વીર રામવાળો : ગાયકવાડી ધરા ધ્રુજાવતો સોરઠી નરવીર (ભાગ: 2)

વીર રામવાળો

વીર રામવાળો :

ડુંગરડા દોયલા થીયા! પગ તારો વેરી થીયો!
રામવાળા ગલઢેરા! ડુંગરડા દોયલા થીયા.

પાછલા અંકથી ચાલું…

રામવાળો અને તેના સાથીદારો ગુજરીઆ ગામે કાળુ ખુમાણને આશરે ગયા, ત્યાં રામનો પગ વકરી ચુક્યો હતો. તાવ ચડવા લાગ્યો હતો. ચલાય તેવું રહ્યું નહોતું. છુપાઈને રામ ત્યાં રહ્યો. થોડી મુદ્દત થઈ ત્યાં બહારવટીયા ખરચીખૂટ થઈ ગયા. દસ જણના પેટના ખાડા પૂરવા શી રીતે? પથારીએ પડ્યાં પડ્યાં રામે કહ્યું “ભાઈ ગોલણ! તમે સૌ જઈ ગાયકવાડનું ભલગામ ભાંગો.”ગામ ભાંગીને ટોળી પાછી આવી, ત્યારે પુછપરછ કરતાં રામને જાણ થઈ કે ટોળી તો ભલગામ નહીં પણ ગોંડલ તાબાનું વાવડી ભાંગી આવી છે. પથારીવશ રામે બહુ અફસેાસ ગુજાર્યો. “અરે હાય હાય ભાઈ ગોલણ! આપણે ખોટ્ય ખાધી. ગોંડલ હારે મારે ક્યાં વેર હતું?”

ગોલણ કહે,“અમને તો કાળુ ખુમાણે લલચાવ્યા.”

“પણ ગોલણ! તેં શું મને નહોતો એાળખ્યો? તેં ઉઠીને આવી ભૂલ કરી? મારો મનખો બગાડ્યો?” રામવાળો બોલ્યો.વીર રામવાળોગોલણને દુ:ખ લાગ્યું. એના મનનો ઉંડો મેલ ઉખળ્યો.“રામભાઈ, કામ અમે કરીએ અને નામચા તારી ગવાય. અમને જશ જ ક્યાં જડે છે?”

“મારી નામચા ગાવાનું હું ક્યાં કોઈને કહું છું? લોકો આફરડા બોલે એમાં હું શું કરૂં? તમને જો એમજ થાતું હોય’ને ખુશીથી તમારા નામનું બારવટું ચલાવો. તમે જશ લ્યો. હું તો જશ લેવા નહીં પણ મોતને ભેટવા નીકળ્યો છું.”

ગોલણ સમજી ગયો હતો કે, હવે રામભાઈને ભાંગતી વાર છે. એણે ગોદડને પોતાની ભેળો લીધો. નાગને પૂછતાં નાગે ખાનદાન જવાબ દીધો કે “ના, ના, હવે તો હું રામભાઈને મૂકું કદિ?”

ગોલણને ગોદડ નોખા પડી હરદ્વાર તરફ ચાલ્યા ગયા. રામવાળો ભેરૂ રબારીને ખભે ચડીને ખીલખાના એક કાઠી દરબારને આશરે ગયો. ત્યાં રહ્યે રહ્યે એના પગની વેદના પૂરા જોરમાં સળગી ઉઠી. આરામની આશા ન રહી ત્યારે રામે કહ્યું કે,“ભાઈ, મારો દેહ પડી જાય તેમ છે. મને હવે ગરનાર ભેળો કરો. ત્યાં ચોરાસી સદ્ધનું બેસણું છે, એટલે મારો મોક્ષ થાશે.” 

ત્યારે દરબારે હિંમત કરી કહ્યું,“રામભાઇ! તું સુખેથી આંહી રહે, હું તને મલક છતરાયો સમશાને લઈ જઈશ.”

“ના ના દરબાર! મારે ખાતર તમારો ગરાસ જાય.”

ડાહ્યો બહારવટીયો ન માન્યો એટલે રાતે એને રામેસર લઈ ગયા. ત્યાંથી એને ગાડામાં નાખી રાતોરાત ગિરનારના બોરીઆ ગાળા નામના ભયંકર સ્થળ ઉપર મુકી આવ્યા. બોરીઆ ગાળાના એક ભોંયરામાં બે ભેરૂ રામની સારવાર કરી રહ્યા છે. એક નાગવાળો ને બીજો મેરૂ રબારી. બાકીના તમામ ચાલ્યા ગયા છે…

વધુ આવતા અંકે…

સંદર્ભ: સોરઠી બહારવટિયા-3

તસવીર: Internet  

સંયોજન: Sumit Jani (Shivay) #TeamAapduJunagadh   

Also Read : પ્રવાસીઓમાં વધતું એશિયાઇ સિંહ નું આકર્ષણ: 5 લાખથી વધુ લોકોએ લીધી મુલાકાત.