આધુનિક યુગમાં ખેતી માંથી રાજ્યનાં અનેક ખેડૂતો ભલભલા પગારદારોને પાછા પાડી દે તેવી કમાણી કરી રહ્યાં છે તેથી જ યુવાનો પણ ભણી-ગણીને નોકરીને બદલે ખેતી તરફ વળ્યાં છે. જો કે પહેલાથી માત્ર ખેતી કરી રહેલા અને ઓછું ભણેલા ખેડૂતો પણ પોતાની આવડતથી નવી ખેતી કરી લાખોમાં કમાણી કરતા હોય તેવા પણ અનેક કિસ્સા છે. મેંદરડા તાલુકાનાં અંબાળા ગામના આવાં જ એક વિકાસશીલ ખેડૂત કાનજીભાઇ શીંગાળાએ સરકારી સહાય કે અન્ય સહાય વિના તેમના ધર્મચારીણી જયશ્રીબેન સાથે મલ્ચીંગ પ્લાન્ટથી બે વિઘામાં ઉનાળુ કોઠીંબાનું વાવેતર કરી બે થી અઢી મહીનામાં ઓછા ખર્ચે ખુબજ સારૂ ઉત્પાદન મેળવ્યું છે ખેડુતોના જણાવ્યા મુજબ પ્રતિવિઘે દશથી બાર હજારનાં ખર્ચ સામે આશરે સાંઇઠ હજારનું ઉત્પાદન થાય તેવો અંદાજ છે. કોઠીંબાનું વાવેતર ચોમાસા તેમજ ઉનાળામાં પણ કરી શકાતું હોવાથી અન્ય ખેત પેદાશો કરતા ઓછા ખર્ચે, ઓછા સમયમાં અને વધુ ઉત્પાદન મેળવી સારી આવક મેળવી શકાય છે તેથીજ અન્ય ખેડુતોને પણ કોઠીંબાની ખેતી કરવાની સલાહ આપે છે. કાનજીભાઇનાં જણાવ્યા મુજબ હરસુખભાઇ જથ્થાબંધ ભાવે રૂા. ૨૦૦ના મણ લેખે કોઠીંબા ખરીદી લે છે તથા છુટક ખેતરેથી પ્રતીકીલો ૧૫ થી ૨૦ રૂા લેખે સ્થાનીક લોકો પણ ખરીદી કરે છે.
કેશોદ વિસ્તારમાં હીરા ઘસીને પરીવારનું ગુજરાન ચલાવતા ખેડૂત હરસુખભાઇ ડોબરીયા કોઠીંબાની કાચરી તૈયાર કરી તેનું વેંચાણ કરે છે તેઓ કોઠીંબામાંથી બનતી કાચરીને વિદેશમાં પણ મોકલે છે. સાથે જ તેઓ ખેડૂતોને આ ખેતીનું બિયારણ આપી તેમને પડતર જમીનમાંથી પણ કમાણી કરતા કર્યાં છે. હરસુખભાઈ તેઓની પાસેથી પણ કોઠીંબા વેચાતા લઈ કાચરી બનાવે છે.
કોઠીંબા નામ પડતા જ મોંમાં કડવાશનો અનુભવ થવા લાગે, પણ પોતાની કોઠાસૂઝ અને મહેનતથી આ કડવા કોઠીંબા થકી લાખોની કમાણી કરી અન્ય ખેડૂતો માટે અવનવું કરવા ઉત્તમ ઉદાહરણ આપ્યું છે.