જૂનાગઢ શહેરનો એકમાત્ર કોરોના પોઝીટીવ દર્દી આજ તા.19મી મેના રોજ ડિસ્ચાર્જ થયો.

ટુક સમય પહેલા ગુજરાતમાં માત્ર જૂનાગઢ અને અમરેલી એ બે જિલ્લાઓમાં જ કોરોના વાઇરસ પ્રવેશ્યો ન હતો, પરંતુ જૂનાગઢમાં ગત તા.5મી મેના રોજથી કોરોના વાયરસની એન્ટ્રી થઈ હતી. ભેંસાણ ખાતેના CHC સેન્ટરમાં ફરજ બજાવતા 2 આરોગ્ય કર્મીઓને કોરોનાનો ચેપ લાગ્યો હતો. ત્યારબાદ આ સિલસિલો યથાવત રહેતા આજ તા.19મી મેના રોજ જૂનાગઢમાં કુલ 11 કોરોના પોઝીટીવ દર્દીઓ નોંધાયા છે.

જો કે આ જંગમાં કોરોનાની સામે જૂનાગઢ એક સફળતાપૂર્વકની લડાઈ આપી રહ્યું છે. એટલે કે, જિલ્લામાં પ્રથમ નોંધાયેલા બંને કોરોના પોઝીટીવ દર્દીઓ ગત તા.11મી મેના રોજ જ કોરોના સામે જીત મેળવીને પોતાના ઘરે પરત ફર્યા હતા. ત્યારબાદ આજ તા.19મી મેના રોજ ફરી 2 કોરોના વાઇરસના દર્દીઓ કોરોના સામેનો જંગ જીતવામાં સફળ રહ્યા છે.

જૂનાગઢના વોર્ડ નંબર-13 એટલે કે મધુરમમાં રહેતો 23 વર્ષીય યુવાન આજે સિવિલ હોસ્પિટલ ખાતેથી ડિસ્ચાર્જ કરવામાં આવેલ છે. સાથે જ જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતેના સેફટી કવોરંટાઇનમાં રાખવામાં આવેલ યુવાનને પણ કોરોના પોઝીટીવ આવતા જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં લઈ આવ્યા હતા. તેમને પણ આજે સિવિલ હોસ્પિટલ ખાતેથી રજા આપવામાં આવેલ છે.

આમ, જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં યોગ્ય સારવાર મેળવીને 14 દિવસના ટૂંકાગાળામાં કુલ 11માંથી 4 દર્દીઓએ કોરોના સામે જીત મેળવી છે. જે ખરેખર ખૂબ રાહતના સમાચાર છે. આ રીતે જોઈએ તો જૂનાગઢ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ કેસના 37% લોકોએ તો કોરોનાને હરાવી દીધો છે.