Damodar Kund : ભક્ત કવિ નરસિંહ મહેતાનું વર્ણન કરતાં આ ભજનમાં આપણાં જૂનાગઢમાં આવેલા પવિત્ર દામોકુંડની વાત કરવામાં આવી છે. જુનાગઢમાં ગિરનાર તરફ જવાના રસ્તા ઉપર દામોદર કુંડ આવેલો છે. લોકવાયકા છે કે, નરસિંહ મહેતા રોજ સવારે બ્રહ્મ મુહૂર્તમાં અહીં સ્નાન કરવા આવતાં હતાં. જુનાગઢ શહેરથી ગિરનાર તરફ જવાના રસ્તામાં સોનરખ નદીમાં આ પવિત્ર અને પ્રાચીન દામોદર કુંડ આવેલો છે. સોનરખ નદી ગિરનાર ઉપરથી હાથીપગા પાસેથી નીકળીને ૩૩૦ મીટર નીચે ઉતરી, ભવનાથ મંદિરની ઉત્તર દિશાએથી વહીને દામોદર કુંડ પાસેથી વહે છે. આગળ જતાં આ નદી સક્કરબાગ પાસે ઉબેણ નદીને મળે છે.
“ગિરી તળેટી ને કુંડ દામોદર, ત્યાં મહેતાજી ન્હાવા જાય…”
આ કુંડના કાંઠે દામોદરરાયજીનું પ્રાચીન મંદિર આવેલું છે. સ્કંદ ગુપ્તના સૂબા ચક્રપાલિતે ઇ.સ. 457-458માં ચક્રભૂત વિષ્ણુનું આ મંદિર બંધાવ્યાનો પર્વતિય શિલાલેખમાં ઉલ્લેખ છે. પૌરાણિક માન્યતા પ્રમાણે આ મંદિર શ્રીકૃષ્ણના પૌત્ર વજ્રનાભે બંધાવ્યું હોવાનું માનવામાં આવે છે. લોકવાયકા મુજબ ભક્તકવિ નરસિંહ મહેતા અહીં રોજ દર્શને આવતાં અને જુનાગઢના માંડલિકે જ્યારે તેમની ભક્તિની કસોટી કરવાનો પડકાર આપ્યો ત્યારે દામોદરરાયજીએ અહીંથી પોતાના કંઠમાં ધારણ કરેલો હાર મહેતાજીના ગળામાં પહેરાવ્યો હતો.
ગિરનાર મહાત્મ્યમાં એવી વાર્તા છે કે, આ કુંડમાં બ્રહ્માજીની આજ્ઞાથી ગંગાજી વહે છે. આ ઉપરાંત એવી પણ માન્યતા છે કે, આ કુંડના પાણીમાં અસ્થિ આપમેળે ઓગળી જાય છે અને અસ્થિ ભસ્મ નાખવામાં આવે તો પણ આ કુંડનું પાણી શુદ્ઘ રહે છે. દામોદર કુંડ પાસે વિક્રમ સંવત 1473ના વર્ષનો એક શિલાલેખ છે, તેમાં જણાવ્યા પ્રમાણે દામોદર નામના કોઇ શ્રેષ્ઠીએ કુંડની બાજુમાં મઠ બંધાવી આપ્યાનો ઉલ્લેખ છે. દામોદર કુંડની પાસે મહાપ્રભુજીની બેઠક પણ છે. આમ, દામોદર કુંડ પ્રાચીન ધરોહરની સાથે ધાર્મિક મહત્વ પણ ધરાવે છે. એક માન્યતા અનુસાર અનેકવિધ તીર્થોની યાત્રાનું ફળ દામોદર કુંડમાં સ્નાન કરવાથી જ મળે છે.
દામોદર કુંડની લંબાઇ 275 ફૂટ અને પહોળાઇ 50 ફૂટ છે. ઇ.સ. 1826માં દિવના વ્યાપારી સંઘજીએ વાઘેશ્વરી માતાજીના મંદિરના દરવાજાથી ગિરનાર સુધીનો માર્ગ બંધાવ્યો હતો અને ઇ.સ. 1889માં દિવાન હરીદાસે દામોદરરાયજીના મંદિરમાં જવા માટે પુલનું નિર્માણ કરાવ્યું હતું.
પૌરાણિક કથા મુજબ બ્રહ્માએ તથા ઈન્દ્ર દેવએ આ તીર્થમાં ઘણા યજ્ઞો કર્યા. એમાં બધા દેવ-દેવીઓ ઉપસ્થિત રહેલાં. એ દરેકને પોત પોતાના સ્થાનમાં તીર્થ સ્નાન કરવાની ઈચ્છા થઈ, આથી બ્રહ્માજીએ પોતાના કમંડલમાંથી ગંગાજીને પ્રગટ કરી પધરાવ્યાં, બીજાં તીર્થોને પણ ત્યાં બોલાવ્યાં. આમ આ કુંડમાં ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, સિંધુ, કાવેરી, ક્ષિપ્રા, ચર્મણ્યવતી, ગોદાવરી વગેરે તીર્થ સ્વરૂપ ગણાતી નદીઓએ ત્યાં વાસ કર્યો. બ્રહ્માના નામ પરથી એ કુંડનું નામ બ્રહ્મકુંડ પડ્યું. બ્રહ્માના વચનથી દેવતાઓ અહીં દામોદરજી અને બીજા સ્વરૂપે બિરાજ્યા. તેથી આ તીર્થ દામોદર નામે પ્રસિદ્ધ થયું. અહીં મનુષ્યનાં અસ્થિ પધરાવવાથી તદ્દન ઓગળી જાય છે અને મોક્ષ પ્રાપ્ત થાય છે. ગોમતીમાં પધરાયેલાં અસ્થિ ચક્રરૂપ, ગંગામાં શેવાળ રૂપ અને દામોદરમાં જળ રૂપ બને છે.
આમ દામોદર કુંડ સાથે અનેક પૌરાણિક કથાઓ સંકળાયેલી છે. દામોદર કુંડ ભાવિકોની શ્રદ્ઘા અને આસ્થાનું પ્રતિક છે.
Author: Urvashi Deshani #TeamAapduJunagadh
Also Read : Bird Girnar : મૂળ હિમાલયનું આ વિકરાળ પક્ષી પિતામહ ગિરનારની મુલાકાતે આવ્યું!