Junagadh News : લાઇબ્રેરી ના જીર્ણ થયેલા પુસ્તકોનું પીડીએફ સ્વરૂપે થશે નવીનીકરણ

Junagadh News : પુસ્તકો વ્યક્તિનાં સાચાં મિત્ર સાબીત થતાં આવ્યાં છે. આજકાલ ટેક્નોલૉજીના સમયમાં લાખો પુસ્તકો આપણી મૂઠીમાં સમાઇ ગયા હોય એવું લાગે છે. એમ છતાં ઘણાં ખરાં જુના નામ ચિહ્ન પુસ્તકો આ સમયમાં ક્યાંય જોવા મળતાં નથી.

એ માટે સામાન્ય રીતે આપણે લાઈબ્રેરીની મદદ લેતા હોઈએ છીએ. એમાં પણ ઘણીવાર એવું થતું હોય છે કે, અમુક પાના ફાટેલા હોય તો, ક્યારેક એ ફાટેલું પાનું જ ખોવાઇ જતું હોય છે. પરંતું હવે એવું નહીં બને એનું કારણ છે ટેક્નોલૉજી.

જી હા! આપણાં જૂનાગઢની લાઇબ્રેરીમાં શરૂ થવા જઇ રહી છે એક ઇ-લાઈબ્રેરી. શહેરની મધ્યમાં સ્થિત આઝાદ ચોક ખાતે આવેલી સરકારી લાઇબ્રેરીની સ્થાપના 8, ઓગષ્ટ, 1865માં થઈ હતી. આ લાઇબ્રેરીમાં વર્ષ 1930 થી વર્ષો જુના 6 હજાર જેટલા પુસ્તકો છે. આ પુસ્તકો વાંચવા માટે ઘણાં લોકો આવે છે, પરંતુ આ પુસ્તકોનાં પાના ફાટી જવાને કારણે તેઓ વાંચી શકતા નથી, ત્યારે સરકારી લાઇબ્રેરીના ગ્રંથાલય દ્વારા એક નવો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો છે.Junagadh News

આધુનિક યુગમાં ટેક્નોલોજીની મદદથી પ્રખ્યાત લેખકો દ્વારા રચાયેલા વર્ષો જુના પુસ્તકોને જીવીત રાખવા તેમજ લોકો સુધી પહોંચાડવાનું શક્ય બન્યું છે. વાંચકોને વર્ષો જુના નામ ચિહ્ન પુસ્તકો વાંચવા મળે તે માટે લાઈબ્રેરી ગ્રંથાલય દ્વારા જૂના કે જર્જરિત થયેલા પુસ્તકોની પીડીએફ ફાઇલ તૈયાર કરવામાં આવી છે. જેથી કરીને લોકો પોતાના મનગમતા પુસ્તકો જેવા કે, વિશ્વ ભારતી, તત્વ વિચાર માળા, બ્રહ્મદેશ, નિશીથ, કૌમુદી અને ઉર્દુ સાહિત્ય વગેરે કોમ્પ્યુટરની મદદથી પીડીએફ ફાઇલનાં સ્વરૂપમાં વાંચી શકશે.Junagadh News

આ પુસ્તકોની પીડીએફ ફાઇલ લાઇબ્રેરીમાં ગોઠવાયેલા 12 કોમ્પ્યુટરમાં વાંચવા માટે તૈયાર રખાશે. જેથી કરીને એક સમયે એક વ્યક્તિની બદલે એકીસાથે 12 વ્યક્તિઓ આ પુસ્તક વાંચી શકશે. આ લાઇબ્રેરીમાં જોડાવવા માટે કે પુસ્તકો વાંચવા માટે લોકોએ પહેલા લાઇબ્રેરીનું સભ્ય બનવું પડશે. લાઇબ્રેરી દ્વારા મંજૂરી મળ્યા બાદ જ તેમને પીડીએફ ફાઇલ વાંચવા કોમ્પ્યુટર પર બેસવા દેવામાં આવશે.

#TeamAapduJunagadh

Also Read : કોઈનું થૂંક ઉડવાનો ડર લાગે છે, તો માંના ખોળામાં થૂંકવાનો કેમ નહીં? પ્રકૃતિ પર પ્રશ્નાર્થ?