“વટ સાવિત્રી વ્રત” પૂજન-અર્ચન, મહાત્મ્ય અને દંતકથા

ભારતીય સંસ્કૃતિ કમાલ છે, બેમિસાલ છે! આપણી સંસ્કૃતિની વાત જ કંઈક અનોખી છે. આપણા લોકો, આપણા રીતિ-રિવાજો અને દરેક વ્રત સાથે જોડાયેલી દંતકથાઓ ભારતીય સંસ્કૃતિની એક આગવી ઓળખ છે. આજે આપણે એક એવા જ વ્રત વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, તે વ્રત છે “વટ સાવિત્રી વ્રત”…
પતિના દીર્ઘ આયુષ્ય માટે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે, ચાલો જાણીએ આ વ્રત સાથે જોડાયેલી દંતકથા અને મહાત્મ્ય…

 પૂજન-અર્ચન:

જેઠ મહિનાની અજવાળી અગિયારસ થી પૂનમ સુધી આ વ્રત કરવામાં આવે છે. અજવાળી તેરસ થી પણ આ વ્રત શરૂ કરી શકાય. વ્રત કરનાર પૂર્ણ શ્રદ્ધાથી ફળાહાર કરે છે. ચાર દિવસ અબીલ-ગુલાલ, કંકુ-અક્ષત તેમજ ફૂલોથી વડલાની પૂજા કરે છે. પાંચમા દિવસે વડને જળ અર્પણ કરે છે. સૂતરનો દોરો લઈ વડની પ્રદક્ષિણા કરી પોતાના પતિના સો વર્ષના આયુષ્ય માટે પ્રાર્થના કરે છે. તેમજ વડની પૂજા કર્યા પછી સતી સાવિત્રીની વાર્તા વાંચે છે. પૂનમના દિવસે આ વ્રત પૂર્ણ થયા પછી સૌભાગ્યવતી સ્ત્રી પારણાં કરે છે.

મહાત્મ્ય:

પૌરાણિક કથા અનુસાર, આ દિવસે સાવિત્રી યમરાજ પાસેથી પતિ સત્યવાનના પ્રાણ પાછા લઈ આવે છે, તેથી સાવિત્રીની જેમ અખંડ સૌભાગ્ય પ્રાપ્ત કરવા સ્ત્રીઓ પૂર્ણ શ્રદ્ધાથી આ વ્રત કરે છે.
કહેવાય છે કે, વડના વૃક્ષમાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ત્રણેય દેવો વાસ કરે છે. વડની છાલમાં વિષ્ણુ ભગવાન, થડમાં બ્રહ્માજી તેમજ ડાળીઓમાં શિવજી વાસ કરે છે, તેથી આ વૃક્ષની પૂજા કરવાથી ત્રણેય દેવોની કૃપાથી સ્ત્રીઓ અખંડ સૌભાગ્ય પ્રાપ્ત કરે છે.

વાર્તા:

સતયુગમાં ચંદ્ર દેશમાં અશ્વપતિ નામે એક રાજા રાજ કરતો હતો. તે ઘણો પરાક્રમી, સદગુણી, સહનશીલ, ક્ષમાવાન તેમજ મહાદાની હતો. તેની પત્નીનું નામ માલવી હતું. રાજા-રાણી સર્વ રીતે સુખી હતા, પરંતુ સૃષ્ટિમાં સંપૂર્ણ સુખી કોઈ નથી. રાજા વૃદ્ધ થવા આવ્યો,પરંતુ સંતાન સુખ પ્રાપ્ત થયું ન હતું, તેથી તેઓ બંને દુઃખી હતા.
રાણીએ ઘણા ઉપવાસ કર્યા, યજ્ઞ પણ કર્યા પણ કંઈ વળ્યું નહીં. એક દિવસ મહર્ષિ અત્રિએ રાજાને સલાહ આપી,’હે રાજા! પુત્ર પ્રાપ્તિ માટે બ્રહ્માની પ્રિય પત્ની દેવી વિધાતા સાવિત્રીદેવીની ઉપસના કરો, તેથી બ્રહ્મા પ્રસન્ન થઈ પોતાનું વિધાન બદલશે.’
રાજા રાજ છોડી પુષ્કર તીર્થ ગયા અને અઢાર વર્ષ સાવિત્રી દેવીનું તપ કર્યું. રોજ એક લાખ મંત્ર વડે આહુતિ આપતો, સૂર્યાસ્ત થયે કંદમૂળનો આહાર કરતો. અઢાર વર્ષે દેવી પ્રસન્ન થઈ કહેવા લાગ્યા,’’હે રાજા! તારા ભાગ્યમાં સંતાન નથી, પણ તે મને પ્રસન્ન કરી છે, તેથી તું સો પુત્રની ગરજ સારે તેવી પુત્રીનો પિતા બનીશ.’

