Girnar Places : ગિરનારમાં એવી કેટલીય જગ્યાઓ આવેલી છે, જેના વિશે આપણે અનેકવાર મુલાકાત લીધી હોવા છતાં તેના વિશે પૂરી માહિતી મેળવી શકતા નથી. જેટલું ગિરનારનું ઐતિહાસિક મહત્વ છે, એટલું જ એમનું ધાર્મિક મહત્વ પણ છે. આજે આપણે એવિજ બે જગ્યાઓ વિશે વાત કરવાના છીએ, જેના વિશે આપણે સાંભળ્યુ હશે પરંતુ તેની હકીકતો વિશે આપણે અજાણ હોઈશું!
ભૈરવ જપ:
ગિરનારમાં આવેલી એક એવી જગ્યા જ્યાં જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ એક એવી જગ્યા જ્યાં એક વિશાળ પથ્થર ખીણ ઉપર ઝુકેલો જણાઈ છે. આ પથ્થર ઉપર ભૈરવનું સ્થાનક છે. પહેલાના સમયમાં એક એવી માન્યતા હતી કે, અહિયાં પથ્થર ઉપર ચઢીને જે કોઈ વ્યક્તિ નીચે પડતી તે નવા જન્મે રાજયોગને પામતી. આવી અંધશ્રદ્ધાને કારણે અનેક લોકોએ અહિયાં જીવ ગુમાવ્યા હોવાનું કહેવાય છે. ઈતિહાસવિદોના મતે વર્ષ 1872માં જૂનાગઢ રાજસત્તાએ લોકોના ત્યાં જવા પર પ્રતિબંધ મૂક્યો હતો.
જૈન દેરાસરો:
ગરવો ગિરનાર ધાર્મિકતાની દ્રષ્ટિએ પણ વિશિષ્ટ મહત્વ ધરાવે છે, એમાં પણ જૈન સંપ્રદાયના અનુયાયીઓ માટે ગિરનાર પર્વત એક મહત્વનું આસ્થાકેન્દ્ર છે. સમુદ્રની સપાટીથી આશરે 2918 ફૂટ ઊંચે આવેલા જૈન દેરાસરો ગિરનાર તીર્થયાત્રા માટે મહત્વનુ સ્થાન માનવામાં આવે છે. અહિયાં નેમિનાથજી અને રાજમતીની ત્યાગભાવનાથી ગિરનાર એ જૈનોનું તીર્થધામ બન્યું છે.
દેવકોટ દરવાજામાંથી પ્રવેશ કરતાં આપણને જૈન દેરાસરોના દર્શન થાય છે. તિર્થનાયક નેમીનાથજીની શ્યામમૂર્તિ સાથેનું વિશાળ અને મુખ્ય દહેંરૂ અહિયાં સ્થિત છે. મંદિર ફરતેનો રંગ મંડપ, ચોક અને મંદિર સ્થાપત્ય કલાના અદ્દભુત નમુના છે. આ દેરાસર વિક્રમ સંવત ૬૦૯ માં કાશ્મિરવાસી રતનશા નામના શ્રાવકે બંધાવ્યું હોવાની માન્યતા છે. નેમીનાથજીના દેરાસર પાસે ઋષભદેવ(અદબજી દાદા)ની વિશાળ પ્રતિમા છે. જૂનાગઢના રાજા રા’માંડલિકએ આ દેરાસરને સોનાનાં પતરાથી મઢાવ્યું હતું તેવા ઉલ્લેખ ધરાવતા શિલાલેખો પણ જોવા મળે છે. નેમીનાથજીના મંદિરની પાછળ જૈન મંદિરોના મુનીમજી જગમાલ ગોરધનનું દહેરૂં છે. જેના નામ ઉપરથી જુનાગઢ શહેરમાં જગમાલ ચોક પણ છે.
આ ઉપરાંત અહિયાં સગરામ સોની અને માનસંગ ભોજરાજે બંધાવેલા દેરાસરો, સુર્યકુંડ, રા’ના સમયના અવશેષો, કુમારપાળે બંધાવેલું દેરાસર, સંપ્રતિ રાજાનું મંદિર, હાથીકુંડ, રાજુલની ગુફા વગેરે યાત્રિકોને આકર્ષે છે. ગિરનાર પર સ્થાપત્યકલાના ઉત્તમ નમૂના તરીકે ઓળખાતા પાર્શ્ર્વનાથજીના દેરાસરો ઇ.સ.1232 થી 1242ની વચ્ચે વસ્તુપાલ અને તેજપાલે બંધાવ્યા છે. અહિયાં દિગંબરી સંધના પણ કેટલાક દેરાસરો છે.
#TeamAapduJunagadh