Junagadh News : ગિરનારની ગોદમાં વર્ષ 1979ની કાર્યરત પંડિત દિનદયાળ પર્વતાહોરણ તાલીમ કેન્દ્રમાં અત્યાર સુધીમાં 33965 લોકોએ ખડક ચઢાણનું પ્રશિક્ષણ મેળવ્યું.
- જૂનાગઢ ભવનાથમાં કાર્યરત પંડિત દિનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્રમાં આવતા તાલીમાર્થીઓને સાહસિકતા, આત્મવિશ્વાસ, સ્વયં શિસ્ત જેવા ગુણોનો વિકાસ થવાની સાથે પ્રકૃતિના ખોળે જીવન ઘડતરના નવા પાઠ શીખવા મળે છે.
- અહીં ગુજરાત સહિત દેશના મોટાભાગના રાજ્યોમાંથી વિદ્યાર્થીઓ, યુવાઓ તાલીમ લેવા માટે આવે છે.
- ગિરનારની ગોદમાં છેલ્લા 45 વર્ષથી એટલે કે વર્ષ 1979 કાર્યરત આ કેન્દ્રમાં અત્યાર સુધીમાં ગુજરાત સહિત દેશભરના 14 થી 45 વર્ષના લોકો માટેના બેઝિક રોક ક્લાઈમ્બિંગના 10 દિવસના કોર્સમાં 5293 ગર્લ્સ/મહિલાઓ સહિત 23480 લોકોએ ખડક ચઢાણની પ્રાથમિક તાલીમ મેળવી છે.
- આ ઉપરાંત 8 થી 13 વર્ષના બાળકો માટેના 7 દિવસના એડવેન્ચર કોર્સમાં પણ 2513 ગર્લ્સ સહિત 10485 બાળકો પર્વતારોહણની તાલીમ લઈ ચૂક્યા છે.
- ઉપરાંત 3231 જેટલા ઈન્સ્ટ્રક્ટર્સ પણ પર્વતારોહણ તાલીમમાં ભાગ લઈ ચૂક્યા છે.
- અહીં તાલીમકેન્દ્રમાં જુદી-જુદી વય જૂથના લોકો માટેના કોર્સ દ્વારા ખાસ કરીને યુવક-યુવતીઓ સાહસવીર અને શારીરિક રીતે ખડતલ-મજબૂત બને, સાથોસાથ તેઓ પ્રકૃતિ અને વન્ય જીવસૃષ્ટિને જાણે અને તેના સંરક્ષણ માટેની એક ભાવના કેળવાય તેવું પ્રશિક્ષણ તાલીમાર્થીઓને આપવામાં આવે છે.
- ખાસ કરીને ગિરનાર પર્વતમાળાની લક્ષ્મણ ટેકરી અને જોગણીયા ડુંગર પર આ તાલીમાર્થીઓને રોક ક્લાઈમિંગ અને રેપ્લિંગની તાલીમ આપવામાં આવે છે, ઉપરાંત કેવિંગ, ટ્રેકિંગ ઈન ફોરેસ્ટ એરિયા, રિવર ક્રોસિંગ જેવી બાબતોને પણ આ તાલીમ સાથે વણી લેવામાં આવે છે.
- આમ, સમગ્ર તાલીમ દરમિયાન તાલીમાર્થીઓનું પ્રકૃતિ સાથે એક તાદાત્મ્ય પણ સર્જાય છે, આ સાથે પર્વતારોહણનું થિયરીકલ જ્ઞાન પણ તાલીમાર્થીઓને આપવામાં આવે છે.