Upla Datar : જૂનાગઢની કોમી એકતાનું પ્રતિક

Upla Datar : આપણાં જૂનાગઢમાં એક એવી જગ્યા આવેલી છે કે, જ્યાં નથી કોઈ મંદીર કે નથી કોઈ મસ્જીદ, છતાં પણ બંને કોમના લોકો અહીં ખુબજ શ્રધ્ધાપુર્વક દર્શન કરવા ઉમટી પડે છે. આ કોમી એક્તાના અનોખા પ્રતિક સમાન જગ્યા એટલે કે ગરવા ગીરનાર પર્વતની બાજુમાં આવેલા પર્વત પર આવેલ ઉપલા દાતાર. ઉપલા દાતાર જવા માટે આશરે 2900 જેટલા પગથીયા છે.

‘સત ધરમને શીલતા, વીર દાતારી વિખ્યાત,

કાશી થી કન્યાકુમારી, મારું કાઠીયાવાડ પ્રખ્યાત

Upla Datar

આ જગ્યા પર બિરાજમાન મહંતોનો ઉજળો ઈતિહાસ રહ્યો છે. અહીં બિરાજમાન સંતો આસન સિધ્ધ મહંતો કહેવાય છે. એક વખત આસન પર બિરાજ્યા બાદ સંતો તેમની અંતિમ ઘડી સુધી આ જગ્યા છોડીને જતા નથી અને આ પર્વતની નીચે પણ ઉતર્યા નથી. વર્ષો સુધી આ જગ્યા પર રહીને જ દાતાર બાપુની સેવાપૂજા કરે છે.

Upla Datar

ઉપલા દાતારનો ઈતિહાસઃ

જમિયલ શાહ દાતારના નામથી ઓળખાતા સંત અહી  બિરાજમાન થયા હતા. સંત જમીયલ શાહ ઈરાનના તૂસ શહેરના વતની હતા. પોતાના ગુરુના આદેશથી તેઓ રા’માંડલિકના સમયમાં ઇ.સ.1470ની આસપાસ જુનાગઢ આવ્યા હતા. તેઓ ઉદાર અને ઓલિયા પુરુષ હતા. તેઓ હિન્દુ અને મુસ્લિમને સમાન ગણતાં. આજે પણ તેમના ચિલ્લાને બંને કોમના લોકો આદર આપે છે. બંને કોમના લોકો અહીં દર્શનાર્થે આવે છે. જૂનાગઢનાં નવાબ પણ આ જગ્યા માટે ખૂબજ આસ્થા ધરાવતા હતા.

Upla Datar

ઉપલા દાતારના બ્રહ્મલીન સંત પૂજ્ય પટેલ બાપુએ પચાસ વર્ષ સુધી નિ:સ્વાર્થ આ જગ્યાએ સેવા કરી હતી, અને આ જગ્યાના મહંતપદે પણ રહ્યા હતા. સમગ્ર જીવનકાળ દરમિયાન પટેલ બાપુ કયારેય નીચે આવ્યા ન હતા. હાલમાં જ્યારે પટેલ બાપુની પુણ્યતિથિ ઉજવવામાં આવે છે, ત્યારે હિન્દુ-મુસ્લિમ બન્ને કોમના શ્રધ્ધાળુઓ તેમજ દાતાર બાપુના ભક્તો અને સેવકો પૂજ્ય બાપુની સમાધીના દર્શન કરવા ઉમટી પડે છે. દરેક શ્રધ્ધાળુઓ માટે વિશ્રામ તેમજ ભોજનની અનેરી વ્યવસ્થા ઉભી કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે સમગ્ર ભારત દેશમાં ખુબ ઓછી એવી જગ્યાઓ છે કે, જ્યાં બંને કોમના લોકો ભક્તિભાવ પૂર્વક દર્શનાર્થે જતા હોય. આ દાતારની જગ્યા કોમી એક્તાનું અનેરુ ઉદાહરણ પુરુ પાડે છે.

Author: Urvashi Deshani #TeamAapduJunagadh

Also Read : Mahobat Maqbara : વ્યસ્ત સડકોની વચ્ચે ધબકતું જૂનાગઢનું હૃદય