દેવીના આશીર્વાદથી રાજા-રાણીના ઘેર એક સુલક્ષણી કન્યાનો જન્મ થયો. આખા દેશમાં આનંદ વ્યાપી ગયો. એ બાલિકાનું નામ “સાવિત્રી” રખાયું.
જેમ જેમ વર્ષો વીતતાં ગયાં, તેમ તેમ કન્યાનું રૂપ, લાવણ્ય પણ વધતું ગયું. દેવી જેવું રૂપ ધરાવતી સાવિત્રી સૂર્યોદયથી માંડીને શયનકાળ સુધી વ્રત-પૂજા, શાસ્ત્ર-પાઠ અને માતા-પિતાની સેવામાં જ મગ્ન રહેતી.
સાવિત્રી પૂર્ણ યૌવના થઈ તો પણ માંગુ ન આવતા, રાજાએ પુત્રીને દેશાટન કરી યોગ્ય વરને પરણવાની રજા આપી. સાવિત્રી રથ લઈને નીકળી અને વનમાં આશ્રમ બાંધીને રહેતાં ધુમતસેન રાજાના પુત્ર સત્યવાનને પસંદ કર્યો.
સત્યવાનને વરવાનો સંકલ્પ કરી સાવિત્રી પાછી ફરી ત્યારે દેવર્ષિ નારદ અશ્વપતિ સાથે જ્ઞાન ગોષ્ઠિ કરતા હતા. સાવિત્રીએ સત્યવાનને પસંદ કર્યો છે, એ જાણી નારદ પણ સત્યવાનની પ્રશંસા કરવા લાગ્યા. છેલ્લે બોલ્યા,’સત્યવાન તેજસ્વી, બુદ્ધિમાન અને સત્ચરિત્ર હોવા છતાં તેનામાં એક એવો મોટો દોષ છે કે, બધાં ગુણને ઢાંકી દે છે. એ બહુ જ અલ્પાયુષી છે. આજથી બરાબર એક વર્ષે એ કાળના મુખમાં સપડાશે.’

આ સાંભળી રાજા-રાણી હેબતાઈને સાવિત્રીને સમજાવવા લાગ્યા પણ સાવિત્રી બોલી,’હે તાત! હું સત્યવાનને વરી ચુકી છું. મારો નિર્ધાર દ્રઢ છે. હું તેને જ પરણીશ.’
પુત્રીની મક્કમતા જોઈ રાજા પરાણે પરાણે ધુમતસેનના આશ્રમે ગયા અને આ વિવાહ અંગે વાત કરી, ત્યારે ધુમતસેન કહેવા લાગ્યા,’હે રાજન! આ અંધની મશ્કરી ન કરો. હું રાજપાટ ખોઈ બેઠો છું. સગા હાથે દીકરીને કૂવામાં ન નાખો.’
ત્યારે રાજાએ પુત્રીની હઠની વાત કરી, આ વિવાહ સ્વીકાર કરવા કહ્યું.
શુભ મુહૂર્તમાં સાવિત્રી અને સત્યવાનના ધામધૂમથી લગ્ન થયા. રાજા-રાણીએ કન્યાદાન દીધું, પરંતુ દીકરી એક વર્ષમાં વિધવા થશે એ વિચાર રાજા-રાણીને કોરી ખાતો હતો.

