જૂનાગઢ લીલી પરિક્રમા દરમિયાન સલામતી માટે ધ્યાનમાં રાખવાં જેવી બાબતો | Things to keep in mind for Lili Parikrama Junagadh

લીલી પરિક્રમા

ગિરનારની પરંપરાગત દર વર્ષે યોજાતી લીલી પરિક્રમા માં જો તમે આ વર્ષે જઈ રહ્યાં હોય તો આ માહિતી તમારાં માટે થોડી ઉપયોગી નીવડશે એવી ખાતરી આપું છું. પરિક્રમાનો રસ્તો ઉતાર ચઢાણવાળો અને થોડો લાંબો હોવાથી આપણે થોડી એવી કાળજી આપણી જાતને બચાવવા અને પર્યાવરણને બચાવવા માટે જરૂરી છે. આવો જાણીએ ઉપયોગી મુદ્દાઓ …

 • પરિક્રમામાં આવતા પરિકર્મર્થીઓએ ભવનાથ પહોંચીને થોડાં સમય સુધી આરામ કરી અને થોડાં એવાં હળવાં નાસ્તાથી પેટ ભરીને પરિક્રમાની શરૂઆત કરવી જેથી કરીને ચાલવામાં સરળતા રહે.
Bhavnath Temple
 • પરિક્રમામાં નીકળવા માટે સાંજે 5 વાગ્યાંનો સમય ઉત્તમ રહેશે જેથી કરીને તમે રાત્રે  ઝીણાંબાવાની મઢીએ પહોંચી ત્યાં ચાલતાં અન્નક્ષેત્રોમાં ભરપેટ જમીને રાત્રી રોકાણ કરી શકો.
 • પરિક્રમામાં જવા માટે તમે તમારા યોગ્ય વય જૂથના વ્યક્તિને પસંદ કરો જેથી તમારો આત્મવિશ્વાસ અને ચાલવાની હિંમત બંન્ને વધે. વધુમાં વધુ તમે 4 થી 5 વ્યક્તિના જૂથમાં પરિક્રમા કરવા જવાનું મહત્વ આપો.

 • પરિક્રમાના એ ઉતાર ચઢાવવાળા  રસ્તા પર તમને જમવા માટે ઘણાં અન્નક્ષેત્રો મળી રહેશે છતાં પણ થોડો સૂકો નાસ્તો અને એક પાણીની બોટલ સાથે રાખવી. પાણી પીવા માટેની વ્યવસ્થા ઓછામાં ઓછાં 2 કિલોમીટરના અંતરે છે. પણ એ પથરાળ રસ્તા પર 2 કિલોમીટરનો પંથ કાપતા ઘણો સમય લાગે અને સાથે થાક પણ લાગે એટલે તમે એક મોટી પાણીની બોટલ ભરીને સાથે રાખો અને જ્યાં જ્યાં પીવાના પાણી વ્યવસ્થા હોઈ ત્યાં ફરીથી બોટલ ભરી લો.

 • જો તમે પરિક્રમા એક દિવસમાં પુરી કરવાનાં હોઈ તો તમે કોઈ પણ જાતનો વધારાનો સમાન સાથે ના લ્યો. પણ જો તમે પરિક્રમા પુરી કરવામાં એક દિવસથી વધારે સમય લેવા માંગતા હોય તો તમારાં બેગમાં માત્ર જરૂરી સામાન જ સાથે લ્યો. બને ત્યાં સુધી ગ્રુપનાં બધાં સભ્યો પોતાનું બેગ લઈને જાય તો એ વધારે સારું રહેશે કેમ કે જો એક બેગમાં બધો વજન હશે તો વારાફરતી બેગ ઉપાડતા ઉપાડતા બધા થાકી જશે અને રસ્તો ઘણો લાંબો લાગશે.

