Kesar Mango : સ્વાદ અને સુગંધથી સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ એવી તાલાલા ગિરની કેસર કેરીની જૂનાગઢ માર્કેટીંગ યાર્ડમાં એકાદ મહિના પહેલાથી આવક શરૂ થઇ ગઇ છે. શરૂઆતમાં આવક ઓછી રહેવા પામી હતી જોકે હવે આવકમાં દિન પ્રતિદિન વધારો થઇ રહ્યો છે. જૂનાગઢ માર્કેટીંગ યાર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ એપ્રિલ મહિનામા છેલ્લાં 23 દિવસમાં કુલ 65418 બોક્ષ કેસર કેરીની આવક નોંધાઇ છે. જોકે હજુ આગામી દિવસોમાં ખાસ કરીને પાછોતરા પાકને લઇને 5 મે પછી વિપુલ માત્રામાં આવક નોંધાશે અને 15 જૂન સુધી આવક થતી રહેશે. જૂનાગઢ યાર્ડમાં બોટાદ, આણંદ, પાલનપુર, ડિસા, નડિયાદ સહીત સમગ્ર ગુજરાતના અને છેક મુંબઇના વેપારીઓ પણ ખરીદી માટે આવે છે. તલાલાની કેરી વિદેશમાં પણ મોકલવામાં આવે છે.પ્રવાસીઓમાં હાઇવે પરથી ખરીદીનો નવો ટ્રેન્ડ જાગ્યો છે જેથી યાર્ડ ઉપરાંત હાઇવે ઉપર પણ કેરીનું ધૂમ વેંચાણ થઇ રહ્યું છે. કેસર કેરીની સીઝનમાં શરૂઆતમાં ભાવ 10 કિલોના બોક્ષના 600થી લઇને 1500 સુધીના છે. આગામી દિવસોમાં આવક વધતાં ભાવ ઘટવાની શકયતા છે.