સાવિત્રીએ નારદજી મુખે પતિના અલ્પાયુષની વાત સાંભળી એ દિવસથી જ સાવિત્રીએ વટ સાવિત્રી વ્રત શરૂ કરી દીધું હતું. લગ્નને એક વર્ષ થયું. સત્યવાનનો મૃત્યુ દિવસ આવ્યો. તે જંગલમાં લાકડા કાપવા જઈ રહ્યો હતો, ત્યારે સાવિત્રી પણ જીદ કરીને સાથે ગઈ.
જંગલમાં સત્યવાનને પીડા ઉપડી અને એ જમીન પર ઢળી પડ્યો. પતિનું માથું ખોળામાં લઈ સાવિત્રી વિલાપ કરવા લાગી. એટલામાં જ યમરાજ આવ્યા અને કહેવા લાગ્યા,’હે પુત્રી! હું યમ છું. તારા પતિનું આયુષ્ય પૂર્ણ થયું છે. તારો પતિ સત્ચરિત્ર વાન, સાચું બોલનારો અને બુદ્ધિમાન છે. તેથી હું પોતે જ તેને લેવા આવ્યો છું.’
યમરાજે સત્યવાનના પ્રાણ ખેંચી લીધા. સાવિત્રી યમ પાછળ જવા લાગી. ત્યારે યમરાજ કહેવા લાગ્યા,’દીકરી! પાછળ આવવું વ્યર્થ છે. વિધિના લેખ કોઈ કાળે મિથ્યા થતાં નથી. તારા પતિનું આયુષ્ય પૂર્ણ થયું છે, માટે પાછી જા.’

ત્યારે સાવિત્રી બોલી,’હું એક પતિવ્રતા સ્ત્રી છું. જ્યાં મારા પતિ જશે ત્યાં હું તેમની સાથે જ જઈશ. મારી પાસે મારા પતિવ્રતા ધર્મનું બળ અને મેં કરેલ વ્રતોની શક્તિ છે. મને કોઈ અટકાવી નહીં શકે. વળી શાસ્ત્ર પ્રમાણે હું તમારી સાથે સાત ડગલાં ચાલી તેથી મિત્રભાવ સ્થાપિત થયો. મિત્રભાવે મારી પ્રાર્થના છે કે, પત્નીને પતિથી અળગી કરી મારા પતિવ્રતા ધર્મનો ભંગ ન કરો.’
સાવિત્રીના જ્ઞાનથી પ્રભાવિત થઈ યમરાજ કહેવા લાગ્યા,’પુત્રી! તારા ધર્મજ્ઞાનથી પ્રભાવિત થઈ હું તને વરદાન આપું છું કે, તારા પતિના પ્રાણ સિવાય જે જોઈએ તે માંગી લે.’
‘હે યમરાજ! મારા પર પ્રસન્ન થયા હો તો, મારા અંધ સસરાને તેજસ્વી આંખો આપો.’ – સાવિત્રી બોલી.
‘તથાસ્તુઃ હવે પાછી વળ.’ – યમરાજે કહ્યું.
‘પત્ની તો પતિનો પડછાયો છે. મારાથી પાછું ન વળાય. જ્યાં પતિ ત્યાં સતિ એ જ નારી ધર્મ છે. વળી તમે તો મહાપુરુષ છો, જ્ઞાની છો. શું તમારો સંગ નિષ્ફળ જશે?’

