ભવનાથ અને કાવો: મોજથી માણવા જેવો જૂનાગઢનો શિયાળો

ભવનાથ

ભવનાથ : આમ તો બધી સીઝનમાં જૂનાગઢમાં મજા જ આવતી હોય છે, પણ આજે ખાસ જૂનાગઢમાં શિયાળાની ઋતુને માણવાની વાત કરવાની છે, તો શરૂઆત મારા અને તમારા બધાના પ્રિય સ્થળ એવા ભવનાથથી જ કરીએ!ભવનાથ

શિયાળામાં ભવનાથ, ભવનાથમાં કાવો,

‘ને ભેળો હોય ભેરુ “કસુંબી” જેવો!

બસ પછી મોજેમોજની જ અલખ જગાવો!

ભવનાથ મહાદેવ એટલે ભવનો નાશ કરનાર! કહેવાય છે કે, જો ભવનાથમાં કોઈના પ્રાણ જાય તો તેમને પ્રેતત્વ પ્રાપ્ત થતું નથી, પણ આપણાં માટે તો ભવનાથ તે પ્રાણ જવાનું કે મોક્ષ પ્રાપ્ત કરવાનું નહીં પણ આપણાં આખા અઠવાડિયાની મૃતપાય જિંદગીને પ્રાણ આપતું સ્થળ છે.શિયાળો બરાબર જામી ગયો છે અને જાન્યુઆરીની ઠંડીમાં હવે “મહાદેવ”ના નામની સાથેસાથે જૂનાગઢવાસીઓ “ટાઈઢ તો જો બાપ !” ના હોકારા મારતા થઈ ગયા છે. વળી, જૂનાગઢ શહેર કરતાં ભવનાથ તળેટી વિસ્તારમાં તાપમાન વધુ ઓછું થઇ જતું હોય છે, કદાચ બે-ત્રણ ડિગ્રીનો સીધો ફરક પડી જતો હોય છે. તો ઘરમાં ધૂળ ખાતી કારને (પેટ્રોલનો ખર્ચ ન પોસાય એટલે) પણ હવે ઘરની બહાર કાઢીને આપણે ભવનાથની લટાર મારવા નીકળી પડતા હોઈએ છે, પણ જો ભવનાથની શિયાળામાં ખરેખર મોજ માણવી હોય તો બાઈકમાં જવું (સહન થાય તો હો ભૂરા!)એ ભવનાથની ઠંડકમાં સૌથી અમૃત પીણું મને કાવો લાગે છે. ઠંડીમાં સાવ ઠરી ગયેલા શરીરને હુંફ આપતું આરોગ્યપ્રદ પીણું એટલે કાવો. આદું, ફૂદીના, તુલસી  અને લીંબુયુક્ત કાવાની લિજ્જત માણવા ભવનાથ સુધી જાવું જ જોઇએ! અને હાં! અત્યારે ટાઇઢ તો એટલી છે કે, આટલો ગરમ કાવો પણ પીવા માટે તમને ફૂંક મારવાની જરૂર નહીં પડે.કાવો આમ તો, જૂનાગઢમાં ઘણી જગ્યાએ મળે છે, પણ ભવનાથ પહોંચીને કાવો મળે, ત્યારે જાણે કે રણમાં જોરદાર તરસ લાગી હોય’ને કોઈ ઠંડા માટલામાંથી પાણીનો એક ગ્લાસ ભરીને આપે એવી અનુભૂતિ થાય છે. વળી શિયાળાની ઠંડીમાં જો થોડીક શરદી થઈ ગઈ હોય અને ભવનાથ આવવા માટે ના પાડતો હોય એવા મિત્રને પણ તમે “અરે કાવો પિય લે, એટલે તારી શરદી આ ઘડી એ ગાયબ!” આવા ચમત્કારિક શબ્દો કહીને મનાવી શકો!ભવનાથઅને તમને ન ખબર હોય તો કહી દઉં કે, ઉપર કીધેલા ચમત્કારિક શબ્દોમાં હકીકતમાં એટલી તાકાત છે કે ઘણીવાર દવાખાને ગયા વિના જ શરદી મટી જતી હોય છે !

એટલે શિયાળામાં જૂનાગઢમાં મોજ કરવી હોય તો ભવનાથ જાવું, કાવો પીવો! હાં! પણ શરત એ જ છે કે, ભેળો “કસુંબી” જેવો ભેરુ હોવો જોઇએ!

Author: Kalpit Chandpa (“કસુંબી”) #TeamAapduJunagadh

Also Read : In the National Athletic Champion Ship held in Karnataka…