ઇતિહાસના પાને જૂનાગઢની શૈક્ષણિક ધરોહર

હિમાલયના અગ્રજ એવા રૈવતક-ગિરનારની નિશ્રામાં વસેલું જુનાગઢ શહેર તેના 2500 વર્ષના ઈતિહાસને કારણે વિશિષ્ટ મહત્વ ધરાવે છે. આ શહેરના પ્રાચીન સ્થળો અને ઇમારતો પોતાની ઐતિહાસિકતાની સ્મૃતિઓ સાચવીને ઊભાં છે. સાંસ્કૃતિક અને શૈક્ષણિક ક્ષેત્રે પણ જૂનાગઢનું પ્રદાન અનેરું છે. કેળવણીનો ઈતિહાસ આપણને ઈ.સ.1852 સુધી લઈ જાય છે, જ્યારે સૌપ્રથમ ગુજરાતી શાળાની શરૂઆત થઈ. ઈ.સ. 1854 માં સંસ્કૃત પાઠશાળાની સ્થાપના થઈ.

ઈ.સ. 1873 ની 14મી જૂને ભાઈઓ માટેની બહાદુરખાનજી હાઈસ્કૂલ અસ્તિત્વમાં આવી. જ્યારે કન્યાઓ માટેની લાડલીબીબી સાહેબ ગર્લ્સ સ્કૂલનો પ્રારંભ 1862માં જ થઈ ગયો હતો. આ ગર્લ્સ સ્કૂલનું આગળ જતાં સ્થળાંતરની સાથે નામાંતર પણ થયું. ગર્લ્સ સ્કૂલ પાસેનો રોડ, જે કિંગ્સ રોડથી જાણીતો હતો તે રોડ આજે મહાત્મા ગાંધી રોડ તરીકે ઓળખાય છે, તે જ માર્ગ ઉપર થોડે અંતરે આઝાદ ચોકની સામે કલાત્મક સ્થાપત્ય ધરાવતી એ.જી.સ્કૂલમાં ફેરવવામાં આવી અને ‘જુનાગઢ ગર્લ્સ સ્કૂલ’ નામ આપવામાં આવ્યું. junagadh historyjunagadh school history

વર્ષ 1917માં માધ્યમિક વિભાગ અને 1949 થી મેટ્રિકના વર્ગો પણ શરૂ થયા. જુનાગઢની બીજી સરકારી શાળા બહાદુરખાનજી હાઈસ્કૂલની સ્થાપના 1873 માં થઈ. આ ભવ્ય ગુંબજવાળી આલીશાન ઇમારત તેની આસપાસના વિશાળ ચોગાન, ઘટાદાર વૃક્ષો, હવા-ઉજ્જાસવાળા મસમોટા વર્ગખંડોને કારણે એક નઝરાણું છે.

ધોતિયું, કોટ, ફેંટો અને ખેસ આવા ગરિમાપુર્ણ પોશાકવાળા શિક્ષકો આજે સ્મૃતિષેશ બની ગયા છે. સન 1960 માં જુનાગઢ નગરપાલિકાના પ્રમુખ શ્રી દિવ્યકાન્ત નાણાવટીએ સિટી મિડલ સ્કૂલનું “શ્રી નરસિંહ વિદ્યા મંદિર” નામાભિદાન કર્યું. નગરપાલિકા સંચાલિત આ સૌપ્રથમ હાઈસ્કૂલ હતી. આ સ્કૂલનો પણ એકવાર મધ્યાહન તપતો હતો. આ શાળાની સૌથી મોટી સિદ્ધિ કોમી એકતા છે.

બહાઉદ્દીન કોલેજ એ બોમ્બે પ્રેસિડેન્સીની ત્રીજા નંબરની સૌથી જૂની કોલેજ હતી. આ કોલેજનું શિલારોપણ 1897 માં કર્નલ હંટરે કર્યું. એકબાજુ ગિરનાર અને દાતારના શિખરો તો બીજીબાજુ હરિયાળા ખેતરો અને ઘેઘૂર વનરાજીથી શોભતી આ કોલેજનું સ્થાપત્ય બેનમૂન છે. તેનો 10060 ફૂટનો ઇટાલિયન માર્બલથી મઢેલો મધ્યખંડ મુગ્ધ કરી દે છે. 3 નવેમ્બર, 1900નો દિવસ જુનાગઢ માટે મંગલમય હતો. તે દિવસે ગવર્નર જનરલ અને વાઈસરૉય લોર્ડ કર્ઝનના હસ્તે બહાઉદ્દીન કોલેજનો શુભારંભ થયો.

આખા શહેરની ગલીઓ અને માર્ગોને શણગારવામાં આવ્યા. ચાંદીની ચાવીથી ચાંદીનું તાળું ખોલી કોલેજનો શુભારંભ કરવામાં આવ્યો. આ તાળું વિશિષ્ટ રીતે બનાવામાં આવેલું, તાળાં ઉપર સિંહનું રાજચિન્હ અને તેની ફરતે વીંટળાયેલા સર્પની મુદ્રા હતી. ચાવી ભરાવતા જ અજ્ઞાનરૂપી સર્પની ચૂડ ખૂલી જતી.

આમ જૂનાગઢ મધ્યે સમયની સાથોસાથ ટેક્નોલોજીના વિકાસ સાથે અનેક શાળાઓની સ્થાપના થતી ગઈ…

Author: Morvee Raval #TeamAapduJunagadh