યમરાજ ફરી પ્રસન્ન થઈ કહેવા લાગ્યા,’ધર્મ વિશેના તારા જ્ઞાનથી ઘણો ખુશ થઈ, હું તેના પતિના પ્રાણ સિવાય બીજું કોઈપણ વરદાન માંગી લેવા કહું છું.’
‘હે દેવ! મારા પર પ્રસન્ન થયા હો તો મારા સસરાને રાજ પાછું આપો’ – સાવિત્રી બોલી.
‘તથાસ્તુઃ હવે રસ્તો વિકટ આવે છે, માટે સમજીને પાછી વળ.’
ત્યારે સાવિત્રી ફરી વિનનવવા લાગી,’સૃષ્ટિના જીવમાત્રને નિયમમાં રાખનાર હે મહારાજ! શરણે આવેલાનું રક્ષણ કરવું તમારો ધર્મ છે. તમે મને દીકરી કહીને બોલાવો છો. વળી હું તમારા શરણે છું, તો મારું રક્ષણ કરો.’
‘હે પુત્રી! તારી મધુર વાણીથી પ્રસન્ન થઈ હું તને પતિના પ્રાણ સિવાય બીજું કંઈ પણ માંગવા કહું છું. યમના પગલે પગલે ચાલતી સાવિત્રી બોલી,’મારા માતા-પિતાને મારા સિવાય બીજું કોઈ સંતાન નથી. તમે પ્રસન્ન થયા હોવ તો તેમને સો પુત્ર આપો. જેથી તેમનો વંશવેલો હંમેશા ચાલુ રહે.’
‘તથાસ્તુઃ’ યમરાજ બોલ્યા.

સાવિત્રી પાછી વળવાને બદલે ઘોર અરણ્યમાં યમરાજની પાછળ જવા લાગી. ત્યારે યમરાજ બોલ્યા,’દીકરી! તારી હઠથી પ્રસન્ન થઈને હું તને અંતિમ વરદાન માંગવા કહું છું, માંગીને પાછી વળ!’
ત્યારે સાવિત્રી બોલી,’હે તાત! મારા પર પ્રસન્ન થયા હો તો હું સો પુત્રોની માતા બનું એવું વરદાન આપો.’
‘તથાસ્તુઃ’ યમ બોલ્યાં અને આગળ વધવા લાગ્યા ત્યારે એ બોલી,’હે ધર્મના જાણકાર દેવ! પતિવ્રતા સ્ત્રીના પતિનો પ્રાણ તમે લઈને જાવ છો, હવે કંઈ રીતે તમારું વરદાન ફળશે?’
સાવિત્રીના ચાતુર્યથી અત્યંત પ્રસન્ન થયેલાં યમરાજ બોલ્યા,’હે સતિ! પતિના પ્રાણ માટે તે જે ધીરજ દાખવી છે, તેનાથી અત્યંત પ્રસન્ન થઈ હું તારા પતિને સજીવન કરું છું.’

Also read Adarsh Yuva And Mahila Vikash Sanstha

આશીર્વાદ આપી યમ ચાલ્યાં ગયાં. સાવિત્રી પતિના નિષ્પ્રાણ દેહ પાસે આવી. પતિનું માથું ખોળામાં લેતા જ સત્યવાન ભર ઊંઘમાંથી જાગ્યો હોય તેમ આંખો ચોળતો બેઠો થયો. સાવિત્રીની આંખમાં હર્ષના આંસુ આવી ગયા.
યમના વરદાન પ્રતાપે અંધ ધુમતસેનને આંખો મળી. રાજ પાછું મળ્યું. સમય જતાં રાજા અશ્વસેન અને રાણી માલવી સો પરાક્રમી પુત્રોના માં-બાપ બન્યા અને સાવિત્રી પણ ગુણવાન પુત્રોની માતા બની.
‘હે બ્રહ્માને પ્રિય મા સાવિત્રી! જેવા સતિ સાવિત્રીને ફળ્યા તેવા વ્રત કરનાર સૌને ફળજો.’
જય માં સાવિત્રી દેવી.
Author: Morvee Raval