ ગરમી બાદ લોકોએ ઠંડકનો અનુભવ કર્યો છે. તેજગતિના પવન સાથે આવેલા વરસાદે વાતાવરણને ખુશનુમા બનાવી દીધું છે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં હજુ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી રહી છે.

Also Read : શ્રીકૃષ્ણ એ શા માટે મોકલી નરસૈંયાને માળા? મહેતાજીની હારમાળા જયંતિનું વિશેષ મહાત્મય