Khodaldham : આપણાં સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકામાં કાગવડ ગામ નજીક ખોડલધામનું નિર્માણ કાર્ય સતત પાંચ વર્ષ ચાલ્યા પછી પૂર્ણ થયું છે. ભાદર નદીના કાંઠે 100 એકર જમીનમાં આકાર પામેલું ખોડલધામ શિલ્પ અને સ્થાપત્યની દૃષ્ટિએ આધુનિક ગુજરાતનું બેનમૂન મંદિર બની ગયું છે. ધર્મ સાથે રાષ્ટ્રભાવનાને સર્વોપરી માનતા ખોડલધામ સંસ્થા દ્વારા આ મંદિર રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યું છે. ખોડલધામ વિશ્વનું પહેલું મંદિર છે, જેના પ્રદેશદ્વાર પર રાષ્ટ્રધ્વજ ફરકતો રહે છે.
સમસ્ત લેઉવા પટેલ સમાજના આત્મગૌરવનું પ્રતીક છે આ ખોડલધામ. ખોડિયાર દરેક કુળમાં પૂજાય છે, પણ ખોડલધામમાં લેઉવા પટેલ સમાજની કુળદેવી સ્વરૂપે તેઓ બીરાજમાન થયા છે. સમસ્ત લેઉવા પટેલ સમાજની ઈચ્છા અને યોગદાનથી કાગવડ ખાતે માઁ ખોડિયારનું આ ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે. આ મંદિર 299 ફૂટ લંબાઈ, 253 ફૂટ પહોળાઈ અને 135 ફૂટ ઊંચાઈ ધરાવે છે.
ખોડલધામ ટ્રસ્ટ દ્વારા રૂપિયા 60 કરોડના ખર્ચે કાગવડ ખાતે માઁ ખોડિયારનું ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે. જેમાં 21 જાન્યુઆરી 2017ના રોજ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. રાજસ્થાનના બયાના પાસેના બંસી પહાડપુર વિસ્તારમાં નીકળતા કુદરતી ગુલાબી પથ્થરમાંથી ખોડલધામ મંદિર બનાવવામાં આવ્યું છે. ખોડલધામનું નિર્માણ કાર્ય સતત 5 વર્ષ ચાલ્યું હતું. મંદિર બાંધકામમાં અંદાજે 2 લાખ 30 હજાર ધનફૂટ પથ્થર વાપરવામાં આવ્યો છે. અહી રાજસ્થાન અને ઓરિસ્સાના કારીગરોએ અલગ અલગ કોતરકામ કર્યું છે. જેમાં પિલર, છત, તોરણ, ઘુમ્મટની ડિઝાઈન રાજસ્થાનના કારીગરોએ કંડાર્યા છે. જ્યારે મંદિરના બહારના ભાગ ફરતે ૬૫૦ મૂર્તિઓ મુકવામાં આવી છે, જે ઓરિસ્સાના કારીગરોએ કંડારી છે. આ મૂર્તિમાં ગજથર, અશ્વથર, ગ્રાસથર, નર્તકી, વ્યાલ વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રામાયણ, મહાભારત અને ગીતાના ધાર્મિક પ્રસંગો પણ કંડારીને મુકાયા છે. મંદિરના શિખર પર સોનાથી મઢાયેલા ધ્વજદંડ પર 52 ગજની ધ્વજા ફરકે છે.
આ મંદિરમાં ખોડલ માતા સહિત 14 કુળદેવીઓની મૂર્તિની સ્થાપના કરવામાં આવી, જેમાં અંબા, વેરાઇ, મહાકાળી, અન્નપૂર્ણા, ગાત્રાળ, રાંદલ, બુટભવાની, બ્રહ્માણી, મોમાઇ, ચામુંડા, ગેલ અને શિહોરી માતા સમાવિષ્ટ છે. આ ઉપરાંત યાત્રાળુઓ માટે ભોજનાલયની પણ સુવિધા છે. જેમાં શુદ્ધ અને સાત્વિક ભોજન પીરસવામાં આવે છે.
મંદિરની સાથે સાથે અહીના બગીચાની સુંદરતા પણ આંખોને ગમી જાય એવી છે. બંને બાજુ લીલાછમ વૃક્ષો, સુંદર મજાનાં ફૂલ છોડ, ફુવારા યાત્રાળુઓને આનંદિત કરી દે છે. ફોટોગ્રાફીના શોખીનો માટે તો આ લોકેશન્સ એમના ફોટોને ચાર ચાંદ લગાવી દે એવા છે. અહીના બગીચામાં બેસી વન ભોજન કરવાની મજા પણ કરવા જેવી છે. તો પછી વેકેશનમાં કાગવડ ખોડલધામની મુલાકાત લેવાનું ચૂકાય નહીં !!
Author: Urvashi Deshani #TeamAapduJunagadh
Also Read : ઇજાગ્રસ્ત પશુ-પંખીઓ માટે ગુજરાત રાજ્યમાં ચાલતી આ ઈમરજન્સી એમ્બ્યુલન્સ વિશે તમે જાણો છો?