Khodiyar Temple : ખામધ્રોળમાં ખમકારા કરતી : માઁ ખોડિયાર

Khodiyar Temple

Khodiyar Temple : મજેવડી દરવાજાથી ખામધ્રોળ રોડ પર આગળ જતાં રેલવે ફાટક પછી ડાબી બાજુએ માઁ ખોડીયારનું સુંદર સ્થાનક આવેલું છે. અહીંયા માતાજીની સિંદૂરી મુરત અને પ્રતિમાજીબંને બિરાજમાન છે. ખામધ્રોળ તથા આજુબાજુના વિસ્તારના લોકો આ ખોડિયાર માતાજી પર અતૂટ શ્રદ્ધા ધરાવે છે.

અનેક રૂપે અવતરી, ભોમ ઉતરાણ ભાર,

આવી શક્તિ ઇશ્વરી, ખમકારી ખોડિયાર.

Khodiyar Temple

આ મંદિરમાં શ્રદ્ધા,સમર્પણ, કર્મ, ત્યાગ અને ભક્તિના ક્રમશઃ પગથિયાં ચઢીને માઁ ખોડીયારના ચરણે પહોંચી શકાય છે. અહીંયા માઁ ખોડીયારના મંદિર સાથે વિશાળ સત્સંગ હોલ તેમજ કુટિરનું પણ નિર્માણ થયું છે. આ સંત્સંગ હોલમાં સત્સંગ, માતાજીના બેઠાં ગરબા તેમજ ભજન-સંતવાણીનું આયોજન થાય છે. આ મંદિર અને માતાજીના પ્રાગટ્ય પાછળ એક અલૌકિક કથા જોડાયેલી છે…

ઘણાં સમય પહેલાની આ વાત છે. ખામધ્રોળ ગામના કોઈ વડવા જંગલમાં લાકડાં કાપવા જતાં હતાં. લાકડાં કાપવા જવાનો તેનો નિત્યક્રમ હતો. એક સમયે બન્યું એવું કે, તેઓ લાકડાં કાપીને ખુબજ થાકી ગયાં.ત્યારે તેઓએ ત્યાં જંગલમાં એક પથ્થરના ટેકે આરામ કરવાનું નક્કી કર્યું. તેઓ એક પથ્થરના ટેકે માથું રાખીને નિંદ્રાધીન થયાં, એ સમયે તેમને એક સ્વપ્ન આવ્યું. આ સ્વપ્નમાં તેમને સાક્ષાત માઁ ખોડીયારના દર્શન થયાં. ત્યારે માતાજીએ કહ્યું કે,”હે દીકરા, તું જે પથ્થર પર માથુંરાખીને સૂતો છે, એ પથ્થરમાં મારું સાક્ષાત સ્વરૂપ બિરાજીત છે. અહીંયા જંગલમાં હું અપૂજ છું, તું મને અહીંથી લઇ જા.મારે જ્યાં બેસવું હશે ત્યાં હું આપમેળે બિરાજમાન થઈ જઈશ.”

Khodiyar Temple

સ્વપ્ન પૂરું થતાં જ એ વડીલની આંખો ખુલી ગઈ, અને તેને લાગ્યું કે આ કોઈ સ્વપ્ન હશે કે કેમ! ત્યારે તેઓ જે પથ્થર ઉપર માથું રાખીને સૂતાં હતાં, તેને હાથમાં લઈને તેઓએ ઘર તરફ પ્રયાણ કર્યું. ચાલતા-ચાલતા રસ્તામાં એક વોંકળો આવ્યો. ત્યારે એ વડીલે પથ્થરને એક પવિત્ર જગ્યાએ મૂકી, તેઓ કોઈ કામ માટે ગયા. ફરી આવીને જોયું તો પથ્થર સ્વરૂપ માતાજી ત્યાં બિરાજીત થયેલા જોવાં મળ્યાં. આ પથ્થરમાંથી અપાર તેજ નીકળ્યું અને માતાજી બોલ્યા,”હું અહીં બિરાજમાન થઈ ગઈ છું, સુખી થા!” ત્યારે એ વડીલ માતાજીના ચરણે પડ્યાં અને માતાજી પર અતૂટ શ્રદ્ધા રાખીને તેઓએ તેમની સેવાપૂજા ચાલુ કરી.

સૌપ્રથમ તો અહીંયા માતાજીની નાની દેરી જ હતી, જે એક ઓટલા પર સ્થિત હતી. સમય જતાં સંવત માગશર સુદ પાંચમને શુક્રવારના રોજ અહીંયા માતાજીના મંદિરનો જીણોદ્ધાર કરવામાં આવ્યો અને માતાજીનું પ્રતિમા સ્વરૂપ સ્થાપિત કરવામાં આવ્યું.

અહીં દર વર્ષે આસો મહિનાની નવરાત્રીમાં આઠમના દિવસે માતાજીના હવનનું આયોજન થાય છે. ખાસ કરીને નવરાત્રી તથા દર રવિવાર અને મંગળવારે અહીંયા ભક્તોની ભીડ જામે છે. દર શુક્રવારેરાત્રે ભજન-સંતવાણીનું આયોજન થાય છે. નવરાત્રી દરમિયાન તથા બીજા શુભ દિવસોમાં બાળકોને બટુક ભોજન કરાવી માતાજીનો પ્રસાદ આપવામાં આવે છે.અહીં આવતા માઈ ભક્તો એમ કહે છે કે, જે કોઈ ભાવિક-ભક્તો સાચા હ્રદયભાવથી જો પ્રાર્થના કરે તો, તે અવશ્ય પરિપૂર્ણ થાય છે. ખામધ્રોળમાં બિરાજતા માઁ ખોડીયારના ચરણોમાં કોટિ કોટિ વંદન…

આ ચૈત્રી નવરાત્રીના નવે નોરતા દરમિયાન આપણે જૂનાગઢમાં આવેલા વિવિધ શક્તિધામોની શાબ્દિક યાત્રા કરી, નવદુર્ગાનાં આશીર્વાદ પ્રાપ્ત કર્યા. ગઇકાલ તથા આગળના દિવસોના આર્ટીકલ વાંચવા નીચેની લિન્ક પર ક્લિક કરો અને જોડાયેલા રહો AapduJunagadh સાથે…

આભાર: નરેશભાઇ વ્યાસ

સૌને જય માતાજી…

Author: Sumit Jani(શિવાય) #TeamAapduJunagadh

Also Read : Himjamata Temple : હિમાલયનાં દીકરી અને પાર્વતી સ્વરૂપ: માઁ હિમજા