જૂનાગઢની બજારમાં આવ્યા ઓર્ગેનિક રંગો, ધાણી, દાળિયા, ખજૂરની ધૂમ ખરીદી

દુ:ખ, આધિ, વ્યાધિ, ઉપાધિ જેવા સંતાપને હોલિકાના તાપમાં બાળીને અનેકવિધ રંગે રંગવાનો અને રંગાવાનો તહેવાર એટલે ધૂળેટી. ધૂળેટીનો તહેવાર શહેરને રંગીન બનાવી દે છે. શહેરીજનોના મોઢે એકજ વાત સાંભળવા મળે કે,‘બુરા ન માનો હોલી હૈ’. આ તહેવાર આવતાંની સાથે જ બજારમાં અનેક કલર, વિવિધ ભાતની પિચકારીઓ, ધાણી, ખજૂર, દાળિયાનું ધૂમ ખરીદ-વેંચાણ થાય છે. ખાસ કરીને બાળકો અને યુવાનોમાં આ તહેવારનો ઉત્સાહ વધુ જોવા મળે છે.

આપણાં જૂનાગઢ શહેરમાં ઠેર ઠેર આ તહેવારને વધાવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. બજારો રંગો અને પિચકારીઓથી સજ્જ જોવા મળી રહી છે. દાળિયા, ધાણી અને ખજૂરની આવક થઈ ગઈ છે. આગામી 20, માર્ચને બુધવારે હોળી તેમજ 21, માર્ચને ગુરુવારે ધૂળેટીનો તહેવાર આવી રહ્યો છે. આ તહેવારને લઈને લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકો હોંશે હોંશે ખરીદીમાં લાગી ગયા છે. જૂનાગઢની બજારમાં 10 રૂપિયાથી લઈને 500 રૂપિયા ઉપરની કિંમતની પિચકારીઓ ઉપલબ્ધ થઈ ગઈ છે. 3 લિટર થી 5 લિટર પાણી સમાઈ શકે તેવી ગન, પાણીના ફુગ્ગા વગેરેની ભારે માંગ જોવા મળી રહી છે.

વેપારીઓના જણાવ્યા મુજબ આ વખતે કેમિકલથી મુક્ત 9 પ્રકારના ઓર્ગેનિક કલર પણ આવ્યા છે, જેથી આ કલરનું પાણી આંખમાં કે મોઢામાં જાય તો પણ નુક્સાન થતું નથી. તે ચામડીને પણ નુક્સાન કરતાં નથી. બાળકો માટે વિવિધ પ્રકારની પિચકારીઓમાંની બેગવાળી પિચકારી આકર્ષણનું કેન્દ્ર બની રહી છે, જ્યારે આંખો પર પહેરેલા ચશ્મામાંથી પાણી છોડતી પિચકારી પણ બાળકોની ફેવરિટ બની છે. આ ઉપરાંત જાતજાતના મ્હોરા પણ આકર્ષણ જમાવી રહ્યા છે.

આ ઉપરાંત બજારમાં જોવા મળતી ખરીદીમાં ધાણી, દાળિયા, પતાસા, ખજૂર, હારડાની પણ લોકો ખૂબ ખરીદી કરી રહ્યા છે, આગામી દિવસમાં હજુ આ ખરીદી જોર પકડશે તેવું વેપારીવર્ગનું માનવું છે. તો તમે પણ કરો ખરીદી અને ઉજવો હેપી એન્ડ સેફ હોલી…

#TeamAapduJunagadh