Junagadh Save Water : જુનાગઢ સહીત રાજ્યના મોટાભાગના શહેરો તેમજ નાના ગામોમાં પાણીની કારમી તંગી ઉભી થઇ છે. અનેક લોકો પીવાના પાણી માટે ભટકી રહ્યા છે, ત્યારે જુનાગઢના નાગરવાડામાં આજે પણ ભૂગર્ભ પાણીનાં ટાકા જીવંત હોવાથી આ વિસ્તારના લોકોને પાણીની ખેંચ પડતી નથી.
જુનાગઢના નાગર સમાજનો એક અનેરો ઈતિહાસ છે, તેના મકાનોની બાંધણી અને તેઓએ પોતાના ઘરમાં બનાવેલા ભૂગર્ભ ટાંકાની વાત જ કઇંક જુદી છે. આજે પણ નાગર સમાજના દરેક ઘરમાં ભૂગર્ભ ટાંકા જોવા મળે છે, જે વરસાદી પાણીથી ભરવામાં આવે છે અને આ ટાકામાંથી પાણી લેવા માટે આજે પણ જૂની પદ્ધતિ જોવા મળે છે. ગરેડી સાથે દોરડું બાંધી પોતાના ઘરમાં રહેલ પાણીના ટાંકામાંથી પાણી સિંચે છે અને બારેમાસ આ પાણીનો ઉપયોગ કરે છે.
આજે જળ સંચય માટે સરકાર જુદી જુદી યોજનાઓ અમલમાં મૂકી રહી છે, ત્યારે શહેરના નાગરવાડામાં વસવાટ કરતા નાગર સમાજના વડીલોનું કહેવું છે કે, આ ભૂગર્ભ ટાંકાનું બાંધકામ નવાબીકાળમાં થયું હતું. તેઓનું કહેવું છે કે, અંદાજિત ૧૦૦ વર્ષથી તેઓ અહિયાં વસવાટ કરે છે. તેઓના મોટા ભાગના ઘરોમાં પાણીના ભૂગર્ભ ટાંકા જોવા મળે છે.
નાગર સમાજમાં ભૂગર્ભ ટાંકા વર્ષોથી જોવા મળી રહ્યા છે, જે પેઢી દર પેઢી જીવંત રાખવામાં આવે છે. પહેલા વરસાદે અગાસી ધોઈ, ત્યારબાદ પાઈપ વડે પાણી ભૂર્ગભમાં ઉતારવામાં આવે છે અને આખું વર્ષ તે પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. ભૂગર્ભના પાણીથી રસોઈ પણ ખુબજ સરસ બને છે અને અન્ય ઘર કામોમાં પણ આ પાણી ખુબજ ઉપયોગી થાય છે. નાગર સમાજના વડીલોએ તેમના વંશજોને પાણી સંચયનો વારસો આપ્યો છે, તે પેઢીદર પેઢી જળવાતો આવે છે.
વર્ષો પહેલા વડીલોને જળનું મહત્વ સમજાયું હતું અને તે સમયે તેમણે જળ સંચયનો અભિગમ અપનાવ્યો હતો. જેને કારણે આજે પણ જુનાગઢના ઘણા ખરા ઘરોમાં ભૂર્ગભ ટાંકા જોવા મળે છે, જેને લઇ પાણીની સમસ્યા ઉદભવતી નથી સાથે હાલના સમયમાં પાણી ખુટતું જાય છે ત્યારે આ ટાંકા જળ સંચયનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.
જો આપના ઘરે કે રહેણાંક વિસ્તારમાં જળ સંચય માટે આ પ્રકારના ભૂગર્ભ ટાંકા બનાવવામાં આવ્યા હોય તો, તેની તસ્વીર અને માહિતી અહિયાં નીચે કોમેન્ટ બોક્સમાં શેર કરી શકો છો…
જળ છે તો કાલ છે, બાકી હાલત બેહાલ છે…
અમે પણ જૂનાગઢને એટલો જ પ્રેમ કરીએ છીએ જેટલો તમે! જૂનાગઢ પ્રત્યેના આ પ્રેમને વધુ ગાઢ બનાવવા Aapdu Junagadh આપને જરૂરથી ઉપયોગી થશે. આ એક એવું માધ્યમ છે, જેના દ્વારા તમે આપણાં જૂનાગઢમાં બનતી રોજબરોજની સકારાત્મક ઘટનાઓ, નગરજનોને ઉપયોગી માહિતી, જૂનાગઢ શહેર અને તેની આજુબાજુ આવેલા સ્થળો, ધાર્મિકતા, ઐતિહાસિક સ્મારકો, વ્યક્તિ વિશેષ વિશેની માહિતી મેળવી શકશો. જો તમને ઉપરનો લેખ ગમ્યો હોય તો, શેર કરીને વધુને વધુ લોકો સુધી પહોંચાડો તથા તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્સમાં જણાવો.
જો આપની પાસે જૂનાગઢ વિશેની વિશેષ માહિતી હોય તો અમારા સુધી ઇમેઈલ દ્વારા પહોંચાડી શકો છો.
Email Id: aapdujunagadh@gmail.com
Also Read : જૂનાગઢમાં આવેલી બે સરકારી લાઇબ્રેરીઓ વિશે આટલું તો જાણવું જ જોઈએ…