Junagadh news : ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા આગામી તા.4-5 જાન્યુઆરીએ “અવસર પંચમ” યુવક મહોત્સવ યોજાશે; 750 વિદ્યાર્થીઓ ભાગ લેશે.
- વિદ્યાર્થીઓમાં કલા, સંસ્કૃતિ અને સર્જનાત્મકતા ઉજાગર થાય તે હેતુથી ‘વસુધૈવ કુટુમ્બકમ’ની થીમ હેઠળ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢ તેમજ બ્રહ્મચારીશ્રી ભગવતીનંદજી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત બ્રહ્માનંદ કોલેજ ઓફ નર્સિંગ, ચાપરડાના સયુંકત ઉપક્રમે આગામી તા.4 અને 5 જાન્યુઆરી, 2024ના રોજ “અવસર-પંચમ” ના શીર્ષક હેઠળ ભવ્ય-રંગારંગ પાંચમો યુવક મહોત્સવ યોજાનાર છે.
- આ યુવક મહોત્સવમાં સંગીત, ભજન, સમૂહગીત, લોકગીત, દુહા-છંદ, નરસિંહ મહેતા પદગાન, ક્વીઝ, વક્તૃત્વ સ્પર્ધા, ડીબેટ, તત્કાલ ચિત્રકળા, રંગોળી, કાર્ટુનીંગ, કોલાજ, ક્લે મોડલીંગ, પોસ્ટરમેકીંગ, તત્કાલ છબિકલા, મહેંદી, પ્રાચીન રાસ, લોકનૃત્ય, આદિવાસી નૃત્ય, શાસ્ત્રીય નૃત્ય, એકાંકી, લઘુ નાટક, મિમિક્રી, મૂક અભિનય સહિતની વિવિધ 31 જેટલી સ્પર્ધાઓમાં 38 કોલેજોના આશરે 750 જેટલા વિદ્યાર્થીઓ પોતાનું કૌવત ઝળકાવશે.
- યુવક મહોત્સવના ઉદ્ઘાટન સમારોહના દિવસે અલગ-અલગ થીમ તથા આકર્ષક-પચરંગી ફ્લોટ્સ ધરાવતી વિશાળ કલાયાત્રા પણ નીકળશે.
- આ કલાયાત્રામાં ભારતનો ભવ્ય સાંસ્કૃતિક વારસો તથા સમાજોપયોગી અલગ અલગ થીમને ઉજાગર કરવામાં આવશે.
- કલાયાત્રામાં મહાનુભાવો, શિક્ષણવિદો, વિદ્યાર્થીઓ વિગેરે મોટી સંખ્યામાં જોડાશે.
- આગામી તા.૦4 જાન્યુઆરી, 2024 ગુરુવારના રોજ સવારે 10 કલાકે ગુજરાતના રાજ્ય કક્ષાના શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાના વરદહસ્તે આ યુવક મહોત્સવનું ઉદ્ઘાટન કરવામાં આવશે.