લીલી પરિક્રમા : ગિરનારને કેન્દ્રમાં રાખીને ગિરનારની ફરતે કરવામાં આવતી પ્રદક્ષિણા એટલે લિલી પરિક્રમા. એવું માનવામાં આવે છે કે ગઢ ગરવા ગિરનારમાં વસતા 33 કરોડ દેવતાઓના તપનું પુણ્ય ગિરનારની પરિક્રમા કરવાથી મળે છે.
આમ જોઈએ તો જૂનાગઢમાં વર્ષમાં બે વખત માનવ મહેરામણ વધું પ્રમાણમાં જોવા મળે છે, જેમાં એક મહાશિવરાત્રીનાં મેળામાં અને બીજું છે ગિરનારની લીલી પરિક્રમામાં. ગુજરાતનાં લગભગ બધાં શહેરો અને ગામડાંઓમાંથી માનવ મહેરામણ કીડીયારાની જેમ ઉભરાયને આવે છે. દિવાળી અને દિવાળી પછીનો માહોલ જૂનાગઢમાં કંઈક અલગ જ જોવા મળે છે. ભવનાથ તળેટી આખી શ્રદ્ધાળુઓથી ભરાયેલી હોય છે.
ભારતીય હિન્દુ કેલેન્ડર અનુસાર કારતક સુદ અગિયારસ થી પૂનમ સુધી પરિક્રમાનો માર્ગ ખુલ્લો મુકવામાં આવે છે. જેમાં આ વર્ષે 19 નવેમ્બરથી 23 નવેમ્બર સુધી પરિક્રમા માર્ગ ખુલ્લો મુકાશે. ધાર્મિક દ્રષ્ટિકોણ ઉપરાંત પરિક્રમા સામાજિક દ્રષ્ટિકોણથી પણ મહત્વપૂર્ણ છે. કારણ કે અહીં વિવિધ જાતિનાં, જુદાં જુદાં ધર્મનાં અને અલગ અલગ રીતિ રિવાજોવાળા લોકો કોઈપણ મતભેદ વગર આ પરિક્રમાને શ્રદ્ધાથી પૂર્ણ કરે છે.
પરિક્રમા કરવાં માટે ગુજરાત ઉપરાંત નજીકના રાજ્યો જેમકે રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર વગેરે જેવા વિવિધ પ્રાંતના લોકો ગિરનારની સંસ્કૃતિ અને સાધુઓનાં તપને જાણવાં ભાવપૂર્વક આવતાં હોય છે. ગિરનારની લીલી પરિક્રમામાં લગભગ દર વર્ષે 8 લાખ જેટલાં શ્રદ્ધાળુઓ જોડાય છે.
લીલી પરિક્રમાનો રૂટ:
લીલી પરિક્રમાની શરૂઆત ભવનાથ તળેટીમાં આવેલ દુધેશ્વર મહાદેવના મંદિરથી થાય છે. પરિક્રમાનો રસ્તો કુલ 36 કિલોમીટર લાંબો છે. જે ગિરનારનાં ગાઢ જંગલોમાંથી પસાર થાય છે. જેમાં વચ્ચે સાગ, વાંસના જંગલો, વહેતા ઝરણાંઓ જોવા મળે છે. જે કુદરતની પ્રકૃતિની સુંદરતાનો અહેસાસ કરાવે છે. આ 36 કિલોમીટર લાંબી પરિક્રમામાં ઘણાં મંદિરો આવે છે જેમ કે ઝીણાબાવાની મઢી, માળવેલા, સુરજકુંડ, સરખડીયા હનુમાન, બોરદેવી અને છેલ્લે ભવનાથ.
અલગ અલગ પડાવો વચ્ચેનું અંતર:
- ભવનાથથી ઝીણાબાવાની મઢી: 12 કિલોમીટર
- ઝીણાબાવાની મઢીથી માળવેલા: 8 કિલોમીટર
- માળવેલાથી બોરદેવી મંદિર: 8 કિલોમીટર
- બોરદેવીથી ભવનાથ તળેટી: 8 કિલોમીટર
લીલી પરિક્રમા ની ઘોડીઓ વિશે:
પરિક્રમાનાં આ રૂટમાં ત્રણ ઘોડીઓ આવે છે. ઘોડી એટલે પર્વતોની વચ્ચે પસાર થઇ રહેલી બળદના ખૂંધ જેવી રચનાં. જેમાં પહેલાં ચઢાણ ચઢવાનું અને પછી એ જ ચઢાણ ઉતરવાનું.
- ઈંટવા ઘોડી: જે સાપેક્ષમાં સરળ અને ભવનાથ તળેટી તથા ઝીણાબાવાની મઢી વચ્ચે સ્થિત છે.
- માળવેલા ઘોડી: જે પ્રથમ ઘોડી કરતા સહેજ આકરી અને પથરાળ છે.
- નાળ–પાણીની ઘોડી: આ ઘોડી સૌથી આકરી અને ઘણી ઊંચાઈએ આવેલ છે. તેમનું ચઢાણ એકદમ સીધું છે. આ ઘોડી માળવેલા તથા બોરદેવી મંદિરની વચ્ચે સ્થિત છે.
-
પરિક્રમામાં ચાલતાં અન્નક્ષેત્રો અને આરોગ્ય કેન્દ્ર વિશે:
લીલી પરિક્રમા દરમ્યાન ઘણાં લોકો કે ટ્રસ્ટો પોતાની નિસ્વાર્થ સેવા આપવા માટે પરિક્રમાના આ કઠિન માર્ગ ઉપર અન્નક્ષેત્રોનાં પંડાલો ઊભા કરે છે. ત્યાં આવતા પરિક્રમાર્થીઓને ભાવતા ભોજન પીરસાય છે અને પૂરા આગ્રહ સાથે જમાડવામાં આવે છે. આવાં એક નહીં અનેક અન્નક્ષેત્રો ગિરનારનાં જંગલોમાં અન્ન પીરસતા જોવાં મળે છે. પરિક્રમાનાં માર્ગ પર ઠેક–ઠેકાણે ભજન મંડળીઓ રાત્રિ દરમ્યાન સંતવાણી તથા ભજનનો રસ પીરસે છે. આ ઉપરાંત પરિક્રમાના પડાવો પર યાત્રિકોનાં આરોગ્યની કાળજી માટે કામચલાઉ આરોગ્ય કેન્દ્ર ઊભા કરાય છે.
-
લીલી પરિક્રમા સુધી પહોંચવા માટે:
જૂનાગઢની આજુબાજુના જિલ્લામાં રહેતાં લોકો માટે ગુજરાત એસ.ટી. નિગમ દ્વારા વિવિધ રૂટ પર વધારાની બસો ફાળવવામાં આવે છે. આ ઉપરાંત અનેક પ્રાઈવેટ વાહનો દ્વારા પણ જૂનાગઢ સુધી પહોંચી શકાય છે. જ્યારે ઘણા યાત્રાળુઓ ટ્રેનમાં જૂનાગઢ સુધી પહોંચી શકે છે.
આવો આપણે પણ આ પાવનકારી ઘડીનો લાભ લઈએ અને આ માહિતી બીજા લોકો સુધી પહોચે અને મદદરૂપ થાય તે માટે વધુને વધુ શેર કરીએ.
ધન્યવાદ
Author : Piyush Malvi #TeamAapduJunagadh
Also Read : જૂનાણાં એ સાહિત્ય ક્ષેત્રે આ ઉત્તમ સાહિત્યકારો આપીને આપ્યો છે અમૂલ્ય ફાળો