Ashapura Temple : આશાપુરા માતાનું મુખ્ય અને મૂળ મંદિર, રાજસ્થાનમાં આવેલું નાડોલ ગામ અને ગુજરાતમાં કચ્છના માતાના મઢમાં આવેલું છે. જ્યાં કચ્છના જાડેજા શાસકો તેમના કુળદેવી અને પ્રદેશના મુખ્ય વાલી દેવતા તરીકે પૂજે છે.
ભાસે ભલેને તારા રૂપ અધૂરા, કામ સવાયા કીધાં,
અધીર વણીકની સાંભળીને, દેવળ દર્શન દીધાં,
સ્વયંભૂ માડી તું તો પાષાણે પ્રગટી, જગ આખામાં ઓળખાણી..!!
કચ્છમાંથી સ્થળાંતર કરી જ્યાં જાડેજાઓએ વસવાટ કર્યો ત્યાં તેમના આશાપુરા માતાજીનાં મંદિરો બાંધ્યા છે. જેમકે રાજકોટ, જસદણ, મોરબી, ગોંડલ, જામનગર, ઘુમલી તથા આપણાં જૂનાગઢમાં આશાપુરા માતાજીનાં મંદિરના દર્શન કરી શકાય છે.
જૂનાગઢ ભવનાથ વિસ્તારમાં આવેલા આશાપુરા માતાજીનો મઢ મંદિર અનેક વર્ષો પુરાણું છે. સમગ્ર જૂનાગઢ જીલ્લામાં આ એકમાત્ર આશાપુરા માતાજીનો મઢ છે. અહિયાં માતાજીના ફળા સ્વરૂપે તથા પ્રતિમા સ્વરૂપે દર્શન થાય છે. મંદિરમાં બિરાજતા માઁ આશાપુરા અનેક પરિવારોના કુળદેવી છે. જેમકે જાડેજા, ચૌહાણ, પ્રજાપતિ, વાઘેલા, વ્યાસ, પૂરોહિત, થાનકી, મોઢા બ્રાહ્મણો સહિતના કેટલાય પરિવારોના કુળદેવી તરીકે પૂજાતા આ આશાપુરા માતાજીની અનેક માનતાઓ માનવામાં આવે છે, આ ઉપરાંત છેડાં-છેડી છોડવા જેવા અનેક કાર્યો પણ અહિયાં માતાજીનાં મઢમાં જ કરવામાં આવે છે.
આસો નવરાત્રીમાં અહિયાં શ્રીગોળ પુરોહિત બ્રહ્મસમાજ દ્વારા નોમના દિવસે હોમ-હવનનું આયોજન થાય છે, જેમાં બહોળી સંખ્યામાં માઈ ભક્તો માતાજીનાં દર્શન કરી તથા સહપરિવાર પ્રસાદ લઈને ધન્યતાનો અનુભવ કરે છે. ચૈત્રી નવરાત્રિ ઉપર સમગ્ર ગુજરાત ભરના જાડેજા રાજપૂત સમાજ દ્વારા ત્રિદિવસીય હવનનું આયોજન કરવામાં આવે છે. તે હવનમાં અસંખ્ય માતાજીનાં ભક્તો માતાજીનાં દર્શનનો અને પ્રસાદનો લાભ લેતા હોય છે.
ગિરનાર ક્ષેત્રમાં યોજાતા શિવરાત્રિના મેળામાં તથા લીલી પરિક્રમા દરમિયાન લાખોની સંખ્યામાં આવતા શ્રદ્ધાળુઓને ભોજન કરાવવા અહિયાં અન્નક્ષેત્રો ધમધમતા કરવામાં આવે છે. શ્રદ્ધાળુઓની આશાને પૂરી કરનાર માઁ આશાપુરાના ચરણોમાં કોટિ કોટિ વંદન…
આભાર: કિશોર બાપૂ (મહંતશ્રી- આશાપુરા મંદિર, જૂનાગઢ)
સૌને જય માતાજી…
Author: Sumit Jani(શિવાય) #TeamAapduJunagadh
Also Read :