ટ્રાફિકના સિગ્નલ ઊભા કરવાની કામગીરી થઈ શરૂ, હવે નહીં તૂટે ટ્રાફિકના નિયમો!

આપણાં જૂનાગઢ શહેરની માથાના દુ:ખાવારૂપ ટ્રાફિક સમસ્યાથી નગરજનો અને મુક્તિ આપવા તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ માટે અંદાજે 1.25 કરોડથી વધુનો ખર્ચ કરીને શહેરના વિવિધ સ્થળો પર ટ્રાફિક સિગ્નલ ફીટ કરવામાં આવી રહ્યા છે. અંદાજે એકાદ માસની અંદર આ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે.

જો કે વરસાદના કારણે સિગ્નલની કામગીરીમાં થોડો વિલંબ થઈ રહ્યો છે. જૂનાગઢમાં સાંકડી શેરી-ગલીઓના કારણે રસ્તા પહોળા કરવાની એક લિમિટ આવી ગઈ છે, તેનાથી વધુ રસ્તાઓ પહોળા થઈ શકે તેમ નથી. તો બીજી બાજુ વાહનોની સંખ્યામાં નિરંતર વધારો થઈ રહ્યો છે. પરિણામે ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે. કેટલાક લોકો નીતિ નિયમને નેવે મૂકીને આડેધડ રીતે વાહન ચલાવે છે અને ગમે ત્યાં વાહન પાર્ક કરી દેતા જરાં પણ ખચકાતાં નથી, જેના કારણે ટ્રાફિક જામ થાય છે

ખાસ કરીને રેલવે ફાટક ખુલ્યા પછી મોટાભાગના વાહનચાલકો વાહનો લઇને ભાગે છે, જાણે કોઈ ધણ વછૂટ્યુ હોય! જેને કારણે અતિ હદે ટ્રાફિક જામ થાય છે. ત્યારે આ સમસ્યાના નિવારણ માટે શહેરના અનેક સ્થળોએ ટ્રાફિકના નિયમન માટે ટ્રાફિક સિગ્નલ ફીટ કરવામાં આવી રહ્યા છે. ટ્રાફિક સિગ્નલ ઊભા કરવાની કામગીરી મહાનગરપાલિકા દ્વારા થઈ રહી છે. પોલીસ અધિક્ષકશ્રી સૌરભ સિંઘના માર્ગદર્શન હેઠળ આ કામગીરી થઇ રહી છે.

ગુજરાત રાજ્યના 8 મહાનગર પૈકી સાત મહાનગરમાં ટ્રાફિક સિગ્નલ સંચાલિત વાહન વ્યવહાર થાય છે. જેમાં એકમાત્ર જુનાગઢ બાકી હતું, જેથી કરીને આપણાં જૂનાગઢ શહેરમાં પણ ટ્રાફિક સિગ્નલ લગાવવામાં આવી રહ્યા છે. આ નવ સ્થળોમાં કાળવા ચોક, તળાવ દરવાજા, ચિતાખાન ચોક, વૈભવ ચોક, તળાવ રોડ પેટ્રોલપંપની બાજુમાં, સરદાર બાગ ઝાંસીની રાણીનું સર્કલ, ઝાંઝરડા ચોકડી, મધુરમ બાયપાસ, ભુતનાથ રેલવે ફાટક વગેરે સામેલ છે. આગામી સમયમાં ટ્રાફીકના નિયમો કડક થાય અને તેનો કાયદેસર રીતે અમલ કરવો પડે તો નવાઈ નહીં!