 • તમે થોડી એવી રોકડ રકમ પણ સાથે રાખો (એટીએમ સુવિધા પરિક્રમાના રસ્તાઓ પર હોતી નથી). જેને તમે અલગ અલગ ખિસ્સાઓમાં રાખો જેથી કરીને ખિસ્સા કાતરુંથી થોડું ઘણુ પ્રોટેક્શન મળી રહે.
 • જો તમે શારીરિક રીતે નબળાં હોય અથવા ઊંચાઈના ડરને લીધે ચક્કર આવતા હોય તો તમે તમારી સાથે ગ્લુકોઝની ગોળીઓ અને લીંબુ સાથે જાઓ અને તમે તમારા થાકને દૂર કરવા માટે પેઇનકિલર પણ લઇ જઇ શકો છો. (તમારાં ફેમેલી ડોક્ટરનો સંપર્ક કરીને જ ઉપયોગમાં લેવી)
lili parikrama junagadh
lili parikrama junagadh
 • ન કરે નારાયણ અને જો કોઈ અકસ્માત થાય તો તમે ત્યાં આવેલ પોલીસ ટેન્ટએ જઇ વાયરલેસ પર જાણ કરીને ભવનાથથી યોગ્ય મદદ મંગાવી શકો છો.
 • શિયાળો શરૂ થઈ ગયો છે. અને પરિક્રમાનો રસ્તો ગિરનારનાં ગાઢ જંગલમાંથી થઈને પસાર થાય છે જેથી ધાર્યા કરતાં વધુ પડતી લાગશે એટલે યોગ્ય ગરમ કપડાં અને પહેરવા ઓઢવાનું સાથે લઈ જવું.
 • પરિક્રમા  દરમિયાન ખાખી કે બીજા અન્ય કલરના કપડાં પહેરવાનું પસંદ કરો.
  પરિક્રમા દરમિયાન બુટ કે સેંડલ પહેરવાનું પસંદ કરો. કેમ કે સ્લીપર કે ચંપલ પથરાળ રસ્તા પર તૂટી જ જવાનાં.  એટલે મુખ્ય મહત્વ બુટને આપવું

થોડીક છૂટક વસ્તુઓ કે જે તમને પરિક્રમા દરમિયાન ખૂબ જ ઉપયોગી બનશે. જેવી કે,

 • ટોર્ચ
 • બેટરી સેલ
 • ચપ્પુ
 • પીપરમેન્ટ
 • મોબાઈલ ફોન વિથ ફૂલ ચાર્જ બેટરી
 • માસ્ક (ધૂળની એલર્જીવાળા માટે)
 • લાકડી

પર્યાવરણને જાળવવા ધ્યાનમાં રાખવા જેવી બાબતો…

લીલી પરિક્રમા

 • બને ત્યાં સુધી જંગલમાં જ્યાં ત્યાં રસોઈ કરવા કે ચા ના મંગાળા ના સળગાવો.
 • આ રસ્તો સાગ અને વાંસના જંગલોમાંથી પસાર થાય છે. એટલે વાંસ અને સાગનાં ઝાડને નુકસાન ના પહોંચાડો. એ માટે જંગલખાતાએ યોગ્ય દંડની જોગવાઈ પણ કરેલી છે.
 • પ્લાસ્ટિકનો કચરો ના કરશો. એ માટે પણ જંગલખાતાએ જંગલમાં પ્રદુષણ ફેલાવાના ગુન્હા હેઠળ યોગ્ય દંડની જોગવાઈ કરેલી છે.
 • વનયજીવને હેરાન પરેશાન ના કરશો. એ માટે પણ ગુન્હા મુજબ જેલ અને કડક દંડની જોગવાઈ કરી છે.

તમારી સલામતી માટે ધ્યાનમાં રાખવા જેવી બાબતો…

લીલી પરિક્રમા

 • કોઈ જાણ્યા અજાણ્યા ઝાડ પાનને ના તોડશો. અમુક વનસ્પતિ ઝેરી પણ હોઈ શકે.
 • પરિક્રમાના આ રસ્તા સિવાય બીજા કોઈ શોર્ટકટ લેવાની ભૂલ ના કરશો.
 • કોઈ ઝરણાં, નદી, કે ઘુનામાં નહાવા ના પડશો. ગિરનારના બધાં ઝરણાંઓમાં મગરો જોવા મળે છે.
 • ‘સિંહ આવો’ જેવી અફવાઓથી ખોટો ખળભળાટ ના મચાવો.
 • કોઈ ઝરણાંમાંથી કે નદીમાંથી પીવાનું પાણી ના ભરશો. કારણ કે ત્યાં લોકો બધાં જાહેરમાં શોર્ચક્રિયા કરતાં હોય છે. જેથી તમારી તબિયત પર માઠી અસર પડવાની સંભાવના રહે.

પર્યાવરણની જાળવણી સાથે તમારી પરિક્રમા સલામત રીતે પૂર્ણ થાય એ માટેની શુભકામનાઓ

Author : Piyush Malvi #TeamAapduJunagadh

Also Read : Science and Nature Camp