Girnars Shocking Secrets : જાણો ગરવા ગિરનારમાં છુપાયેલા ચોંકાવનારા રહસ્યોની રોચક વાતો…

Girnars Shocking Secrets : આપણાં જૂનાગઢમાં આવેલા ગરવા ગઢ ગિરનારના પહાડોમાં અનેક ગુફાઓ અને ગુપ્તસ્થાનો છે, જેના કારણે ગિરનાર ઘણા સ્થાને ખૂબ પોલો હોવાનું જણાય છે. આ પર્વતોમાં અનેક સંતો, મહંતો, સિદ્ધો, યોગીઓ, અનેક અઘોરીઓ અને મહાત્માઓએ વસવાટ કરી અનેક સાધનાઓને સિદ્ધ કરેલ છે. Girnars Shocking secrets

Girnars Shocking Secrets

આજે પણ અનેક વિભૂતિઓ આ ગિરનારની ગુફાઓમાં આત્મધ્યાનમાં કરી રહ્યા હોવાનું જાણવા મળેલ છે, જેની ઉંમર 100, 200 કે 300 એમ સેંકડો વર્ષની હોય છે. જૈન ગ્રંથો તથા અન્ય ધર્મગ્રંથોમાં પણ યક્ષાદિ અનેક આત્માઓ ગિરનારમાં વસતા હોવાના ઉલ્લેખ જોવા મળે છે. આ સંતો, મહંતો, સિદ્ધો, યોગીઓ તથા યક્ષાદિ આત્માઓની અનેક વાર્તાઓ અને ચમત્કારોની વાતો આજે પણ લોકમુખેથી જાણવા મળે છે, જેમાંથી કેટલીક વાતો અહીં જણાવેલ છે.

Girnars Shocking Secrets

રાજનગર-અમદાવાદથી એક આરાધક પરિવાર સંઘ લઈને ગિરનાર મંડળમાં બિરાજતા શ્રી નેમિનાથ પ્રભુજીને આભૂષણ ચઢાવવા આવ્યો, ત્યારે અઢાર અભિષેકના દિવસે શ્રી નેમિનાથ દાદાના આખા દેરાસરની છતમાંથી મોટા મોટા ટીપાં પડે તે રીતે અમિઝરણાં થયા હતા. વળી શ્રી નેમિપ્રભુની પ્રતિમાને ત્રણવાર અંગ લુંછણા કરવા છતાં જ્યારે અમિઝરણાં ચાલુ જ રહ્યા, ત્યારે સૌએ તેવા ભીના પ્રભુજીની જ પૂજા કરી હતી.

સંવત 1943 માં ગિરનાર ઉપર એક યોગી એક પ્રબુદ્ધ લેખકને પોતાની ગુફાનું પાષાણનું દ્વાર ખોલીને અંદર લઇ ગયેલા. ત્યારબાદ તે લેખક અનેકવાર તે સ્થળે જઈને તે દ્વારની તપાસ કરતાં, પરંતુ ત્યાં ખડકની શિલા સિવાય બીજું કાઇ નહોતું મળતું.

Girnars Shocking Secrets

ગિરનારની ગુફામાં વસતાં નાગાબાવાઓ મહાશિવરાત્રિના મેળાના અવસરે અનેકવિધ યોગના દાવો અને કરતબ દ્વારા સૌને આશ્ચર્યમુગ્ધ કરતાં હોય છે. આજે પણ એવા ઘણા અઘોરીઓ ગિરનારની ગુફામાં વસે છે જે મહાશિવરાત્રિના મેળાના અવસરે ભવનાથ મંદિરના દર્શનાર્થે આવે છે, પછી મૃગીકુંડમાં સ્નાન કરવા પડે છે અને પાછા બહાર નીકળતા જોવા મળતા નથી.

કાળી ટેકરીની આગળની ટેકરીને વાલ્મિકી ઋષિની ટેકરી કહે છે. તે સ્થાનની આગળ જટાશંકર જવાનો રસ્તો આવે છે, તે માર્ગમાં પ્રથમ ‘પુતળીઓ ગોળો’ નામની જગ્યા આવે છે. તે સ્થાન ઉપર ચોખાના આકારના પથરાઓ જોવા મળે છે.

ગબ્બર અથવા ગધ્ધેસિંહનો ડુંગર પાંચમીટૂંકના નૈઋત્ય ખૂણામાં છે, ત્યાં શાશ્વતી પ્રતિમાઓ છે પરંતુ તેમાં કુંજ દ્રુહ નામનો ઝરો છે. તેને તાંતણીયો ધરો પણ કહેવાય છે. આ ધરામાં રતનબાગમાંથી શુદ્ધ નિર્મળ જળ આવે છે અને અગાધ હોવાથી તેનો કોઈ પાર આવતો નથી. તેથી તે શાશ્વતી પ્રતિમાના સ્થાન સુધી કોઈ પહોંચી શકતું નથી. આ તાંતણીયો ધરો બીલખા તરફ થઈને ઓઝતને મળે છે.

Girnar Shocking Secrets

ગબ્બર અને દાતારના ડુંગરની વચ્ચે નવનાથ, 84 સિદ્ધોની ટેકરી છે. તેને હાલ ‘ટગટગીઆનો ડુંગર’ કહે છે. આ ટગટગીઆના ડુંગરથી રત્નેસર અને ત્યાંથી કાળીના મુકામે જવાય છે. આ ડુંગરમાં પૂર્વે ઘણા અઘોરીઓ રહેતા હતાં.

ગિરનારના માર્ગમાં આવેલા દામોદર કુંડના પાણીમાં નાખવામાં આવેલા હાડકાં આપમેળે ઓગળી જાય છે અને તેમાં ભસ્મ નાંખવામાં આવે તો પણ તે પાણી શુદ્ધનું શુદ્ધ જ રહે છે.

ગિરનારમાં એવી વનસ્પતિ છે, જેના મુળિયાને રાંધીને ખીચડી બનાવીને ખાવાથી છ-છ માસ સુધી માણસની ભૂખ ખલાસ થઇ જાય છે.

આવી અનેક વાતો આ મહાપ્રભાવક અને ચમત્કારી ગિરનારના ઈતિહાસ સાથે જોડાયેલી છે.

જય ગિરનારી…

Author: Urvashi Deshani #TeamAapduJunagadh

All photos click by Vatsal Dave

Also Read : જાણો આપણાં જૂનાગઢમાં મહેમાન બનીને આવતા પક્ષીઓ વિશે.