જૂનાગઢ જિલ્લા જેલના 35 કેદીઓએ મેળવી આ પ્રકારની વિશિષ્ટ તાલીમ.

જૂનાગઢ જિલ્લા જેલમાં સજા ભોગવી રહેલા કેદીઓ પોતાનું ભવિષ્ય સુધારી શકે તથા સ્વરોજગારી પ્રાપ્ત કરી શકે તે માટે અનેક કાર્યક્રમો જેલમાં યોજવામાં આવે છે. જૂનાગઢ જેલના કાચા કામના કેદીઓ અને પાકા કામના કેદીઓને વિવિધ તાલીમ આપવા વિવિધ કાર્યક્રમો યોજાતા હોય છે.જૂનાગઢ જિલ્લા જેલમાં સજા કાપી રહેલા કેદીઓના આદર્શ જીવન ઘડતર માટે મનુષ્ય સુધારણા માટે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવતી હોય છે. આ જેલમાં કુશળ કારીગરો પોતાના હાથ હુન્નરથી હાથશાળ તથા સુથારીકામ દ્વારા તૈયાર કરેલી વસ્તુઓમાંથી પૂરક રોજગારી પ્રાપ્ત કરી શકે તેવા પ્રયત્નો થાય છે. આ ઉપરાંત ઉચ્ચતર અભ્યાસ માટે બાબા સાહેબ આંબેડકર તથા ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટી દ્વારા ચલાવાતા અભ્યાસક્રમો દ્વારા અભ્યાસ માટે તક પુરી પાડવામાં આવે છે. કોઈ કેદી ધોરણ 10-12ની પરીક્ષા આપવા ઈચ્છે તો તે અંગેની વ્યવસ્થા પણ કરી આપવામાં આવે છે.જેલમાં જ્યારે કોઈ અશિક્ષિત કેદી આવે ત્યારે તે અભણ હોવાની છાપ લઈને આવે છે પરંતુ અહીં સાક્ષરતા અભિયાન દ્વારા તેમને વાંચન લેખનની પ્રવૃત્તિ કરાવી શિક્ષિત કરવામાં આવે છે. જેલમાં કેદીઓના મનોરંજન અને આધ્યાત્મ માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેથી કરીને કેદી પોતાનું જીવન સુધારી એક નવી દિશામાં આગળ વધી શકે.જૂનાગઢ જિલ્લાની જેલમાં સજા કાપી રહેલા કેદીઓના આદર્શ જીવન ઘડતર માટે તથા કેદીઓને પ્રવૃત્તિશીલ રાખવા માટે ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સંયુક્ત ઉપક્રમે જૂનાગઢ જેલ ખાતે 10 દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. આ તાલીમ કાર્યક્રમ અંતર્ગત 30 ભાઈઓ અને 5 બહેનોને મીણબત્તી બનાવવાની તાલીમ આપવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન તાલીમ મેળવનાર સર્વે કેદીઓને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરાયા હતા. જેથી કેદીઓને પ્રોત્સાહન ની સાથે તેમનું આર્થિક સ્વાવલંબન મજબૂત બને તેવા ઉદ્દેશથી આ તમામ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.

Author: Sumit Jani #TeamAapdujunagadh