Rajal Vijal Temple : ઉપરકોટની બાજુમાં એક પ્રાચીન શક્તિધામ આવેલું છે. જેને રાજલ-વિજલ માતાજીનાં મંદિરના નામે ઓળખાય છે. કલિકાલમાં જ્યારે અસૂરવૃતિનો ત્રાસ વધે છે, ત્યારે તેને ડામવા કોઈ દૈવી શક્તિ અવતાર ધારણ કરતી હોય છે. આજે આપણાં જૂનાગઢમાં આવેલા એવાજ એક શક્તિધામની વાત કરીશું, જ્યાં જગદંબા સ્વરૂપે પ્રગટેલી બે બહેનો જૂનાગઢનાં સુબાને તાબે કરી ઉપરકોટની દિવાલોમાં સમાઈ ગઈ હતી. આવો જાણીએ સંપૂર્ણ વાત…
આ વાત આજથી લગભગ સાડા ત્રણસો વર્ષ પહેલાની છે. ગુજરાતમાંથી વિસાણી બારોટનો એક પરિવાર સૌરાષ્ટ્રના ધાર્મિક સ્થળોની યાત્રા માટે નીકળ્યો. આ યાત્રાળુઓની સુવાસ આખા સૌરાષ્ટ્રમાં વ્યાપી ગઈ હતી. તેનું કારણ એ હતું કે, આ પરિવારમાં બે સગાભાઈની એક-એક દીકરી હતી. જેનું નામ રાજલ અને વિજલ હતું. બંને બહેનો યોગમાયાનો અવતાર હતી. આ સ્વરૂપવાન અને કાંતિમય દેખાતી બહેનોના આશીર્વાદ મેળવવા લોકો પડાપડી કરતાં.
આ પરિવાર પોતાની યાત્રા આગળ વધારતા બગસરાના સીમાડામાં પહોંચ્યો. જ્યારથી તેમના પગલાં બગસરાની ધરતી પર પડ્યા ત્યારથી ત્યાં સુખ શાંતિની લહેર છવાઈ ગઈ. રાજ્યના બધાંજ કાર્યો આપમેળે સુધરવા લાગ્યા. આ બધો પ્રતાપ આવેલા બારોટ પરિવાર અને સાથે આવેલી યોગમાયાનો છે તેવું માની લોકો તેમનું આદર સાથે સ્વાગત કરતાં. આ બારોટ પરિવારને દરબાર ગઢમાં આમંત્રણ મળ્યું. ત્યાં તેમને એક ઓરડામાં ઉતારો અપાયો. આ પરિવારના રહેવાથી બગસરાની સુખ-સમૃદ્ધિમાં વધારો થતો ગયો. રાજવીએ તેમને બે-ચાર દિવસ રોકવાની બદલે એક મહિના સુધી આગ્રહ કરીને રોક્યાં.
એ વખતે જૂનાગઢમાં મહંમદ બેગડાના સૂબાઓનું શાસન ચાલતું હતું. જૂનાગઢમાં હિંદુ રાજ્યના પતન પછી આ મુસ્લિમ સુબાઓ આજુબાજુના રજવાડાઓ માટે ત્રાસવાદ સ્વરૂપ બની ગયા હતા. આ સુબાને બગસરાની ઉત્તરોતર પ્રગતિ અને શાંતિના સમાચાર મળ્યા. ત્યારે તેમનું કારણ બારોટ પરિવારની એ બંને દીકરીઓ છે, જેને બધાં માતાજી માને છે તેવું જાણવા મળ્યું. કોઈ અનુચરે વધુ માહિતી આપતા જણાવ્યું કે આ બંને કુમારિકા અતિ સ્વરૂપવાન પણ છે.
ત્યારે સુબાએ બગસરા રાજવીને કહેણ મોકલાવ્યું કે, બંને કુમારિકાઓ જુનાગઢને સોંપી દો. બગસરા ઉપર આવી પડેલા આ સંકટને લઈને રાજવી મૂંઝાયા. રાજવી જો બંને કન્યાઓની સોંપણી કરે તો પોતાની અપકીર્તિ થાય અને ન કરે તો સુબાનું લશ્કર બગસરાની ધરતીને ખેદાનમેદાન કરી નાખે. બગસરા ઉપર વિનાશના વાદળો ઘેરાઈ રહ્યા હતા ત્યારે બંને માતાજીઓને આ વાત જાણ થતાં તેઓએ રાજવી પાસેથી રાજીખુશીથી જૂનાગઢ જવા દેવાની રજા માંગી, પરંતુ રાજવીને આ વાતને નકારી અને કહ્યું કે તમે બગસરાની દીકરીઓ છો, ત્યારે કોઈ બાપ જીવતાજીવત આમ પોતાની દીકરીઓને કેમ સોંપે? ત્યારે બંને માતાજીઓએ પોતાના અસલ સ્વરૂપના દર્શન રાજવીને કરાવ્યા. ત્યારે રાજવી તેમના પગમાં પડી ગયા. ત્યારે માતાજીએ કહ્યું કે, જ્યાં સુધી બગસરામાં અમારા બેસણા છે ત્યાં સુધી બગસરાને ઉની આંચ પણ નહીં આવે.
જૂનાગઢ રવાના થવા વેલડું તૈયાર થયું. બંને માતાજીએ પશ્ચિમ દિશાએ આવેલા કોઠા ઉપર સિંદૂરના થાપા માર્યા. બંને બહેનોએ બગસરા છોડ્યું જુનાગઢ જઈને બંને બહેનોએ પ્રચંડ સ્વરૂપ ધારણ કર્યું. ત્યારે બંને બહેનોએ સુબાના લશ્કર સાથે ભયંકર યુદ્ધ કર્યું. જૂનાગઢના પાદરમાં મુરદાઓના ગંજ ખડકાયા અને સૂબાએ જાતે આવીને માતાજીની ક્ષમા માંગી. ત્યારે બંને બહેનો જૂનાગઢના ઉપરકોટના ગઢની દિવાલોમાં સમાઈ ગઈ. જગદંબા સ્વરૂપે જૂનાગઢનાં આંગણે બિરાજતા રાજલ-વિજલ માતાજીનાં ચરણોમાં કોટિ કોટિ વંદન…
સંદર્ભ: બગસરાની અસ્મિતા(શ્રી ગિરધરભાઈ સોલંકી)
સૌને જય માતાજી…
Author: Sumit Jani(શિવાય) #TeamAapduJunagadh
Also Read : તારક મહેતા …..ના આ એક્ટરની 2 વર્ષની દીકરીનું થયું આ ઘટનાથી નિધન….