Junagadh News : જૂનાગઢ જિલ્લામાં ખેતીપાકમાં હેક્ટરદીઠ રૂ.6800 અને બાગાયતમાં રૂ.18 હજાર વળતર ચૂકવાશે નુકસાન સાપેક્ષે નજીવું વળતર મળતા ખેડૂતોમાં નારાજગી વ્યાપી!
- ચોમાસાની સિઝનમાં અનરાધાર વરસાદના કારણે જૂનાગઢ જિલ્લાના ખેતીપાકમાં ભારે નુકસાન થયું હતું; જેને લઈને જિલ્લાની કુલ 3.29 લાખ હેક્ટર જમીનમાં પાક નુકસાનીનો સર્વે કરવામાં આવ્યો હતો.
- જેમાંથી 63,774 હેક્ટર જમીનમાં 33% થી વધુ નુકસાન થયું હોવાનો ખેતીવાડી વિભાગ દ્વારા સરકારમાં રિપોર્ટ કરવામાં આવ્યો હતો.
- આ સર્વે મુજબ જૂનાગઢ જિલ્લાના કુલ 55,035 ખેડૂતોને સહાય ચૂકવવા મંજૂરી આપવામાં આવી હતી; જેમાં ખેડૂતદીઠ વધુમાં વધુ બે હેક્ટર નુકસાનની સહાય ચૂકવવામાં આવશે.
- ખેતીપાકમાં હેક્ટરદીઠ રૂ.6800 અને બાગાયતી પાકમાં રૂ.18000 લેખે સહાય ચૂકવવામાં આવશે.
- જૂનાગઢ જિલ્લાના 55,035 ખેડૂતોને સરકાર દ્વારા રૂ.43.56 કરોડની સહાય ચૂકવવાની તજવીજ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે, જેમાં 33% થી વધુ નુક્સાનનો ભોગ બનેલ ખેડૂતોને ફોર્મ ભરી તેને સહાય ચૂકવવામાં આવશે.
- અત્રે નોંધનીય છે કે; જૂનાગઢ જિલ્લામાં 4 લાખથી વધુ ખેડૂતો છે, જેમાંથી સરકારી ચોપડે માત્ર 55,035 ખેડૂતો જ નુકસાનીનો ભોગ બન્યા છે! તે સિવાયના ખેડૂતોને કોઈ સહાય મળશે નહિ!
- ખેડૂતોના જણાવ્યા મુજબ; સરકાર નુકસાન વળતર માટે જે રકમ આપશે તે નુકસાન સાપેક્ષે ખૂબ જ મામૂલી છે!