Ambaji : ગિરનાર ક્ષેત્રના અધિષ્ઠાત્રિ: માં અંબાજી

Ambaji

Ambaji : હિન્દુ શાસ્ત્ર મુજબ એક વર્ષમાં ચાર વખત નવરાત્રી આવે છે, જેમાં મહા અને અષાઢ માસની નવરાત્રિને ગુપ્ત નવરાત્રિ કહેવાય છે, જ્યારે ચૈત્ર અને આસો માસની નવરાત્રીને મહાપર્વ તરીકે ઉજવાય છે. આ નવરાત્રિ દરમિયાન મા જગદંબા

  માડી તારા બેસણા ગઢ ગિરનાર, નવેખંડ નજરું પડે રે લોલ

માડી તે તો દીપાવ્યો સોરઠ દેશ, ધજાળી આઈ ખોળિયું ધર્યું રે લોલ…

નવદુર્ગાના નવે સ્વરૂપોની પૂજા-અર્ચના કરવામાં આવે છે. જેમાં શાસ્ત્રોક્ત વિધિથી ઘટસ્થાપન કરી, નિત્ય નવ દિવસ સુધી દરરોજ એક-એક દેવીની વિશેષ મહાપૂજા કરવાનું માહાત્મ્ય છે. પંચોપચાર, ષોડશોપચાર અને રાજોપચાર દ્વારા નિત્ય નવ દિવસ સુધી નવદુર્ગાની પૂજા-અર્ચના કરીને સાધક ધન્યતા અનુભવે છે.

Ambaji

નવરાત્રિના પ્રથમ દિવસે નવદુર્ગાનું પ્રથમ સ્વરૂપ એવા શ્રી શૈલપુત્રીની, બીજા દિવસે બ્રહ્મચારિણી, ત્રીજા દિવસે ચંદ્રઘંટા, ચોથે કૂષ્માંડા, પાંચમે સ્કંદમાતા, છઠ્ઠે કાત્યાયની, સાતમે કાલરાત્રિ, આઠમે મહાગૌરી અને નવમે દિવસે સિદ્ધિદાત્રીની પૂજા અને ઉપાસના થાય છે.

Ambaji

વેદ અને ઉપનિષદોના ઉલ્લેખ પ્રમાણે, માં આદ્યશક્તિની કુલ 52 શકિતપીઠો પૈકીની એક શક્તિપીઠ ગિરનાર પર્વત ઉપર સ્થિત છે.  અહિયાં ગિરનાર આવેલા અંબાજી મંદિરને ઉદયન શક્તિપીઠ તરીકે પણ ઓળખવામાં આવે છે. પૌરાણિક કથા મુજબ પ્રજાપતિ દક્ષે એક મહાયજ્ઞનું આયોજન કર્યું. જેમાં પ્રજાપતિ દક્ષે અનેક રાજાઓને આમંત્રિત કર્યા, પરંતુ પોતાના જમાઈ શિવજીને આમંત્રણ ન આપ્યું. ત્યારે માં સતિને આ વાતની જાણ થતાં તેઓએ શિવજીની મનાઈ હોવા છતાં દક્ષ રાજાને ત્યાં મહાયજ્ઞમાં જવા માટે હઠ પકડી. પોતાના પતિની થયેલી આવી નિંદા સહન ન થતાં સતીએ પોતાનો દેહ હવનકુંડમાં હોમી દીધો. આ વાતની જાણ શિવજીને થતાં તે અતિક્રોધે ભરાયા અને સતીનો દેહ પોતાના ખંભે ધારણ કરીને તાંડવ કરવાનો આરંભ કર્યો. ચારે તરફ હાહાકાર મચી ગયો. ત્યારે દેવતાઓએ ડરીને ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી કે, “હે ભગવાન, હવે તમે જ કઇંક કરો, નહિતર હવે સમગ્ર સૃષ્ટિનો નાસ થવામાં સહેજ પણ વાર નહીં લાગે.” ત્યારે ભગવાન વિષ્ણુએ પોતાનું સુદર્શન ચક્ર છોડી સતીના દેહના ટુકડા કર્યા. આ ટુકડાઓ પૃથ્વી પર જ્યાં જ્યાં પડ્યાં ત્યાં શક્તિપીઠોની સ્થાપના થઈ.

સતીના શરીરના જ્યારે 52 ટુકડાઓ થયા, ત્યારે તેમના શરીરઆ પેટનો ભાગ અહિયાં ગિરનાર પર્વત પર પડ્યો અને અહિયાં માં અંબિકાની ઉદયન શક્તિપીઠ રચાઇ.

તળેટીથી અંદાજે 5500 પગથિયાં ચડીને જગતજનની અંબાજી માતાના મંદિરે પહોંચી શકાય છે. આ અંબાજી મંદિર સમુદ્રની સપાટીથી 3300 ફૂટની ઊંચાઈએ સ્થિત છે. અહિયાં આપણને માતાજીના મુખારવિંદના દર્શન થાય છે. પુરાતત્વવિદોના મતાનુસાર આ મંદિર ગુપ્તકાળ દરમિયાન બંધાયેલું હોવાની માન્યતા છે.

Ambaji

ગિરનાર મહાત્મ્યમાં એવું પણ વર્ણન છે કે, ભગવાન વિષ્ણુના એક અવતાર એટલે કે ભગવાન વામનજીએ અહિયાં માં અંબાની સ્તુતિ કરી હતી. આ મંદિરનું બાંધકામ તળેટીમાં આવેલા દામોદરકુંડના બાંધકામથી મળતું આવતું હોય એવું જણાય! વિદ્વાનો માને છે કે આ મંદિરનો જીણોદ્ધાર પંદરમી સદીમાં થયો હતો. આ મંદિરને લોકો ગિરનારી માતાના મંદિર તરીકે પણ ઓળખે છે. ખાસ કરીને જૈનો, શૈવો અને વૈષ્ણવો અંબાજી માતા પર અતૂટ શ્રદ્ધા ધરાવે છે.

Ambaji

અહિયાં દર વર્ષે પોષી પૂનમના દિવસે માં અંબાજીના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવે છે, આ વેળાએ માતાજીને સુંદર શણગાર કરવામાં આવે છે તથા હોમ-હવન, શ્રી-સૂક્તના પાઠ દ્વારા માતાજીની પૂજા આરાધના કરવામાં આવે છે તેમજ મંદિરનું ધ્વજારોહણ પણ કરવામાં આવે છે. વર્ષ દરમિયાન નવરાત્રિ, હર એક માસની પૂનમ ભરવા યાત્રીઓ હોંશે હોંશે દોડી આવે છે.

સૌને જય માતાજી…

Author: Sumit Jani(શિવાય) #TeamAapduJunagadh

ગિરનારના પગથિયાં કોણે બનાવ્યા? –

Also Read : Cold Water Pot : માટીની મહેક સાથે અમૃત સમાન ઠંડું પાણી આપતા દેશી માટલાં