Junagadh News : સાસણમાં માલધારીઓના આર્થિક ઉત્કર્ષ માટે વર્કશોપ યોજાયો; દૂધનું મૂલ્યવર્ધન કરવા અને દૂધ બનાવટોને બ્રાન્ડ તરીકે પ્રસ્થાપિત કરવા માટે માર્ગદર્શન અપાયું.
- ગીર સાથે જેમનો કાયમી નાતો છે; તેવા માલધારીઓના આર્થિક ઉત્કર્ષ માટે અને વન્ય પ્રાણીઓના સંવર્ધન માટે ગીર પશ્ચિમ વન વિભાગ દ્વારા સાસણ ખાતે એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.
- આ આયોજનનો મુખ્ય હેતુ એ હતો કે; માલધારીઓના પશુઓની દૂધ ઉત્પાદકતા વધે અને તેમના પશુઓમાં આવતા જુદાજુદા રોગોને અટકાવી શકાય; તે માટે પશુપાલકોને માર્ગદર્શન આપવાનો હતો!
- વન્યપ્રાણી સપ્તાહ અંતર્ગત આયોજિત સ્કિલ અપ ગ્રેડેશનના આ વર્કશોપમાં પશુપાલન સાથે જોડાયેલા માલધારીઓને મૂલ્યવર્ધન માટે અને પોતાના ઉત્પાદનોને એક બ્રાન્ડ તરીકે પ્રસ્થાપિત કરવા માટે નિષ્ણાતોએ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
- આ ઉપરાંત દૂધ ઉત્પાદન વધારવા માટે પશુ માવજત, પશુઓનો ખોરાક વગેરે પશુ સંવર્ધનની બાબતોને વણી લઈને માલધારીઓ માટે ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું; પશુઓમાં આવતા જુદા-જુદા રોગોના અટકાવ તથા નિયંત્રણ માટે વિગતવાર જાણકારી આપી હતી.
- એટલું જ નહિ; ગીરના માલધારીઓ માત્ર દૂધનું વેચાણ કરવાને બદલે, જો તેનું મૂલ્યવર્ધન કરીને પેંડા, પનીર, માવો વગેરે બનાવીને વેંચાણ કરે તો મોટી આવક મેળવી શકે; આ માટે વન વિભાગના સહયોગ સાથે માલધારીઓને જરૂરી તાલીમ આપવાની સાથે જરૂરી ટેક્નોલોજી માટે પૂરતી મદદ કરવા માટે તૈયારી દર્શાવી હતી.
- આ તકે માલધારીઓને ગાયના છાણમાંથી બનતી વિવિધ ચીજ-વસ્તુઓની જાણકારી આપવામાં આવી હતી, જેથી માલધારીઓ આવકનો વધુ એક સ્ત્રોત ઊભો કરી શકે! આ માટે રસ ધરાવતા લોકોને આગામી સમયમાં અલગથી તાલીમ પણ આપવામાં આવશે.
- આમ, ગીરના માલધારીઓની આવક અને સમૃદ્ધિમાં વધારો થાય તે માટે આ કાર્ય શાળાનું આયોજન કરવામાં આવ્યું છે.
- આ કાર્યશાળામાં વન વિભાગના અધિકારીઓ અને માલધારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Also Read : World Vegetarian Day