જૂનાગઢમાં આવેલા આ શિવલિંગની સ્થાપના ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા થઈ હતી…

ઈતિહાસ પાને એક આગવી ઓળખ ધરાવતું આપણું શહેર જૂનાગઢ અનેક પૌરાણિક મંદિરોથી સજ્જ છે. દરેક મંદિર સાથે એક રોચક કથા ચોક્કસ જોડાયેલી હોય છે, પછી એ કથા સ્થાપિત દેવ વિશે હોય કે નિત નિયમ પૂજન અર્ચન કરતાં કોઈ શ્રધ્ધાળુની. આજે આપણે એવાજ એક ધાર્મિક સ્થળ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, તો આવો જાણીએ…

દામોદર કુંડ પાસે આવેલી મુચકુંદ ગુફા આવી જ એક રોચક કથાથી સંકળાયેલી છે. કહેવાય છે કે, અહી આવેલા મહાદેવની સ્થાપના શ્રીકૃષ્ણ ભગવાને કરી છે.

પૌરાણિક કથા:

શ્રીમદ ભાગવતમાં પણ મુચકુંદ ગુફા ખાતે આવેલા આ મહાદેવનો ઉલ્લેખ છે. શ્રીકૃષ્ણ ભગવાને જ્યારે મામા કંશ સામે વિજય પ્રાપ્ત કર્યો, ત્યારે કંશના મિત્ર “કાલયવન” જે ઋષિ પુત્ર હતા તેમની સાથે આ કથા સંકળાયેલી છે.

તે ઋષિપુત્ર હોવા છતાં રાક્ષસ વૃતિના હોવાથી તેને કાલયવન કહેવામાં આવેલો, જેથી તેમનું નામ કાલયવન પડ્યું. ત્યારે કાલયવનને એમ થયું કે મારા મિત્ર કંશને જેણે માર્યો છે, તેનો હું બદલો લઉં. તે ભગવાન શ્રીકૃષ્ણની સામે યુધ્ધ કરવા આવ્યો, અને યુધ્ધમાં ભગવાન સ્વરૂપ શ્રીકૃષ્ણ કાલયવનને પરાજિત કરી શકે તેમ ન હતા, ત્યારે ભગવાન શ્રીકૃષ્ણને એવું યાદ આવ્યું કે, કાલયવનને ભગવાન શિવનું વરદાન છે કે તે અસ્ત્ર શસ્ત્રથી મરે નહિ, પ્રાણી, મનુષ્ય, દેવ કોઈ મારી શકે નહીં, તો કાલયવનને મારવો કઈ રીતે…?

ત્યારે ભગવાનને વિચાર આવ્યો કે, આ પૃથ્વી ઉપર એકજ એવો વ્યક્તિ છે જે કાલયવનને મારી શકે છે. ત્યારે ભગવાને મુચકુંદ રાજાને બ્રહ્માજીથી મળેલું વરદાન કે ઘોર નિંદ્રામાંથી રાજાને જે કોઈ પણ ઉઠાડે અને રાજાની પહેલી દ્રષ્ટિ જેના પર પડે તે બળીને ભષ્મ થાય એટલે ભગવાન તરત જ કાલયવનની સામે યુધ્ધ છોડી મથુરાનગરીના રણમેદાનમાંથી ગુર્જર પ્રદેશમાં આવેલ સૌરાષ્ટ્ર એટલે કે જેને આપણે પ્રભાસ ક્ષેત્ર તરીકે ઓળખીએ છીએ, એવા ગિરનાર એટલે કે રૈવતાચલ પર્વત તરફ તે દોડવા લાગ્યા.

ભગવાનને દોડતા જોઈ કાલયવન ખૂબજ ક્રોધિત થઈ જાય છે અને તે પણ શ્રીકૃષ્ણની પાછળ તેને મારવા જાય છે. અંતે ભગવાન શ્રીકૃષ્ણ રૈવતાચલ પર્વતની અંદર જ્યાં મુચકુંદ રાજા સૂતા હતા, તે ગુફામાં પ્રવેશ કરે છે. કાલયવન પણ ત્યાં આવી મુચકુંદ રાજાને શ્રીકૃષ્ણ ભગવાન સમજી જગાડવા લાગ્યો, કારણ કે ત્યારના સમયના યુધ્ધના નિયમ અનુસાર સૂતેલા માણસ ઉપર પ્રહાર ન કરવો. તેથી કાલયવન રાજાને શ્રીકૃષ્ણ સમજી દૂર ઊભા-ઊભા અવાજ દેવા લાગ્યો કે, હે કૃષ્ણ તું સુવાના નાટક ન કર, ઊભો થઈ મારી સાથે યુધ્ધ કર…!

ત્યારે ભગવાન ઊભા નથી થતાં તેમ સમજી કાલયવન પગની લાત મારી ઉઠાડે છે, પરંતુ આળસ મરડીને જે માણસ ઊભો થયો તેને જોઈને કાલયવન ભયભીત થઈ જાય છે અને બ્રહ્માજીના આશીર્વાદ મુજબ રાજા પહેલી દ્રષ્ટિએ કાલયવનને જોતાં તે બળીને ભષ્મ થઈ જાય છે.

ત્યારથી પર્વત મધ્યે દામોદર કુંડની ઉપર આવેલી આ ગુફા “મુચકુંદ ગુફા” નામે ઓળખાય છે. પોતાના દૈનિક નિયમ અનુસાર સવારના બ્રહ્મમૂહુર્તમાં ભગવાન શિવની પૂજા કરવી એટલે શ્રીકૃષ્ણ ભગવાને પોતાના હાથે આ ગુફામાં મહાદેવની સ્થાપના કરી “નિલકંઠ” નામ આપી પૂજા કરી.

શ્રીકૃષ્ણ સ્થાપિત આ નિલકંઠ મહાદેવના આપણે આજે પણ દર્શન કરીએ છીએ…

Author: Morvee Raval #TeamAapduJunagadh