જૂનાગઢ : ખામધ્રોળમાં ખેતી કામ કરતા નારણભાઇ માવદીયાની બે પુત્રીઓ સ્પોર્ટસ ક્ષેત્રે પોતાનું નામ ઉંચુ કરી રહી છે, સાધારણ સાધનોની મદદથી આ બહેનો સતત સંઘર્ષ કરી રહી છે. સ્પોર્ટમાં સાયકલીંગ ક્ષેત્ર આગળ વધવા માંગતી માવદીયા કાજલ અને અલ્કા રોજ 60 કિ.મી.થી વધુ સાયકલ ચલાવે છે. બંને બહેનોએ અનેક મેડલ અને ટ્રોફીઓ મેળવી છે ત્યારે અલ્કાબેન માવદીયાને સાયકલ એસોસિએશન જિલ્લા જૂનાગઢ દ્વારા સ્વ.પ્રતિક વિજય ટ્રોફી એનાયત કરવામાં આવી છે. અલ્કાબેને રાજ્યકક્ષાએ મેડલ મેળવ્યા છે જયારે જિલ્લા અને તાલુકા કક્ષાએ અસંખ્ય મેડલ મેળવ્યાં છે. બંને બહેનોએ જણાવ્યુ હતું કે પ્રથમ વખત સાદી સાયકલથી સાયકલ સ્પર્ધામાં જોડાયા હતા. કારણ કે સ્પોર્ટની સાયકલ ખરીદવાનાં પૈસા ન હતા. આજે પણ જુદી-જુદી સ્પર્ધામાં ભાગ લેવા માટે સારી સાયકલ શોધવી પડે છે. અમે રોજે 60 કિ.મી.થી વધારે સાયકલ ચલાવીએ છીએ. મહાનગર પાલિકા દ્વારા સાયકલ આપવામાં આવી હતી. પરંતુ આ સાયકલ જયારે સ્પર્ધા હોય ત્યારે ઉપયોગમાં લઇ જવા કહ્યુ હતું. હાલ આ સાયકલ મહાનગરપાલિકા પાસે જ છે.
સ્વ.પ્રતિક વિજય ટ્રોફી શું છે?
કેરળમાં સાયકલ સ્પર્ધા યોજાઇ હતી જેમાં જૂનાગઢનાં પ્રતિક અને વિજયે ભાગ લીધો હતો પરંતુ અકસ્માતમાં તેમનાં મોત થયા હતા. ત્યારબાદ સાયકલીંગ એસોસિએશન જિલ્લા જૂનાગઢ દ્વારા સારી સિદ્ઘી મેળવનાર સાયકલ સ્પર્ધકને સ્વ.પ્રતિક વિજય ટ્રોફી એનાયત કરવામાં આવે છે.
માવદીયા અલ્કા પહેલા આ ટ્રોફી 2013માં ચૌહાણ ઉષા, ડાંગર ભારતી, પારધી જગદીશ, ચાવડા નયનને આપવામાં આવી હતી. આ બંને બહેનોએ પ્રાથમિક શિક્ષણ ખામધ્રોળ પ્રાથમિક શાળામાં મેળવ્યુ હતું. 26મી જાન્યુઆરીનાં તેમને હેલ્મેટ આપી સન્માન કરવામાં આવ્યુ હતું. આ તકે શાળાનાં આચાર્ય દક્ષાબેન રેણુકા અને સ્ટાફ હાજર રહ્યો હતો.
Also Read : ભારતમાં છેલ્લા 24 કલાકમાં 3,800થી વધુ કોરોના કેસ નોંધાતા આજે તા.5મી મે, 8:30PM સુધીમાં ટોટલ આટલા કેસ થયા…