માટીની મહેક સાથે અમૃત સમાન ઠંડું પાણી આપતા દેશી માટલાં

બળબળતા ઉનાળે સૌ કોઈને ઠંડુ પાણી પીવાનું મન થતું હોય છે! જો તમે ફ્રીઝનું ઠંડુ પાણી પીશો, તો તમને એટલી ટાઢક અને સંતોષ નહીં મળે, પરંતુ જો કોઈ દેશી માટલાનું ઠંડુ પાણી પીવડાવે તો મોજના તોરા છૂટી જાય. ફ્રિઝનું ઠંડુ પાણી પીવાથી શરીરને નુકશાન થવાનો ભય રહે છે, પરંતુ કુદરતી માટીને આકાર આપી, પકાવીને તૈયાર થતાં માટલામાં ભરેલું પાણી તપતા ઉનાળે અમૃત સમાન લાગે છે.

સામાન્ય રીતે ઘરના વડીલો માટલાનું ઠંડું પાણી પીવાની સલાહ આપતા હોય છે, કેમકે માટલાનું ઠંડું પાણી પીવામાં આવે તો તેના કારણે આપણા શરીરને અનેક પ્રકારનો ફાયદો પહોંચે છે, સાથે-સાથે ઉનાળાની ગરમીમાંથી પણ રાહત મળી શકે છે.

દેશી લાલ માટલાં સાથે સફેદ માટલાનું પણ વેંચાણ થતું હોય છે. આ સફેદ માટલાં પર વિવિધ રંગો વડે થતાં પેઇન્ટિંગ કિચનની શોભામાં વધારો કરે છે. આ સફેદ માટલાને કોઈપણ પ્રકારના હાનિકારક કેમિકલમાંથી બનાવવામાં આવતું નથી, પરંતુ સફેદ માટલાએ સામાન્ય રીતે લાલ માટલા જેવી માટીમાંથી જ બનાવવામાં આવે છે. આ માટલાને ખૂબ ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે છે. જેથી કરીને માટલાનો રંગ કુદરતી રીતે સફેદ થઇ જાય છે, સાથેસાથે તેની અંદર ખૂબજ પોરોસીટી વધી જાય છે.

આથી આવા માટલાની અંદર જો પાણી ભરીને રાખવામાં આવે તો, તેના કારણે તેની અંદર રહેલા છિદ્રો પાણીને ખૂબ ઝડપથી ઠંડુ કરી દે છે, સાથે જ સફેદ માટલાની અંદર ભરેલું પાણી પ્રમાણમાં અન્ય માટલા કરતાં વધારે ઠંડુ રહે છે.

હાલ ઉનાળાની સિઝનમાં તડકાએ જોર પકડતાં શહેરમાં વિવિધ પ્રકારના દેશી માટલાની આવક શરૂ થઈ ગઈ છે, જેને આપણે દેશી ભાષામાં ગોળા કહીએ છીએ. આપણા વડવાઓ વખતથી જ માટલા તેમજ માટીના વાસણો રસોઈ થતી હતી. ગૃહિણી પોતાના કિચનને ટેકનૉલોજીથી ગમે તેટલું આધુનિક બનાવે, પરંતુ પાણીઆરે માટીના દેશી માટલાં વગર એ કિચન અધૂરું જ ગણાય. દેશી ફ્રીઝ તરીકે જાણીતા માટલાનું વેંચાણ આજે પણ નોંધનીય થાય છે.

આપણાં જૂનાગઢમાં દોલતપરા રોડ, કોલેજ રોડ તથા વંથલી રોડ ખાતે માટલાનું વેંચાણ થઈ રહ્યું છે. જ્યાં લાલ માટલાં, સફેદ માટલાં, માટીના કુંડા સહિતના વિવિધ વાસણોનું વેંચાણ થઈ રહ્યું છે.

અમે પણ જૂનાગઢને એટલો જ પ્રેમ કરીએ છીએ જેટલો તમે! જૂનાગઢ પ્રત્યેના આ પ્રેમને વધુ ગાઢ બનાવવા Aapdu Junagadh આપને જરૂરથી ઉપયોગી થશે. આ એક એવું માધ્યમ છે, જેના દ્વારા તમે આપણાં જૂનાગઢમાં બનતી રોજબરોજની સકારાત્મક ઘટનાઓ, નગરજનોને ઉપયોગી માહિતી, જૂનાગઢ શહેર અને તેની આજુબાજુ આવેલા સ્થળો, ધાર્મિકતા, ઐતિહાસિક સ્મારકો, વ્યક્તિ વિશેષ વિશેની માહિતી મેળવી શકશો. જો તમને ઉપરનો લેખ ગમ્યો હોય તો, શેર કરીને વધુને વધુ લોકો સુધી પહોંચાડો તથા તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્સમાં જણાવો.
જો આપની પાસે જૂનાગઢ વિશેની વિશેષ માહિતી હોય તો અમારા સુધી ઇમેઈલ દ્વારા પહોંચાડી શકો છો.

Email Id: aapdujunagadh@gmail.com